399 શૈક્ષણિક સંસ્થાઓને નોટિસ બાદ 8 ફાયર સ્ટેશનની ટીમો દ્વારા કડક ચેકિંગઃ ફાયર સેફ્ટીના નિયમો નહીં પાળનાર સંચાલકો સામે થશે કાર્યવાહી
રિફિલિંગ વગરના બાટલા કે જામ થયેલા વાલ્વ હશે તો નહીં ચલાવી લેવાયઃ 2300થી વધુ બિલ્ડિંગોને નોટિસ, 399 શાળા-કોલેજોનો પણ સમાવેશ, નિયમભંગ કરનાર શાળાઓ બંધ કરાવવા શિક્ષણ વિભાગને કરાશે જાણ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે ૨૫ નવેમ્બરના રોજ શહેરની ૩૯૯ શૈક્ષણિક સંસ્થાઓ પાસે ફાયર NOC ન હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આજે શાળા-કોલેજોમાં વેકેશન પૂર્ણ થતાની સાથે જ શહેરના અલગ-અલગ ૮ ફાયર સ્ટેશન દ્વારા ટીમો બનાવીને કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત ફાયર વિભાગની ટીમ હરિ ધવા રોડ પર આવેલી જ્ઞાનધારા વિદ્યામંદિર ખાતે પહોંચી હતી, જ્યાં તપાસ દરમિયાન ફાયર એક્ઝિટ સીડી અને આગ બુઝાવવા માટેના તમામ સાધનો પૂરતા અને ચાલુ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.આ કામગીરી અંગે કોઠારીયા ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર પરેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર ૧૬, ૧૭ અને ૧૮માં આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે. જે અંતર્ગત જ્ઞાનધારા વિદ્યામંદિર ખાતે તપાસ કરતા અહીં ફાયર NOC ઉપલબ્ધ હોવાનું અને તમામ સાધનો વર્કિંગ કન્ડિશનમાં હોવાનું જણાયું છે. જોકે, આ વિસ્તારમાં આવેલી અંજલિ, સોમનાથ અને યોગી સ્કૂલ પાસે ફાયર NOC ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બીજી તરફ જ્ઞાનધારા વિદ્યામંદિરના સંચાલક હરેશભાઈ પાદરાએ જણાવ્યું હતું કે, શાળામાં કે.જી.થી ધોરણ ૧૨ સુધીના અંદાજે ૬૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા માટે ફાયર સેફ્ટીના તમામ સાધનો ઉપરાંત અલગથી ફાયર એક્ઝિટ સીડીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં અલગ-અલગ પ્રકારની બિલ્ડિંગોને મળીને કુલ ૨,૩૦૦થી વધુ નોટિસો ફટકારવામાં આવી છે, જેમાં અંદાજે ૩૯૯ જેટલી શાળાઓ અને કોલેજોનો સમાવેશ થાય છે. જે ઇમારતોમાં ફાયર સેફ્ટીના સાધનો અપૂરતા હોય, નિભાવણીના અભાવે બંધ હાલતમાં હોય, ફાયર એક્સટીંગ્યુસર રિફિલિંગ કરવાના બાકી હોય, પાણીનો વાલ્વ કે મોટર જામ થઈ ગયા હોય અથવા ઇલેક્ટ્રિક વાયરિંગમાં ખામી હોય તેવી મિલકતોને આ નોટિસો આપવામાં આવી છે.ફાયર વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, શાળા સંચાલકોએ ફાયર સેફ્ટીના તમામ સાધનો સંપૂર્ણપણે ચાલુ હાલતમાં કર્યા બાદ જ શાળા શરૂ કરવાની રહેશે અને જેમની પાસે ફાયર NOC નથી તેમણે તે ફરજિયાત મેળવવી પડશે. જો કોઈ સ્થળે ફાયર સેફ્ટીના સાધનો નહીં હોય કે નિયમોનું ઉલ્લંઘન જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે આવી શાળા-કોલેજોને બંધ રાખવા માટે શિક્ષણ વિભાગ અને સંબંધિત ઉપલી કચેરીઓને પણ સત્તાવાર જાણ કરવામાં આવશે.




