આગામી 1 ડિસેમ્બરથી પી.ડી.યુ., પદ્મકુંવરબા હોસ્પિટલ અને કોઠારીયા CHCમાં ફાઇલેરિયા નાબૂદી અંતર્ગત ‘નાઇટ બ્લડ સરવે’ શરૂ કરાશે
રોગચાળા નિયંત્રણ માટે 98 હજારથી વધુ ઘરોમાં તપાસ, ડ્રોન સરવેમાં સહકાર આપવા મનપાની અપીલ
- Advertisement -
રાજકોટ શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગોના નિયંત્રણ અને અટકાયત માટે મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તા. ૧૯ નવેમ્બરથી ૨૫ નવેમ્બર દરમિયાન ફિલ્ડવર્કર, અર્બન આશા અને MPHWની ટીમો દ્વારા શહેરના કુલ ૯૮,૬૩૨ ઘરોમાં પોરાનાશક કામગીરી તેમજ ૭૩૮ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મચ્છરની ઘનતા વધુ હોય તેવા સંવેદનશીલ વિસ્તારો અને જાહેર રસ્તાઓ પર વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન દ્વારા દવાનો છંટકાવ કરાયો છે.તંત્ર દ્વારા બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળો અને સરકારી કચેરીઓ સહિત રહેણાંક સિવાયના ૪૦૪ પ્રીમાઈસીસમાં મચ્છર ઉત્પત્તિ સબબ ચેકિંગ કરાયું હતું. જેમાં બેદરકારી દાખવનાર રહેણાંક વિસ્તારના ૨૮૦ અને કોમર્શિયલ વિસ્તારના ૮૩ મળી કુલ ૩૬૩ આસામીઓને બાયલોઝ હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ૨૮ આસામીઓ પાસેથી રૂ. ૧૦,૭૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. બીજી તરફ, પાણીજન્ય રોગચાળાને અટકાવવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના સ્ટાફ દ્વારા ૨,૮૪૨ જેટલા R.C. ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.ભારત સરકારના વર્ષ ૨૦૩૦ સુધીમાં ફાઇલેરિયા નાબૂદીના લક્ષ્યાંક હેઠળ રાજ્યમાં ‘ગુજરાત હોસ્પિટલ-બેઝ્ડ નાઇટ બ્લડ સર્વે (GH-NBS)’ અંતર્ગત તા. ૧ ડિસેમ્બર, ૨૦૨૬થી રાત્રિના ૧૦ થી ૧૨ કલાક દરમિયાન ૨૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના સ્થિર ઇન્ડોર દર્દીઓના લોહીના નમૂના લઈ પરીક્ષણ કરવાની કામગીરી શરૂ થશે. તેના સુચારુ અમલ માટે તા. ૨૫ નવેમ્બરના રોજ રાજકોટની પી.ડી.યુ. (સિવિલ) હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ અને કોઠારીયા સી.એચ.સી. કેન્દ્રના તબીબી અધિકારી, લેબ ટેકનિશિયન અને સ્ટાફ નર્સની ટીમોને ખાસ તાલીમ આપવામાં આવી હતી. આરોગ્ય શાખા દ્વારા નાગરિકોને પીવાનું પાણી ઉકાળીને કે શુદ્ધ કરીને પીવા, ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા તેમજ ડ્રોન દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થળોના સર્વેની કામગીરીમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
- Advertisement -




