IPRના વૈજ્ઞાનિક ડૉ. વિપુલ તન્નાનું વ્યાખ્યાનઃ 25 રાજ્યો અને 6 દેશોના સંશોધકો-વિદ્યાર્થીઓએ લીધો લાભ
- Advertisement -
વિદ્યાર્થીઓ અને સંશોધકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવન તથા વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતી – ગુજરાત પ્રાંત)ના સંયુક્ત ઉપક્રમે ૧૫ દિવસીય ‘વિજ્ઞાન યાત્રા ૩.૦’ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રેણીના ચોથા દિવસે પ્લાઝમા અનુસંધાન સંસ્થાન (IPR), ગાંધીનગરના સાયન્ટિફિક ઓફિસર–એચ. અને વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. ડૉ. વિપુલ તન્નાનું ‘પરમાણુ સંલયન ઉપકરણોનો પરિચય અને મહત્વપૂર્ણ પડકારો’ વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું.
હાઇબ્રિડ મોડમાં યોજાયેલા આ સત્રમાં દેશના ૨૫ રાજ્યો અને ૬ વિદેશી રાષ્ટ્રોમાંથી મોટી સંખ્યામાં સંશોધકો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. પોતાના વક્તવ્યમાં ડૉ. વિપુલ તન્નાએ જણાવ્યું હતું કે, સૂર્યમાં જે પ્રક્રિયાથી ઊર્જા બને છે તે જ ન્યુક્લિયર ફ્યુઝન (પરમાણુ સંલયન) પ્રક્રિયાને પૃથ્વી પર નિયંત્રિત રીતે સાકાર કરી પ્રદૂષણમુક્ત અને અખૂટ ઊર્જા મેળવવાના વૈજ્ઞાનિક પ્રયાસો ચાલી રહ્યા છે.
તેમણે ભારતના મહત્વકાંક્ષી પ્રકલ્પો ‘આદિત્ય-યુ’ (ADITYA-U) અને ‘એસએસટી-૧’ (SST-1) તેમજ ‘ટોકામેક’ ઉપકરણની કાર્યપદ્ધતિ અંગે છણાવટ કરી હતી, જેમાં શક્તિશાળી ચુંબકીય ક્ષેત્રની મદદથી પ્લાઝમાને નિયંત્રિત કરવામાં આવે છે. આ ઉપરાંત, તેમણે ફ્રાન્સ ખાતે નિર્માણ પામી રહેલા વૈશ્વિક મેગા પ્રોજેક્ટ ‘ITER’માં ભારતના મહત્વપૂર્ણ યોગદાન તથા દેશના આગામી ‘SST-ભારત’ પ્રોજેક્ટ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ, અતિશય ગરમીનું નિયંત્રણ, રેડિયેશન સુરક્ષા અને ટ્રીટિયમની ઉપલબ્ધતા જેવા વૈજ્ઞાનિક પડકારો વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક અને MMTTCના ડાયરેક્ટર ડૉ. ધીરેન પંડ્યા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સેશનચેર તરીકે IITE ગાંધીનગરના ડૉ. કેવલ ગદાની રહ્યા હતા. ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો. નિકેશ શાહ, કન્વીનર ડૉ. પીયૂષ એસ. સોલંકી, કો-ઓર્ડિનેટર પ્રો. કે. બી. મોદી, પ્રો. એચ. ઓ. જેઠવા, ડૉ. અશ્વિની ડી. જોશી, ડૉ. ડેવિટ બી. ધ્રુવ અને ડૉ. મેઘા વાગડિયાની ઉપસ્થિતિ રહી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇન્દ્રજીતસિંહ બીહોલા દ્વારા કરવામાં આવ્યું હતું.




