ઘાયલો સીટ વચ્ચે ફસાયા, કાચ તોડીને બહાર કાઢ્યાઃ એક્સપ્રેસ-વે પર થોડા સમય માટે ટ્રાફિક જામ
રાજસ્થાનના કોટામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ૨૫થી વધુ મુસાફરો ભરેલી મિની બસ (ટેમ્પો ટ્રાવેલર) નાળામાં ખાબકી છે. અકસ્માતમાં મધ્ય પ્રદેશના બેતુલના રહેવાસી ૮ લોકોનાં મોત થયાં. અકસ્માત શનિવારે સવારે ૬
વાગ્યે સિમલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમા થયો. SHO નંદ સિંહે જણાવ્યું કે બસ ભોપાલથી ખાટૂ શ્યામજી જઈ રહી હતી. કરાડિયા ટોલથી થોડે કિલોમીટર દૂર તે પુલ પરથી ૧૫ ફૂટ નીચે પડી ગઈ. અકસ્માતમાં ૧૭ મુસાફરો
ઘાયલ થયા છે. અંધારાને કારણે બચાવ કામગીરીમાં પણ થોડો વિલંબ થયો. ગ્રામજનોએ જણાવ્યું કે અનેક મૃતદેહો સીટોની વચ્ચે ફસાયેલા હતા. તેમને ઘણી મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા. રેસ્ક્યુ કરવા પહોંચેલી ટીમના
એક સભ્યએ જણાવ્યું કે આશંકા છે કે મિની બસ એક્સપ્રેસ-વે પરથી નીચે બોનેટ તરફથી અથડાઈ હશે. કારણ કે આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે એક મૃતદેહ ડેશબોર્ડનો કાચ તોડીને
બહાર આવી ગયો હતો. સ્થાનિક પોલીસ અનુસાર ઘટનાની જાણકારી લગભગ સવા છ વાગ્યે મળી હતી. સ્થાનિક લોકો સાથે મળીને તરત જ રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. થોડા સમય માટે એક્સપ્રેસ-વે પર
જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
કોટાના ન્યૂ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો. નીલેશ જૈને જણાવ્યું કે તમામ મૃતકો અને ઘાયલોની ઓળખ થઈ ગઈ છે. મૃતકોનાં નામ અરુણા, વૈષ્ણવી, ત્રિશા, કૃષ્ણા, અનિતા, ઓમ સૂર્યવંશી અને રાજુ છે. બસ ડ્રાઇવરનું પણ
મોત થયું છે. આમાંથી ૭નાં મોત ઘટનાસ્થળે જ થઈ ગયાં હતાં. એક ઘાયલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. પોલીસ અધિકારીઓને આશંકા છે કે ડ્રાઇવરને ઝોકું આવી જવાને કારણે અકસ્માત થયો છે. ટ્રાવેલરનો
આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો છે. આગળની તરફ બેઠેલા મુસાફરોને સૌથી વધુ ઈજા થઈ છે. અનેક ઘાયલો સીટોની વચ્ચે ફસાઈ ગયા હતા. ગ્રામજનોએ કાચ તોડીને તેમને બહાર કાઢ્યા.




