સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશઃ પેકેટના આગળના ભાગે ષટ્કોણ લાલ નિશાન સાથે ચેતવણી લખાશે
વધુ ખાંડ, મીઠું અને સેચ્યુરેટેડ ફેટ ધરાવતા પેકેજડ ફૂડ પ્રોડક્ટ્સ પર હવે ચેતવણીનું લેબલ લગાવવામાં આવશે. પેકેટના આગળના ભાગે ષટ્કોણ લાલ નિશાન સાથે ચેતવણી પણ લખેલી હશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (FSSAI)એ આ જ વર્ષે ઓગસ્ટમાં આ પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર ગુરુવારે થયેલી સુનાવણીમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો છે.
૩જ એન્ડ અવર હેલ્થ સોસાયટી નામના એક પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ડબ્બાબંધ અથવા પેકેટમાં મળતા ખાદ્ય પદાર્થો પર ફરજિયાત ચેતવણીનું લેબલ લગાવવાની માગ કરી હતી. અગાઉ સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વિનોદ ચંદ્રનની બેન્ચે સવાલ કર્યો હતો કે શું સરકાર નથી ઇચ્છતી કે તેના નાગરિકો સ્વસ્થ રહે? ત્યારબાદ FSSAIએ સોગંદનામું રજૂ કરીને આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
ઉદ્યોગોને પોતાના ઉત્પાદનોમાં સુધારો કરવાની તક મળે તે માટે FSSAIએ તેને અલગ-અલગ તબક્કામાં અમલમાં મૂકવાનો પ્રસ્તાવ આપ્યો છે. પ્રથમ તબક્કામાં જે ઉત્પાદનોમાં ચરબી, ખાંડ અથવા મીઠામાંથી કોઈપણ બે અથવા તેથી વધુ ઘટકો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હશે, તેના પર લાલ લેબલ લગાવવામાં આવશે અને તેમાં તમામ વધુ પડતા મીઠા ઠંડાપીણાનો પણ સમાવેશ થશે. બીજા તબક્કામાં આ નિયમ એવા ઉત્પાદનો પર પણ લાગુ થશે, જેમાં આમાંથી કોઈ એક ઘટક પણ વધુ માત્રામાં હશે. દેશમાં જીવનશૈલીને લગતી બીમારીઓ ઝડપથી વધી રહી છે, જેનું મોટું કારણ અનહેલ્ધી ખાનપાન છે. પેકેજ્ડ અને અલ્ટ્રાપ્રોસેસ્ડ ફડમાં વધુ પડતી ખાંડ, મીઠું અને ચરબીનું પ્રમાણ આ બીમારીઓનું મુખ્ય કારણ બની રહ્યું છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે FSSAIને કહ્યું છે કે તે પેકેજડ ફડ પર ‘ફ્રન્ટ ઑફ પેક લેબલિંગ’ લાગુ કરવા અંગે ગંભીરતાથી વિચાર કરે, જેથી નાગરિકો ખરીદી કરતી વખતે જ સંભવિત આરોગ્ય જોખમોને સમજી શકે.



