જૂનાગઢમાં એમજી રોડનાં વેપારીઓએ અડધો દિવસ બંધ પાળી વિરોધ દર્શાવ્યો : ભાજપ અને કોંગ્રેસનાં નેતા આગળ આવ્યાં
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા બીયુ સર્ટી અને ફાયર એનઓસી મુદ્ે મિલકતો સીલ કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢનાં એમજી રોડ પર આવેલી વી આર્કેડ બિલ્ડીંગ સીલ કરી હતી. ફાયરનાં મુદે આ બિલ્ડીંગ સીલ કરાઇ હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે, મનપાનાં કહેવા મુજબ તમામ ફાયરનાં સાધનો વસાવી લીધા છે. પરંતુ સીલ ખોલી આપવામાં આવતું નથી. મનપાની સામે વેપારીઓ મંગળવારનાં સાંજથી ઉપવાસ પર બેઠા છે. તેમજ બુધવારનાં સવારથી બપોર સુધી એમજી રોડ બંધનું એલાન આપ્યું હતું. સવારથી એમજી રોડ બંધ રહ્યો હતો. જોકે બંધને મિશ્ર પ્રતીસાદ મળ્યો હતો. તેમજ વેપારીઓ સવારથી ઉપવાસ પર બેઠા છે.

- Advertisement -
બીજી તરફ હવે મનપાનું અભિયાનમાં રાજકારણીઓ આવી રહ્યાં છે. મંગળવારે બાલાજી એવન્યુ બંધ કરાવતા નેતાઓ કુદી પડ્યાં હતાં. ભાજપનાં સ્થાયી સમિતીનાં ચેરમેન પહોંચી ગયા હતા અને મનપાનાં અધિકારીઓને ખખડાવ્યાં હતાં. તેમજ રૂપિયા લેતા હોવાનો આક્ષેપ કર્યો હતો. બાદ કોંગ્રેસનાં શહેર પ્રમુખ અમિત પટેલ આવી ગયા હતા અને આક્રમક મુડમાં જોવા મળ્યાં હતાં. તેમણે તો સીલ તોડી નાખવા સુધીની ધમકી આપી દીધી હતી. હવે જૂનાગઢમાં ધીમે ધીમે બીયુ સર્ટીનું મુદ્ો રાજકીય બની રહ્યો છે. નેતાઓ હવે મનપાની સામે આવી રહ્યાં છે.બીજી તરફ વોર્ડ નંબર 8નાં કોર્પોરેટર અદ્રેમાન પંજા, જેબુનીશા કાદરી અને સેનીલાબેન થેઇમએ પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, મનપા ભ્રષ્ટાચાર કરી બાંધકામને મંજુરી આપે છે.
તમારું કામ કરવાની સુચના આપી દીધી જેવા ઠાલા વચનથી લોકો હેરાન
જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ તથા પક્ષના નેતાઓના ખોટા વચનોથી જૂનાગઢના રહેવાસીઓ ખૂબ ત્રાસી ગયેલ છે.જૂનાગઢમાં પ્રાથમિક જરૂરિયાતોમાં રસ્તા, ગટર વગેરે જેવા કામોમાં ખોટા વચન આપીને પ્રજાને હેરાન કરવામાં આવે છે. પરંતુ કોઈપણ પ્રકારની કાયદાકીય રીતે અને વ્યવસ્થિત કામ કરવામાં આવતું નથી, જેથી કરીને જૂનાગઢની જનતાને રોજને રોજ કોઈને કોઈ કારણોસર હેરાન થતું રહેવું પડે છે, એક સામાન્ય માણસ શાંતિથી પોતાનો દિવસ પસાર કરી શકતો નથી, હવે જૂનાગઢની જનતાએ વિચારવું જોઈએે. આ ખોટી સાંત્વના આપે છે અને કોઈ પણ પ્રકારનું કામ કરતા નથી,તમારું કામ કરવાનું સુચન આપી દીધી છે. તેવા ઠાલા વચન આપે છે.
બિલ્ડરોએ ભ્રષ્ટાચાર કરી બિલ્ડીંગો વેંચી દીધા, તેને દંડ કરવો જોઈએ
જૂનાગઢનાં વોર્ડ નંબર 8નાં કોર્પોરેટર અને વિરોધ પક્ષનાં નેતા અદ્રેમાનભાઇ પંજાએ કહ્યું હતું કે, 90 ટકા બિલ્ડીંગ પાસે બીયુ સર્ટી હશે નહી. 30 વર્ષ કરતા પણ વધુ સમયથી બાંધકામ ઉભા છે. બીયુ સર્ટી મુદે મનપા અચાનક જાગી છે અને સીલ મારવા નિકળી છે. મનપામાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરીને બાંધકામને મંજુરી આપવામાં આવી છે. તેના જવાબદાર સામે તપાસ થવી જોઇએ. મનપા વર્ષોથી વેરો પણ ઉઘરાવે છે. વર્ષો બાદ બીયુ સર્ટી ન હોય અને સીલ મારવા નિકળે તે વ્યાજબી નથી. દંડ કરવો હોય તો ભ્રષ્ટાચારથી મોટી બિલ્ડીંગ કરી વેંચી જતા રહેલા બિલ્ડરોને કરવો જોઇએ.લોકોએ મરણમુડીમાંથી દુકાન કરી હોય છે. તેની સીલ કરવી યોગ્ય નથી. તેમ જ હોસ્પિટલ સીલ કરવી જોઇએ નહી. મહાનગરપાલીકાએ વચ્ચેનો રસ્તો કાઢવો જોઇએ.


