સ્વાદના શોખીનો સાવધાનઃ બહારનું ખાતા પહેલાં સો વાર વિચારજો!
આરોગ્ય વિભાગનું હોસ્ટેલ મેસ અને ફરસાણ સહિત 38 પેઢીઓમાં ચેકિંગ, 147 કિલો અખાદ્ય ખોરાકનો નાશ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ફૂડ શાખાની ટીમે હોસ્ટેલ, રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનો સહિત કુલ ૩૮ પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ ૧૪૭ કિલો વાસી તેમજ અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે ૪ પેઢીઓને નોટિસ ફટકારી કુલ રૂ. ૧૪,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત ગંભીર ક્ષતિઓ જણાતાં ૧ પેઢીને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવી છે.
નિર્મળા રોડ પર ICICI બેન્ક સામે આવેલ “દેવ ફાસ્ટ ફૂડ”માં તપાસ દરમિયાન ભારે ગંદકી સામે આવી હતી. ફ્રીઝ, સ્ટોરેજ અને પ્રિપેરેશન એરિયામાં વંદા, જીવાત તેમજ ઉંદરોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. અહીંથી ૪૦ કિલો સડેલી ડુંગળી, ૪૫ કિલો ગ્રેવી, મસાલો, ચટણી અને બાફેલા શાકભાજી, ૩૪ કિલો રાઈસ, નૂડલ્સ, મંચૂરિયન તેમજ ૧૩ કિલો પડતર સોસ અને લોટ મળી કુલ ૧૩૨ કિલો અખાદ્ય ખોરાક જપ્ત કરી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) વાહન દ્વારા સ્થળ પર નાશ કરાયો હતો. આ ગંભીર બેદરકારી બદલ પેઢીને સીલ કરી રૂ. ૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. રોલેક્સ રોડ પર આવેલ ‘શ્રીજી ફાસ્ટફૂડ’માંથી ૧૦ કિલો વાસી ચટણી અને વડાપાઉંનો મસાલો પકડી પાડી નાશ કરાયો હતો અને રૂ. ૨,૦૦૦નો દંડ વસૂલાયો હતો. આ ઉપરાંત બજરંગ વાડી ખાતે ‘શ્રીરામ ખમણ’માંથી ૫ લિટર મીઠી ચટણીનો જથ્થો અખાદ્ય જણાતાં તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
આ ઝુંબેશ હેઠળ ભાવનગર રોડ પર આવેલી ITI રાજકોટ હોસ્ટેલ, સરકારી પોલિટેકનિક, બી.કે. મોદી ફાર્મસી કોલેજ હોસ્ટેલ, ગુર્જર પ્રજાપતિ હોસ્ટેલ સહિત મોટા મવા, જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ અને બજરંગ વાડી વિસ્તારના ડેરી, પ્રોવિઝન સ્ટોર્સ, બેકરી અને ફરસાણના કુલ ૩૮ એકમોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રહેશે તેવી ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
- Advertisement -
3 નમૂના લેબમાં મોકલાયા
ફૂડ વિભાગ દ્વારા સંતકબીર રોડ પર સ્થિત ‘વિજય શીંગ સેન્ટર’માંથી રોસ્ટેડ પીનટ્સ અને રોસ્ટેડ ચણાના પેકેટના નમૂના લઈ રૂ. ૨,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ ભક્તિનગર સર્કલ પાસે આવેલા ‘કિસ્મત એન્ટરપ્રાઇઝ (છાશ વાલા)’માંથી ચોકલેટ લસ્સી (લૂઝ)નો નમૂનો લઈ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.




