બજારોમાં વિવિધ રંગના ઓર્ગેનિક કલર અને પિચકારીઓએ આકર્ષણ જમાવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રંગીલા રાજકોટમાં આ વર્ષે હોળી-ધૂળેટીની રોનક જોવા મળી રહી છે. વિવિધ રંગના કલરની સાથે નિતનવી પિચકારીએ બજારમાં આકર્ષણ જમાવ્યું છે. નાના છોકરાઓ માટે ખાસ પ્રકારની ટેન્ક, બેનટેન, છોટાભીમ સહિતની અન્ય કાર્ટુનવાળી પિચકારીઓ બજારમાં ધૂમ મચાવી રહી છે. કોરોનાના કારણે છેલ્લાં બેથી અઢી વર્ષ દરમિયાન ધૂળેટીના તહેવારનો રંગ ફિક્કો પડી ગયો હતો. જ્યારે આ વર્ષે હવે કોરોનાથી રાહત મળતાં લોકોમાં હોળી-ધૂળેટીના આ તહેવારની ઉજવણી કરવા બાળકો સહિત યુવાનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. વિવિધ કલબ, હોટલ, ગાર્ડનમાં પણ આ વર્ષે ધૂળેટીની ભવ્ય ઉજવણી થનાર છે.
રાજકોટની બજારો રંગો અને પિચકારીથી ઉભરાઈ રહી છે. બજારોમાં કલર અને પિચકારીની ખરીદી માટે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે, તો બીજી બાજુ આ વર્ષે કોરોનાના કારણે પિચકારીનું ઉત્પાદન ઓછું થતાં ભાવમાં 30 ટકા જેટલા વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટની બજારોમાં પિચકારી અને વિવિધ કલરના સ્ટોલ જોવા મળી રહ્યા છે. 50થી વધુ વેરાઈટીઓવાળી પિચકારી બજારમાં ઉપલબ્ધ છે. હાલ બજારમાં રૂા. 20થી માંડી 2000 સુધીની પિચકારીઓનું વેચાણ થઈ રહ્યું છે. ઉપરાંત ટેન્ક પિચકારીની પણ બજારમાં વધુ ડિમાન્ડ છે. તો બાળકો માટે બેનટેન, છોટા ભીમ, કાર્ટુન સહિતની અનેક ડિઝાઈનની પિચકારીઓ ધૂમ મચાવી રહી છે.


