માર્કેટ કેપ રૂ.6 લાખ કરોડની નજીક, લંડન સ્ટોક એક્સચેન્જ અને ડોઇશ બોર્સને પાછળ છોડયા
ભારતનું નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ગુરુવાર, ૨૬ નવેમ્બર ૨૦૨૬ના રોજ માર્કેટ વેલ્યુની દ્રષ્ટિએ વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટોક એક્સચેન્જ બની ગયું છે. સતત બીજા દિવસે શેરમાં તેજી જળવાઈ રહેતા NSEનું માર્કેટ કેપિટલાઇઝેશન હવે રૂ. ૬ લાખ કરોડ (૬૪.૧ બિલિયન)ની નજીક પહોંચી ગયું છે. આ સિદ્ધિ સાથે NSEએ જર્મનીના ડોઇશ બોર્સ એજી (૬૩.૪ બિલિયન) અને લંડન સ્ટોક એક્સચેન્જ (૬૨.૪ બિલિયન)ને પાછળ છોડી દીધા છે. વૈશ્વિક સ્તરે હવે માત્ર અમેરિકાના CME ગ્રુપ ઇન્ક (૧૧૧.૬ બિલિયન) અને ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ (૯૯.૪ બિલિયન) જ NSEથી આગળ છે. નવેમ્બર મહિનાના અત્યાર સુધીના ૧૮ ટ્રેડિંગ સત્રોમાંથી ૧૪ સત્રોમાં ગજ્જના શેરમાં તેજી જોવા મળી છે. આ તેજીના પરિણામે ગુરુવારે શેરે લિસ્ટિંગ બાદની રૂ. ૨,૪૦૦ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી હતી. અગાઉ ઓક્ટોબર મહિનામાં પણ આ શેરમાં ૩૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ રૂ. ૧,૭૮૫ના ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. ૧,૮૦૦ના ભાવે લિસ્ટ થયા બાદ આ શેર ઘટીને રૂ. ૧,૬૪૦ના તળિયે પહોંચ્યો હતો, જ્યાંથી તેણે અત્યાર સુધીમાં અંદાજે ૫૦ ટકાની રિકવરી નોંધાવી છે. ગુરુવારે શેર ૨.૫ ટકાના વધારા સાથે રૂ. ૨,૩૭૫ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જે તેના ઇશ્યૂ પ્રાઇસ કરતાં ૩૩ ટકા વધુ છે.
દરમિયાન, બ્રોકરેજ હાઉસ HSBCએ ગુરુવારે NSE પર રૂ. ૨,૩૦૦ના ટાર્ગેટ પ્રાઇસ સાથે ‘હોલ્ડ’ રેટિંગ આપ્યું છે. HSBCના મતે કંપની પાસે મજબૂત ફ્રેન્ચાઇઝી હોવા છતાં હાલના ભાવે તેનું મૂલ્યાંકન સંપૂર્ણપણે થઈ ચૂક્યું છે. અત્યાર સુધી NSEને ટ્રેક કરતા તમામ ૧૭ એનાલિસ્ટ્સે ‘બાય’ રેટિંગ આપ્યું હતું, ત્યારે HSBCની આ પ્રથમ ‘ન્યુટ્રલ’ ભલામણ છે. બીજી તરફ, આ સપ્તાહની શરૂઆતમાં ICICI સિક્યોરિટીઝે NSE માટે રૂ. ૨,૬૫૦નો સૌથી ઊંચો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો હતો.
- Advertisement -
વિશ્વના ટોચના સ્ટોક એક્સચેન્જ
પ્રથમઃ CME ગ્રુપ ઇન્ક – ૧૧૧.૬ બિલિયન
બીજું: ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ – ૯૯.૪ બિલિયન
ત્રીજું: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) – ૬૪.૧ બિલિયન (અંદાજે રૂ. ૬ લાખ કરોડ)
ચોથું: ડોઇશ બોર્સ એજી – ૬૩.૪ બિલિયન
પાંચમુંઃ લંડન સ્ટોક એક્સચેન્જ – ૬૨.૪ બિલિયન



