રાજકોટના રેસકોર્સ મેદાનમાં જયા કિશોરીજીની સનાતન યુવા કથાનો ભવ્ય પ્રારંભ
સાંઇરામ ભાઈ દવે અને સાથી કલાકારોએ ભક્તિ ગીતોની રમઝટ બોલાવી
- Advertisement -
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે સનાતન યુવા કથા સમિતિ દ્વારા આયોજિત ત્રિદિવસીય સનાતન યુવા કથાનો ભવ્ય પ્રારંભ થયો હતો. વિશ્વવિખ્યાત કથાકાર જયા કિશોરીજીના મુખેથી કથાનું રસપાન કરવા મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી. ભક્તિ, સંગીત અને સનાતન સંસ્કૃતિના અનોખા સંગમ સમાન આ ધાર્મિક આયોજનમાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પરમ દિવસે મોડી રાત્રે રાજકોટમાં જયા કિશોરીજીના આગમન બાદ ગઈકાલે રેસકોર્સ મેદાન ખાતે કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. કથાના પ્રારંભ પૂર્વે જાણીતા લોકસાહિત્યકાર અને ગાયક સાયરામ ભાઈ દવે તેમજ તેમના સાથી કલાકારોએ ભક્તિ ગીતો અને કીર્તનોની રમઝટ બોલાવી હતી. તેમના સુમધુર સ્વરો અને પ્રસ્તુતિથી ઉપસ્થિત શ્રોતાઓ ભક્તિરસમાં તરબોળ બન્યા હતા. ત્યારબાદ ધાર્મિક વિધિ-વિધાન સાથે પોથી પૂજન કરવામાં આવ્યું હતું અને જયા કિશોરીજીની કથાનો વિધિવત્ શુભારંભ થયો હતો.
જયા કિશોરીજીએ પોતાની આગવી વાણી અને ભક્તિમય શૈલીમાં કથાનું રસપાન કરાવતાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. આ દરમિયાન તેમણે ‘કેમ છો રાજકોટ’ કહીને શ્રોતાઓનું અભિવાદન કર્યું હતું. સાથે જ ‘દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ’ જેવા ભક્તિ કીર્તનથી સમગ્ર માહોલ કૃષ્ણમય બનાવી દીધો હતો. કીર્તનોની ધૂન પર મોટી સંખ્યામાં યુવાનો અને શ્રદ્ધાળુઓ ભક્તિભાવ સાથે ઝૂમી ઊઠ્યા હતા. કથાના પ્રથમ દિવસે જ રાજકોટની ધર્મપ્રેમી જનતાનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો હતો. રેસકોર્સ મેદાન ખાતે શ્રદ્ધાળુઓની વિશાળ જનમેદની ઉમટી પડતાં સમગ્ર મેદાન ભક્તોથી ભરાઈ ગયું હતું. મોડી રાત સુધી મોટી સંખ્યામાં લોકોએ કથાનો લાભ લીધો હતો અને જયા કિશોરીજીનાં ભક્તિ ગીતો તથા કીર્તનો પર ભાવવિભોર બનીને નૃત્ય કર્યું હતું.
સનાતન સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને યુવા પેઢીને ધર્મ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કથાના પ્રારંભે રાજકોટમાં ધાર્મિક ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. ભક્તિ સંગીત, પોથી પૂજન અને જયા કિશોરીજીની અમૃતવાણીના ત્રિવેણી સંગમથી પ્રથમ દિવસ શ્રદ્ધા અને ઉત્સાહભર્યો રહ્યો હતો. સમગ્ર આયોજનમાં ઉમટેલી વિશાળ જનમેદનીએ રાજકોટની ધર્મપ્રેમી જનતાનો ઉત્સાહ અને સનાતન સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા દર્શાવી હતી.




