રાતૈયા ગામમાં પીવાના પાણીમાં કેમિકલ અને ફીણ ભળતાં રોગચાળાનો ભય, તાત્કાલીક ઉકેલની માગ
છેલ્લા ૧૦ વર્ષથી પ્રદૂષણ સામે સરપંચની લડત છતાં GPCBના સેમ્પલ રિપોર્ટ ગુમ
- Advertisement -
૨૦૦થી ૨૫૦ લોકોને ગોઠણના દુખાવા, કેન્સરના ૫થી ૭ કેસ હોવાનો દાવો
ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણ અને માનવ આરોગ્યની સુરક્ષા જાળવવાની જવાબદારી તંત્રની હોય છે, પરંતુ રાતૈયા ગામમાં GIDCના પ્રદૂષિત કેમિકલયુક્ત પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ગામના સરપંચ ગનુભા જાડેજાના જણાવ્યા અનુસાર, અગાઉ GIDCનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી નદીમાં વહેતું હતું, પરંતુ હવે ગામમાં પીવાના પાણીના વિતરણમાં પણ કેમિકલ અને ફીણવાળું પાણી આવતું હોવાની ગંભીર ફરિયાદ ઊઠી છે. આ સમસ્યાને લઈને છેલ્લા ૧૦ વર્ષથી રજૂઆતો અને લડત ચલાવવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરપંચ ગનુભા જાડેજાના જણાવ્યા મુજબ, આશરે ૧,૦૦૦ની વસ્તી ધરાવતા રાતૈયા ગામમાં પ્રદૂષિત પાણીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ગામના પીવાના પાણીમાં કેમિકલ અને ફીણ જોવા મળતાં ગ્રામજનોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સહિતના સંબંધિત વિભાગોમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પ્રદૂષણ વિભાગના અધિકારીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયગાળામાં પાંચથી સાત વખત પાણીના નમૂના લેવામાં આવ્યા હોવા છતાં આજદિન સુધી કોઈ સત્તાવાર રિપોર્ટ કે સંતોષકારક જવાબ મળ્યો ન હોવાનો સરપંચે આક્ષેપ કર્યો છે.
સરપંચના જણાવ્યા અનુસાર, ગામમાં આશરે ૨૦૦થી ૨૫૦ લોકો ગોઠણ અને ઢીંચણના દુખાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ ઉપરાંત કેન્સરના પાંચથી સાત કેસ હોવાનો તેમજ ચામડીના વિવિધ રોગોની સમસ્યા જોવા મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વર્ષોથી ચાલી રહેલી આ સમસ્યાનો હવે તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તેવી માગ સાથે સરપંચ ગનુભા જાડેજાએ તંત્રને આંદોલનની ચીમકી આપી છે. જો સંબંધિત વિભાગો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી તા. ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૯થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ગાંધીચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત ગાંધીનગર સુધી રજૂઆત કરીને ઉચ્ચ કક્ષાએ ગામની સમસ્યા પહોંચાડવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નમૂનાઓની તપાસ કરાવી તેના અહેવાલ જાહેર કરવામાં આવે તથા શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે અસરકારક પગલાં ભરવામાં આવે તેવી ગ્રામજનોની માગ છે.




