કલેક્ટરને આવેદન આપી નોટિસ રદ કરવા અને બજારભાવે વળતર આપવા માંગ
રાજકોટ જિલ્લાની 300 પંચાયતોના વિરોધ છતાં કંપનીને લાભ કરાવવા ખેડૂતોની જમીનનું ઓછું મૂલ્યાંકન કરતા ભારે વિરોધ
- Advertisement -
પડધરી અને લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી હાઈટેન્શન પાવર ટ્રાન્સમિશન લાઈન અને ટાવર ઊભા કરવા મામલે અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોની જમીનોના વળતર બાબતે વહીવટી તંત્ર દ્વારા પાઠવવામાં આવેલી નોટિસો સામે ખેડૂતોએ જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત વાંધા અરજી અને આવેદનપત્ર આપી નોટિસ તાત્કાલિક દફતરે કરવાની માંગ કરી છે. પાલર ઈટોળા સહિતના ગામોના ખેડૂતો દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરને આપવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, ટ્રાન્સમિશન કંપની દ્વારા અગાઉથી કોઈ પૂર્વ જાણ કે કાયદેસર નોટિસ આપ્યા વગર સીધી નોટિસ બજાવી દેવામાં આવી છે. નિયમ મુજબ ૧૪ દિવસનો પૂરતો સમય પણ આપવામાં આવ્યો નથી, જે ખેડૂતોના કાયદાકીય અધિકારોનું સીધું હનન છે.
કલેક્ટર કચેરી પહોંચેલા ખેડૂત આગેવાન રમેશભાઈ (પડધરી તાલુકો) સહિતના ખેડૂતોએ મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, કલેક્ટર તંત્ર દ્વારા જે ખેડૂતોના ખેતરમાં વીજથાંભલા આવે છે તેમને વેલ્યુઅર નીમવા અને જમીનના ભાવ નક્કી કરવા માટે નોટિસો ફટકારીને બોલાવવામાં આવ્યા છે. પરંતુ ૪ જુલાઈના રોજ સરકારે જાહેર કરેલો પરિપત્ર ખેડૂતો માટે અસહ્ય અને અન્યાયી છે. સરકારના આ પરિપત્રમાં ખેડૂતોના હિતોને સંપૂર્ણપણે નેવે મૂકી દેવામાં આવ્યા છે અને ભાવ નક્કી કરવાની પ્રક્રિયામાંથી ખેડૂતનો અવાજ જ ગાયબ કરી દેવાયો છે. ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે કે, જમીનમાં કાયમી નુકસાની, ટાવર બેઝ અને લાઈન હેઠળ આવતી જમીનનું વર્તમાન બજાર ભાવ મુજબ યોગ્ય વળતર આપવામાં આવે. જો કાયદાકીય જોગવાઈઓ વિરુદ્ધ જઈને એકતરફી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તો ખેડૂતોએ આગળની તમામ કાનૂની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.




