તપાસ રિપોર્ટમાં અંદાજે 18 લાખના બિલોમાં ક્ષતિઃ જે બિલો હજુ ચૂકવાયા નથી તેવા 13.29 લાખના બિલોની ચૂકવણી અટકાવીને તેમાં કપાત કરવામાં આવી
રાજકોટના સંવેદનશીલ વિસ્તાર જંગલેશ્વરમાં ફેબ્રુઆરી, ૨૦૨૬માં હાથ ધરાયેલા મેગા ડિમોલીશનની કામગીરીના ખર્ચ અને બિલોમાં થયેલી ગેરરીતિઓ મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તપાસ કમિટીનો અહેવાલ જાહેર કરીને કડક શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરી છે. આશરે છ મહિનાથી વધુ સમય બાદ સામે આવેલા તપાસ રિપોર્ટમાં અંદાજે ₹૧૮ લાખના બિલોમાં સ્પષ્ટ ક્ષતિઓ અને વધુ પડતો ખર્ચ થયો હોવાનું બહાર આવ્યું છે. જેના પગલે મહાનગરપાલિકા તંત્ર દ્વારા નાસ્તા, વાહનો અને મંડપ સહિતના ન ચૂકવાયેલા બિલોમાં ૧૩.૨૯ લાખની કપાત કરવામાં આવી છે, તેમજ મનપાના ઈતિહાસમાં પ્રથમવાર જે એજન્સીઓને ચૂકવણું થઈ ગયું છે તેવી એજન્સીઓ પાસેથી ૫.૪૩ લાખની રિકવરી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.તપાસ કમિટીના અહેવાલમાં બિલોમાં ગેરરીતિ બદલ જવાબદારોને દોષિત ઠેરવવામાં આવતા મ્યુનિસિપલ કમિશનરે ત્રણ વિભાગના અધિકારીઓ સામે પગલાં લેવાના આદેશ આપ્યા છે. જેમાં ઈલેક્ટ્રિક કામગીરી, વીડિયોગ્રાફી, મિનરલ વોટર, એલઈડી ટીવી, ડ્રોન અને મંડપના બિલોમાં ગંભીર ક્ષતિઓ બદલ સાંસ્કૃતિક વિકાસ વિભાગના મેનેજર કૌશિક ઉનાવાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરાઈ છે. આ ઉપરાંત લંચ ડીશ, ચા-બિસ્કીટ, લીંબુ પાણી અને કંટ્રોલરૂમના ચા-નાસ્તાના બિલોમાં ક્ષતિ જણાતા આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણી સામે તેમજ પેસેન્જર વાહનોમાં ઓવર પેમેન્ટ અને ઓવર બજેટના મામલે વાહન વ્યવહાર અને સેન્ટ્રલ વર્કશોપના નાયબ કાર્યપાલક ઈજનેર જગદીશ શીંગાળા સામે પણ ખાતાકીય તપાસના આદેશ અપાયા છે.
- Advertisement -
કૌશિક ઉનાવા (મેનેજર, સાંસ્કૃતિક વિકાસ વિભાગ): ઈલેક્ટ્રિક કામગીરી, વીડિયોગ્રાફી, મિનરલ વોટર, એલઈડી ટીવી, ડ્રોન અને મંડપ સહિતના બિલોમાં ગંભીર ક્ષતિઓ જણાતા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (ફરજ મુક્ત) કરી ખાતાકીય તપાસનો આદેશ અપાયો છે.
ડો. જયેશ વાંકાણી (આરોગ્ય અધિકારી): ચા-નાસ્તા, લંચ ડીશ અને લીંબુ પાણીના બિલોમાં ક્ષતિ જણાતા તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરાઈ છે.
- Advertisement -
જગદીશ શીંગાળા (નાયબ કાર્યપાલક ઈજનેર, વાહન વ્યવહાર અને સેન્ટ્રલ વર્કશોપ): પેસેન્જર વાહનોના બિલ અને ઓવર પેમેન્ટ મામલે તેમની સામે પણ ખાતાકીય તપાસના આદેશ અપાયા છે.
કઈ એજન્સીની કેટલી કપાત અને રિકવરી?
| એજન્સી | કપાત |
| આરાધના ટી | રૂ. ૫૭,૪૨૦ |
| દોશી ઈલેક્ટ્રિક | રૂ. ૧,૦૨,૦૧૫ |
| ગ્લોબલ કોમ્પ્યુટર | રૂ. ૩,૯૭૭ |
| ઉમિયાજી મંડપ | રૂ. ૧૧,૬૫,૯૩૯ |
| એજન્સી | રિકવરી |
| આશુતોષ ટ્રાવેલ્સ | રૂ. ૧,૨૮,૨૬૬ |
| બાલાજી વીડિયો | રૂ. ૩,૧૭,૩૪૪ |
| એન.પી. વીડિયો | રૂ. ૯૭,૬૦૦ |
ખર્ચ, કપાત અને રિકવરીના મુખ્ય આંકડા
- 20 જુલાઈએ જનરલ બોર્ડમાં ડિમોલીશનનો કુલ ખર્ચ રૂ. ૨.૭૨ કરોડ જાહેર કરાયો હતો, પરંતુ તપાસમાં રૂ. ૧.૧૮ કરોડના વધુ રકમના બિલ બન્યા હોવાનું સામે આવ્યું છે.
- તપાસ સમિતિના રિપોર્ટ બાદ ઉમિયાજી મંડપના બિલમાંથી રૂ. ૧૧,૬૫,૦૩૭, ટોપસી ઈલેક્ટ્રિકમાંથી રૂ. ૧,૦૨,૦૧૫, આરાધના ટીમાંથી રૂ. ૧૫,૪૨૦ અને ગ્લોબલ કોમ્પ્યુટરમાંથી રૂ. ૩,૦૭૭ મળી કુલ રૂ. ૧૩.૨૯ લાખની કપાત કરાઈ છે.
- જે એજન્સીઓને ચૂકવણું થઈ ગયું છે તેવી બાલાજી વીડિયો (રૂ. ૩,૧૭,૩૪૪), આશુતોષ ટ્રાવેલ્સ (રૂ. ૧,૨૮,૨૬૬) અને એન.વી. વીડિયો (રૂ. ૯૭,૬૦૦) પાસેથી કુલ રૂ. ૫.૪૩ લાખની રિકવરી કરવામાં આવશે.




