રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે મહિલા રિસેપશનીષ્ટની કરી ધરપકડ : માલિક-સંચાલકની શોધખોળ
- Advertisement -
દેહવ્યાપારમાં ધકેલાયેલી ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળની 8 રૂપજીવિનીઓને મુક્ત કરાવાઈ
રાજકોટ શહેરમાં સ્પા સેન્ટરોની આડમાં ધમધમતા ગેરકાયદે દેહવ્યાપારના નેટવર્ક સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વ્યસ્ત ગણાતા માલવિયા ચોક સ્થિત પ્રમુખ સ્વામી આર્કેડમાં આવેલા ‘હાઈ ડ્રિમ વેલનેસ સ્પા’માં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ની ટીમે ડમી ગ્રાહક મોકલીને દરોડો પાડ્યો હતો. બોડી મસાજના બહાને ચાલતા હાઈપ્રોફાઈલ કુટણખાનાનો પર્દાફાશ કરી પોલીસે એક મહિલા રિસેપ્શનિસ્ટ-ટેલિકોલરની ધરપકડ કરી છે, જ્યારે સ્થળ પરથી અન્ય રાજ્યોની 8 યુવતીઓને મુક્ત કરાવી છે. આ રેડ દરમિયાન સ્પાના 2 મુખ્ય સંચાલકો ફરાર થઈ જતાં તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજકોટના માલવિયા ચોક પાસે પ્રમુખ આર્કેડના બીજા માળે આવેલા ‘હાઈ ડ્રિમ વેલનેસ સ્પા’માં બહારના રાજ્યોમાંથી યુવતીઓને બોલાવી મસાજના નામે ગ્રાહકો પાસેથી અનૈતિક દેહવ્યાપાર કરાવાતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમી આધારે AHTU ટીમના પીઆઈ બી.બી. જાડેજાની ટીમે એક ડમી ગ્રાહક તૈયાર કરી સ્પામાં મોકલ્યો હતો. ડમી ગ્રાહક તરફથી લીલી ઝંડી મળતાં જ પોલીસે ત્રાટકીને સ્પા માલિક પ્રદિપ ચાવડા, મુકેશ વાઘેલા અને રિસેપ્શનિસ્ટ મહિલા સામે ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી હતી.પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે સ્પા સંચાલકો ગ્રાહક પાસેથી એન્ટ્રી ફી પેટે 1000 રૂપિયા વસૂલતા હતા.ત્યારબાદ શારીરિક સંબંધ એટલે કે એક્સ્ટ્રા સર્વિસ માટે ગ્રાહક દીઠ 3000 રૂપિયા લેવામાં આવતા હતા, જેમાંથી સ્પા સંચાલક 1000 રૂપિયા કમિશન રાખી બાકીના 2000 રૂપિયા યુવતીઓને આપતા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ અને 2 મોબાઈલ સહિત કુલ 14,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળથી લાવવામાં આવેલી 8 યુવતીઓને મુક્ત કરાવી હતી.પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ સ્પા છેલ્લા 3 વર્ષ કરતાં વધુ સમયથી સક્રિય છે. આજથી 10 મહિના પહેલાં એટલે કે ગત ઓક્ટોબર 2025 માં પણ પોલીસે આજ જગ્યાએ દરોડો પાડીને કુટણખાનું ઝડપી લીધું હતું. તે સમયે દ્વારકાના સંચાલક જયંતી વાઘેલા અને પૃથ્વી રામ સિંગની અટકાયત કરવામાં આવી હતી અને 8 યુવતીઓ મુક્ત કરાવાઈ હતી. છતાં ફરીથી આ સ્થળે અનૈતિક પ્રવૃત્તિ શરૂ થઈ જતાં પોલીસે હવે ફરાર માલિકોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
રાજકોટમાં રહેતી પરિણીતાને ત્રાસ આપતા અમેરિકા રહેતા સાસુ-સસરા, પતિ સહિતના સામે ફરિયાદ : તારા પિતાના ઘરેથી 50 લાખ લઇ આવ કહી માતા-પુત્રીને ઘરમાંથી કાઢી મુક્યા
- Advertisement -
રાજકોટના કાલાવડ રોડ ઉપર સત્યસાંઈ હોસ્પિટલ મેઇન રોડ પર આવેલા કાસા કોપર એપાર્ટમેન્ટમાં પિયરમાં રહેતા મયુરીબેન હાંસલિયા ઉ.40એ રાજકોટમાં રહેતા પતિ રોનક રમેશભાઈ હાંસલિયા, યુએઈ રહેતા સસરા રમેશભાઈ, અમેરિકા રહેતા સાસુ હંસાબેન, નણંદ કૃતિબેન મકવાણા, રાજકોટમા રહેતા ચંદ્રિકાબેન ભાલોડીયા, ચીમનભાઈ ભાલોડીયા, પ્રિતેશભાઇ ભાલોડીયા અને હરસુખભાઇ મકવાણા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા લગ્ન રોનકભાઈ હાંસલીયા સાથે મારે પ્રેમ સંબંધ હોવાથી તેમજ રોનકના માતા પિતા અમારી જ્ઞાતી અલગ હોવાથી લગ્ન માટે રાજી ન હોય જેથી અમો બન્નેએ ગઇ તા.12 ઓકટોબર 2013મા રાજકોટ કોર્ટમા લગ્ન કર્યા હતા બાદ 2014માં જ્ઞાતીના રિત રિવાજ મુજબ લગ્ન કર્યા હતા અને બાદ હુ મારા પતિ સાથે ગુલાબ વિહારમા રહેતા હતા. બાદ મારા મામા અશોકભાઇ કાલવડીયા તથા મારા પતિને એક સાથે ધંધો હોય અને તે ધંધા બાબતે મારા મામા મારા પિતાને કહેતા કે રોનક ધંધામા ધ્યાન આપતો ન હોય અને માણસોના પગાર કરતો ન હોય જેથી મારા પિતા મારા પતિને સમજાવતા તો મારા પતિ મારી સાથે ઝધડો કરવા લાગેલ અને નાની નાની વાતમા મારી સાથે બોલાચાલી કરી ઝધડો કરતા અને તે દરમ્યાન મારા સાસુ સશરા હાજર હોય અને 2024મા મેથી નવેમ્બર 2024 સુધી મારા સાસુ સશરા રાજકોટ અમારી સાથે રહેતા હતા તે દરમ્યાન મને માનશીક અને શારિરીક ત્રાસ આપી કામ કરવા બાબતે મને મેણા ટોણા મારતા હોય બાદ મારા સાસુ સશરા અમેરીકા જતા રહેલ બાદ 2025 ઓગષ્ટમા રાજકોટ અમારા ધરે પરત આવેલ બાદ મારા સાસુ સશરા તથા મારા પતિ મને અવાર નવાર હેરાન કરી ધરમાથી કાઢી મુકવાની ધમકી આપી મારા સશરા મારા પતીને કહેલ કે તારા પ ત્નીને કે તેના પિતા પાસેથી રૂપીયા પંચાસ લાખ લઇ આવે તે કહી મને મેણા મારતા હતા અને મારા લગ્ન સમયે મારા પિતા એ મને આશરે 20 તોલા સોનુ આપેલ હતુ તે સોનુ મારા પતિ રોનક લઈ ગયેલ હોય બાદ મારા સાસુ સશરાએ મને તથા મારા પતિને કહેલ કે તમો બન્ને અમારા મકાન ખાલી કરી નાખો તમારે જયાં રહેવુ હોય ત્યાં રહો બાદ હું તથા મારા પતી બહારગામ ફરવા ગયેલ અને ફરીને પરત આવતા મારા સાસુ સશરાએ મકાનમા બીજુ તાળુ મારી દીધેલ હોય અને મારા પતિએ બીજુ મકાન ભાડે રાખેલ હતુ ત્યા હુ તથા મારા પતી છ મહીના રોકાયા બાદ મારા પતી મને મુકીને જતા ૨હેલ હોય જેથી મે મારા સગાને તથા મારા સાસુ સશરા જે અમરીકા જતા રહેલ હોય તેને ફોન કરી જાણ કરેલ પરંતુ કોઇએ જવાબ આપેલ ન હોય બાદ હુ મારા ભાઈના ધરે છે લ્લા દોઢ મહીનાથી રહુ છુ અને મારી દિકરી પણ મારી સાથે રહે છે આ સીવાય મારા ફેજી ચંદ્રિકાબેન ભાલોડીયા ફુવાજી ચીમનભાઇ ભાલો ડીયા તથા પ્રીતેશભાઈ ભાલોડીયા તથા મારા નણંદ કુતીબેન મકવાણા અમારા ધરે સાસુ સશરા હોય ત્યારે આવેલ અને મારા પતી તથા મારા સશરાને કાન ભંભેરણી કરી ચડામણી કરતા હતા બાદ મારા પતી અમારા જુના મકાનમા આવી ગયેલ હોય જેથી તા-૧૩/૦૮/૨૦૨૬ના રોજ હુ મારી દિકરીને લઇને ગયેલ તો મારા પતિએ મારી દિકરીને ધરમાથી બહાર કાઢી મને પણ ધરમાથી બહાર કાઢી મુકેલ હોય અને મારી સાથે મારા પતિએ મારા મારી કરેલ હોય તે બાબતે મે તાલુકા પોલીસ સ્ટેશનમા ફરીયાદ કરેલ છે અને આ બનાવ સમયે મારા નણંદ ના સશરા હરસુખભાઈ મકવાણા આવેલ અને તેને મને જેમ તેમ બોલી કહેલ કે તારે અહીંયા નથી આવવાનુ તેમ કહી મને ગાળા ગાળી કરેલ અને મને ધમકાવેલ કે અહી આવતી નહી અને તે સમયે મારા સશરાનો ફોન તેઓને ચાલુ હતો અને મારા પતિએ મારો મોબાઇ લ હેક કરેલ હોય અને તમામ ડેટા ડીલીટ કરેલ છે. તેમજ મારા તથા મારી દિકરીના તમામ ડોકયુમેન્ટ મારા પતિ પાસે છે તેવું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માસ્ટર કીથી ચાર એક્ટિવા ચોરી લેનાર સગીર સહીત ત્રણ ઝડપાયા : હરવા-ફરવા છેલ્લા 20 દિવસ દરમિયાન ચાર વાહનની ચોરી કરી હતી
રાજકોટમાં વાહન ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે શહેરમાં છેલ્લા વીસ દિવસમાં ચાર એક્ટિવાની ચોરીમાં ધો.11ના ત્રણ છાત્રો અને બે યુવાનોની સંડોવણી ખુલી છે પોલીસે વાલ્કેશ્વર સોસાયટીમાં રહેતા વિશાલ ભુપત આટકોટીયા અને વૃંદાવન સોસાયટીમાં રહેતા હેત નિમેશભાઈ પિત્રોડા અને એક સગીર સહિતની ધરપકડ કરી ચાર ચોરાઉ એક્ટિવા કબ્જે કર્યા છે. રાજકોટમાં વાહનચોરીના નોંધાયેલા ગુનાઓના ભેદ ઉકેલવાની સુચના અનવયે ક્રાઈમ બ્રાંચ પી.આઈ.એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એન. પરમારની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે એક સગીર અને ઉપરોક્ત બે શખ્સોને અટકાયતમાં લઇ પૂછતાછ કરતા ચાર એક્ટિવા ચોરીની કબૂલાત આપી હતી આ ટોળકીએ રાજકોટ તાલુકા અને માલવીયા પોલીસ મથકની હદમાંથી ચોરી કરેલા86 હજારની કિંમતના ચારેય એક્ટિવા પણ ક્રાઈમ બ્રાંચે કબજે કર્યા હતા. તેના સુત્રોએ જણાવ્યું કે, આ ટોળકી રાતના સમયે ફરવા નિકળતી ત્યારે માસ્ટર કીની મદદથી જે પણ એક્ટિવા અનલોક થાય તેને ઉપાડી લેતી હતી. મુખ્ય હેતું હરવા-ફરવાનો હતો. કોઈ ચોરેલું વાહન વેંચવાની પેરવી કરી હતી કે કેમ તે દિશામાં પણ હવે તપાસ કરાશે. ચારેય ચોરી અંગે તાલુકા અને માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદો નોંધાઈ હતી.
ઓપરેશન મ્યુલ હંટ હેઠળ સાયબર ક્રાઇમ પોલીસની કાર્યવાહી : 11.20 લાખના સાયબર ફ્રોડ મામલે બેંક ખાતા ભાડે આપનાર ત્રિપુટી ઝડપાઈ
રાજકોટ શહેર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશને ઓપરેશન મ્યુલ હંટ ૨.૦ અંતર્ગત કાર્યવાહી કરીને દેશભરમાં આચરવામાં આવેલા સાઈ બર ક્રાઈમના નાણાંની હેરફેર કરવા માટે ભાડાના બેંક એકાઉન્ટ પૂરા પાડતી એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે ચાર શખસો સામે ગુનો નોધી ત્રિપુટીની ધરપકડ કરી વધુ એક શખશની શોધખોળ કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઓપરેશન મ્યુલ હંટ દરમ્યાન સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીએસઆઈ ઝાલા સહીતે તપાસ કરતા રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લી. (મહીલા બ્રાંચ) ના એકાઉન્ટ નંબરની વિગતો સામે આવી હતી. આ ખાતામાં માર્ચ ૨૦૨૬ થી મે ૨૦૨૬ દરમિયાન 34.66 લાખ જેટલું મોટા પ્રમાણમાં ક્રેડિટ ટ્રાન્ઝેક્શન થયું હતું. તપાસ દરમિયાન આ ખાતામાં ચંદીગઢ, દિલ્હી, કર્ણાટક અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી કુલ ૪ સાઇબર ફ્રોડની ફરિયાદોના રૂ. ૧૧,૨૦ લાખ રાજકોટની બેંકમાં જમા થયા હતા. જેમા ખાતાધારક સતીષ સુરાણીની પુછતાછ કરતા તેને હરપાલ ડોડીયાની સૂચનાથી તેણે આ બેંક ખાતું ખોલાવ્યું હતું અને બદલામાં તેને રૂ. ત્રણ હજાર કમિશન મળ્યું હતું. આ ઉપરાંત હરપાલે યશપાલ જાડેજાનું ખાતું પણ ભાડે આપવા બદલ યશપાલને રૂ. ૧૦ હજાર કમિશન ચૂકવ્યું હતું. તેમજ લાલજી છગન પાડોડીયા સહીતે આર્થિક લાભમેળવવાના હેતુથી સાઇબર ગઠિયાઓને બેંક એકાઉન્ટ્સ પૂરા પાડીને સાઇબર ફ્રોડની રકમ સરકાવવામાં મદદ કરી હોવાનું ખૂલતાં ચારેય આરોપીઓ સામે ગુનો નોધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ એક લાલજીને ઝડપી લેવા કાર્યવાહી કરી છે.
રાજકોટમાં પ્રિ-એપ્રુવ્ડ લોનના નામે 9.61 કરોડની ઠગાઈ આચરી નાસી છૂટેલો ઠગ હાર્દિક તન્ના ઈન્દોરથી ઝડપાયો : દર મહિને 10% વળતરની લાલચ આપી રોકાણકારોને શીશામાં ઉતાર્યા હતા : દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝના નામે આલીશાન ઓફિસ ખોલી પ્રારંભે 20 ટકા વળતર ચૂકવી લોકોને ફસાવ્યા
રાજકોટમાં ડેબિટ કાર્ડ પરની પ્રિ-એપ્રુવ્ડ લોનની લોભામણી સ્કીમ બતાવી રોકાણકારો પાસેથી દર મહિને 10 ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપી 9.61 કરોડ રૂપિયાની જંગી છેતરપિંડી આચરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોઠારીયા રોડ સ્થિત આનંદનગર કોલોનીમાં રહેતા અને ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા વેપારી સાગરભાઈ મોરવાડીયા તેમજ તેમના સંબંધીઓ સહિત કુલ 11 લોકો સાથે આ આર્થિક ઠગાઈ આચરવામાં આવી હતી. ભોગ બનનારની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (GPID) એક્ટ અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની મધ્યપ્રદેશના ઈન્દોર ખાતેથી ધરપકડ કરી છે. રાજકોટ એસીપી બી.જે. ચૌધરીના જણાવ્યા અનુસાર, વર્ષ 2022 માં ફર્નિચરની દુકાનમાં નોકરી કરતા આરોપી હાર્દિક તુલસીદાસ તન્નાનો પરિચય ફરિયાદી સાગરભાઈ સાથે થયો હતો. આરોપીએ પ્રિ-એપ્રુવ્ડ લોન સ્કીમની સમજ આપી શરૂઆતમાં નાની રકમ પર 20 ટકા જેટલું ઊંચું વળતર નિયમિત ચૂકવીને ફરિયાદીનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો. ભરોસો બેસી જતાં સાગરભાઈએ પોતાની આજીવન બચત, પર્સનલ લોન અને મકાન મોર્ગેજ મૂકીને કુલ 2.70 કરોડ રૂપિયા આરોપીને સોંપી દીધા હતા.પોતાની છેતરપિંડીની જાળ વધુ મજબૂત કરવા માટે આરોપી હાર્દિકે ઓક્ટોબર 2023 માં શીતલપાર્ક સર્કલ નજીક આર.કે. વર્લ્ડ ટાવરમાં ‘દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ’ નામે એક આલીશાન ઓફિસ શરૂ કરી હતી. ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગ યોજીને તેણે ફરિયાદીના 7 કૌટુંબિક ભાઈઓ અને મિત્રો મળીને કુલ 11 લોકોને પોતાની સ્કીમમાં સામેલ કર્યા હતા. આરોપીએ વિશ્વાસ જાળવી રાખવા શરૂઆતમાં બેંક ખાતા મારફતે વળતર પેટે 3.61 કરોડ રૂપિયા ચૂકવ્યા પણ હતા, પરંતુ એકવાર મોટી મૂડી એકત્ર થઈ જતાં તેણે અચાનક વળતર અને મુદ્દલ રકમ પરત કરવાનું સંપૂર્ણ બંધ કરી દીધું હતું.રોકાણકારો દ્વારા વારંવાર નાણાંની માંગણી કરવામાં આવતાં આરોપીએ હાથ ઊંચા કરી પૈસા આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ઠગાઈનો ભોગ બનેલા નાગરિકોએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ તેજ કરી આરોપી હાર્દિક તન્નાને મધ્યપ્રદેશના ઈન્દોર શહેર ખાતેથી ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેના પર 15 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હોવાથી તે ચૂકવવા માટે તેણે આ સમગ્ર છેતરપિંડીની યોજના ઘડી હતી. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી કૌભાંડના નાણાં ક્યાં રોકવામાં આવ્યા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
લાયસન્સ વગર સિકયુરિટી ગાર્ડ સપ્લાય કરતી એજન્સી સંચાલક સામે ગુનો : 2019માં લાયસન્સ એક્સપાયર થઇ ગયા બાદ રીન્યુ જ કરાવ્યું ન હતું
રાજકોટમાં વગર લાયસન્સે ધમધમતી ખાનગી સિકયુરીટી એજન્સીઓ સામે એસઓજીએ સંકજો કસી તેના સંચાલક સામે ગુનો નોંધ્યો છે 2019માં લાયસન્સ એક્સપાયર થઇ ગયા બાદ રીન્યુ જ નહિ કરાવ્યું હોવાથી સંચાલક સામે જાહેરનામા ભંગ સબબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર એસઓજી પીઆઈ એન. બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારમાં ખાનગી સિકયુરીટી એન્જસીઓને તપાસવાની સુચના અન્વયે એએસઆઈ ફિરોજ રાઠોડ સહિતનો સ્ટાફે કૈલાસવાડી સર્કલ પાસે આવેલ ડો.નિર્ભય શાહ હોસ્પિટલ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી. જયાં બ્રેવો સિકયુરીટી સર્વિસમાં નોકરી કરતા ગાર્ડ મહમદભાઈ આમદભાઈ આમરોલીયાને સિકયુરીટીના સંચાલક વિશેષ પૂછતાછ કરતા એરપોર્ટ રોડ પરની યોગેશ્વર સોસાયટીમાં રહેતા દેવેન્દ્રભાઈ પ્રવિણચંદ્ર સાતા હોવાનું જણાવેલ જેથી પોલીસે તેનો સંપર્ક કરી હોસ્પિટલ ખાતે બોલાવેલ હતા. જેથી તેનું સિકયુરીટી લાયસન્સ તપાસતા તેની વેલીડીટી ગત. તા.૧૩/૮/૨૦૧૯માં પૂર્ણ થઈ હોવા છતાં લાયસન્સ રિન્યુ બાબતે પૂછતા રિન્યુ ન કરાવી ગેરકાયદે ગાર્ડ સપ્લાય કરી ખાનગી સલામતી એજન્સી નિયંત્રણનો ભંગ કર્યો હોવાથી એસઓજી શાખાના હેડ કોન્સટેબલ દિગ્વિજયસિંહ કિરીટસિંહ ગોહિલની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે સિકયુરીટી સંચાલક દેવેન્દ્ર સાતા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
પિતા-પુત્ર ઉપર દંપતી મોટાભાઈના પરિવારનો હુમલો : ચાર સામે ફરિયાદ
રાજકોટમાં કાલાવડ રોડ ઉપર રૂરલ હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં ઈ-૧/૧૨ પ્રેમ મંદિર પાછળ નીલકંઠ પાર્ક સોસાયટી પાસે રહેતા શૈલેષભાઈ દેવકરણભાઈ મેમણીયાએ યુનિ.પોલીસમાં તેના મોટાભાઈ અરૂણ, તેના પત્ની સજજનબેન, તેના પુત્રો અનીલ,મનીષ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના ભાભી સજજનબેન પાણીનો ટાંકો ભરાઈ ગયો હોવા છતાં સબમર્સીબલ ચાલુ કરતા હોય જેથી શૈલેષભાઈએ ટોકતા તેણીએ ઉશ્કેરાઈ જઈ ગાળો ભાંડી બાદ તેના પતિ અને પુત્રોને બોલાવી પિતા-પુત્રને ઢીકાપાટુનો માર મારી તલવાર વડે હુમલો કરી ધમકી આપી નાસી જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાતા પોલીસે શૈલેષભાઈની ફરિયાદ ઉપરથી તેના ભાઈ-ભાભી સહિત ચાર આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
જામનગરથી 964 ગ્રામ ગાંજો લઈ ધોરાજી પહોંચેલી બે મહિલા સહિત ત્રણ ઝડપાયા : બોટાદ પંથકના શખ્સનું સપ્લાયર તરીકે નામ ખુલ્યું, કાર, ફોન, ગાંજો મળી છ લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી કરવાની સૂચના અન્વયે ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમી આધારે ધોરાજીમાં દરોડો પાડી 964 ગ્રામ ગાંજા સાથે ધોરાજીના મકસુદ મોહૂમંદ ગરાણા, હવાબાઈ ઉર્ફે નજમા ઇકબાલ ગરાણા અને ઉપલેટાના રૂમાના યુસુફભાઈ ગુદ્દાને ઝડપી લીધા હતા. સપ્લાયર તરીકે બોટાદના ગઢડા (સ્વામી)ના સાજીદ ઉર્ફે ભીખો બોબલભાઈ તરકવાડીયાનું નામ ખુલ્યું છે. રાજકોટ જિલ્લામાં માદક પદાર્થોનું વેચાણ કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવા એસપી વિજયસિંહ ગુર્જરએ આપેલી સૂચના અન્વયે એસઓજી પીઆઈ એફ.એ.પારગી, પીએસઆઈ જી જે ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી આધારે સ્ટાફે જામકંડોરણાથી ધોરાજી તરફ જતાં રોડ પર પ્લાસ્ટિકના કારખાના નજીક વોચ ગોઠવી અર્ટિગા કાર અટકાવી ત્રણેય આરોપીઓની પુછપરછ કરતાં પ્લાસ્ટિકની થેલીમાં ગાંજાનો જથ્થો હોવાનું કબૂલતા તપાસમાં 964 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત 48,200 ગણી હતી પોલીસે કાર, બે મોબાઈલ સહિત 5.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પુછપરછમાં આરોપીઓએ જામનગરના સાજીદ પાસેથી આ ગાંજો લઈ ધોરાજી જતાં હોવાનું કહ્યું હતું. જેથી હવે સાજીદને વોન્ટેડ દર્શાવાયો છે. એસઓજીના સુત્રોએ જણાવ્યું કે, ત્રણેય આરોપીઓ વચ્ચે કોઈ સંબંધ નથી. માત્ર એકબીજાથી પરિચિત છે. આરોપી હવાબાઈ સામે જુગારધારાનો ગુનો નોંધાયેલો છે. બાકીના બંને આરોપીઓની ક્રિમિનલ હિસ્ટ્રી મળી નથી સપ્લાયર સાજીદ પકડાયા બાદ બીજા નવા ખુલાસા થવાની સંભાવના નકારાતી નથી. આરોપીઓ વિરુદ્ધ ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો.
રાજકોટમાં પામ યુનિવર્સના 12માં માળેથી પડતું મૂકી યુવકનો આપઘાત : પરિવારથી અલગ રહેતો યુવક મહિલા મિત્રના ઘરે ગયો હતો
રાજકોટના ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર આવેલ પામ યુનિવર્સ બિલ્ડિંગના 12માં માળેથી 42 વર્ષીય યુવકે મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે રાજકોટના કાલાવડ રોડ પર આવેલ આત્મીય કોલેજની સામે નંદનવન સોસાયટીમાં પરિવારથી અલગ રહેતા 42 વર્ષીય નિમેષભાઈ પરબતભાઇ ભંડેરી ગત રાત્રિના ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર પામ યુનિવર્સ બિલ્ડિંગમાં રહેતી પોતાની એક મહિલા મિત્ર કાજલબેન સલોતને મળવા ગયા હતા. મહિલા મિત્રના ઘરે મુલાકાત કર્યા બાદ, મોડી રાત્રિના નિમેષભાઈએ બિલ્ડિંગના 12માં માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી બનાવની જાણ થતાં જ તુરંત યુનિવર્સીટી પોલીસ મથકના પીઆઇ કે.કે. ગોહિલ અને પીએસઆઇ એચે.એમ.ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો 108ની ટીમે નિમેશભાઈ ભંડારીને તપાસીને મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતાં જ મૃતક નિમેષભાઈનો પરિવાર દોડી ગયો હતો. મૃતકનો પરિવાર હરિદ્વાર સોસાયટીમાં અલગ રહે છે નિમેષભાઈના મૃત્યુથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે મોડી રાત્રે બિલ્ડિંગમાં ભારે અવાજ સાથે બનેલી આ ઘટનાને પગલે પામ યુનિવર્સ સોસાયટીના રહીશો અને સિક્યોરિટી ગાર્ડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો નિમેષભાઈએ કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા તપાસ હાથ ધરી છે પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, મૃતક નિમેષ ભંડેરી કોઈ યુવતી સાથે લિવ ઈન રિલેશનમાં રહેતો હતો. દરમિયાન ગઈ રાતે બંને વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થતા, તે જે યુવતી સાથે લિવઈનમાં રહેતો હતો, તેમની બહેનપણીના ઘરે જે પામ યુનિવર્સ બિલ્ડિંગમાં રહે છે ત્યાં ગયો હતો અને ત્યાંથી જ તેમને મોતની છલાંગ લગાવી હોવાનું સામે આવી રહ્યું છે.
રાજકોટની માધાપર ચોકડી પાસે 12માં માળેથી વૃધ્ધે લગાવી મોતની છલાંગ : માનસિક બીમારીથી કંટાળી ભરેલું પગલું : 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
રાજકોટમાં માધાપર ચોકડી પાસે આવેલ ધ સ્પેસ બિલ્ડીંગના 12 માં માળેથી પડતું મૂકી 66 વર્ષીય કિશોરભાઈ મશરૂએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે ઘટનાની જાણ કરતા પોલીસનો કાફલો પણ દોડી ગયો હતો. પ્રાપ્ત વિગત મુજબ ધ સ્પેસ બિલ્ડિંગમાં 12માં માળે રહેતા કિશોરભાઈ દેવચંદભાઈ મશરુ ઉ.66એ ગઈકાલે ફ્લેટની બારીમાંથી અચાનક જ કૂદકો લગાવી દેતા તેઓ નીચે પટકાયા હતા અને તેઓને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા પરિજનો તુરંત જ નીચે દોડી ગયા હતા અને 108ને જાણ કરતા દોડી આવેલ 108ની ટીમે કિશોરભાઈ મશરૂને જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા બનાવની જાણ કરતા જ ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ એમ.એન.પીઠીયા સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં મૃતક નિવૃત્ત જીવન ગાળતા હતા અને લાંબા સમયથી માનસિક બીમારીથી પીડિત હતાં. જેથી કંટાળીને પગલું ભર્યું હોવાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે વૃદ્ધના મોતથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
અગમ્ય કારણોસર યુવકે ફાંસો ખાઈ જીવ દીધો
રાજકોટમાં આપઘાતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ગોંડલ રોડ પર આવેલ પરીન ફર્નિચરની પાછળ 23 વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટના ગોંડલ રોડ ઉપર રહેતા અને દુકાનમાં કામ કરતા ઋત્વિક શૈલેષભાઈ ભાલુ ઉ.23 દુકાનેથી ઘરે જમવા આવ્યો ત્યારે ઘરે કોઈ હાજર ન હોય પોતે પંખામાં દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો હતો જ્યારે માતા કામ કરીને ઘરે પરત ફરીને ઘરે આવ્યા ત્યારે દીકરો ન દેખાતા ઉપર રૂમમાં જોવા ગયા હતા જ્યાં તેમનો એકનો એક દીકરો લટકતો જોઈને માતા નિશબ્દ થઇ ગયા હતા બાદ રાજકોટ તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી ઋત્વિક તેમના પિતા ભેગો તેમની ચપલની દુકાનમાં કામ કરતો હતો અને એક ભાઈ અને એક બેનમાં નાનો હતો યુવાન પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
રાજકોટ શહેર પોલીસના જુગારના 4 દરોડામાં 21 ઝડપાયા : 2 ફરાર, બી ડિવિઝન, એલસીબી, પીસીબી અને ગાંધીગ્રામ પોલીસે 86 હજાર કબ્જે કર્યા
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે 4 દરોડામાં પોલીસે 21 શખ્સોને ઝડપી લઇ નાસી છૂટેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે બી ડિવિઝન, એલસીબી, પીસીબી અને ગાંધીગ્રામ પોલીસે 85,550 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે બી ડિવિઝન પીઆઇ જી આર ચૌહાણની રાહબરીમાં પીએસઆઇ ડોબરિયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના ક્રિપાલસિંહ જાડેજા અને અજીતસિંહ પરમારને મળેલી બાતમી આધારે હરસિધ્ધિ પાર્કમાં દરોડો પાડી જુગાર રમતા સંજય ભીખાભાઇ રામાણી, દુર્ગેશ વિનુભાઈ રાઠોડ, વિજય બાબુભાઇ મણવર, ચંદ્રેશ ઉર્ફે ચંદુ બાઘુભાઈ સાવલિયા, કમલેશ ચતુરભાઈ કવૈયા, નવીન વીરાભાઇ પરમાર અને બ્રિજેશ કિશોરભાઈ હિરાણીની ધરપકડ કરી રોડક 51,400 કબ્જે કર્યા છે જયારે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીમાં એએસઆઈ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને હરદેવસિંહ રાણા સહિતની ટીમે કંસારા બજાર મેઈન રોડ ઉપર દરોડો પાડી મોબાઈલમાં મેચ ઉપર હારજીતના સોદા કરતા સચિન મહેશભાઈ શેઠ અને ગૌરવ મહેન્દ્રભાઈ શેઠની ધરપકડ કરી 20 હજારના 2 મોબાઈલ કબ્જે કર્યા હતા તેમજ ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એચ પી ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.વી.ગોહિલની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે પરાપીપળીયા ખંઢેરી રોડ ઉપર મુરલીધર ડ્રિન્કીંગ વોટર પ્લાન્ટમાં દરોડો પાડી જુગાર રમતા જનક રાયમલભાઈ મૈયડ, હાર્દિક રણમલભાઇ નકુમ, કાળું અરજણભાઈ હુંબલ, એભલ મેણંદભાઈ કારેથા, ભરત દાનાભાઇ શિયાળ, ચેતન રતિલાલ ગોહિલ, મનુ રાણાભાઇ મૈયડ અને વિવેક રમેશભાઈ ડાંગરની ધરપકડ કરી રોકડા 11,950 કબ્જે કર્યા છે તેમજ એલસીબી ઝોન 1ની ટીમે બાતમી આધારે જંગલેશ્વર આજી નદીના પટમાં દરોડો પાડી વર્લી મટકાના આંકડા લખતા મહમદહનીફ ઇશાકભાઈ ઠેબા, હબીબ ઓસમાણભાઈ ઠેબા, ઇસરાઇલ ઉર્ફે છગો છુપકાઈ શેખ અને સમસુદીન મહમદશફી શેખની ધરપકડ કરી રોકડા 2200 કબ્જે કર્યા હતા દરોડા દરમિયાન નાસી છૂટેલા જહાંગીર ઉર્ફે કારો મિસર અને હિતેશ ઉર્ફે હિતાની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ એસપીએ વસાવડના વ્યાજખોર બંધુ પાસેથી 1 કરોડની વસ્તુઓ 90 અરજદારોને પરત અપાવી : સુલતાનપુર પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત સોના-ચાંદીના દાગીના, જમીનના દસ્તાવેજ કબ્જે કર્યા
રાજકોટ જિલ્લામાં ફાટીને ધુમાડે ગયેલા વ્યાજખોરો સામે ગ્રામ્ય પોલીસે લાલ આંખ કરી છે સુલતાનપુર પોલીસ મથકમાં નોંધાયેલા મનીલેન્ડના ગુનામાં એસપીની સૂચના અન્વયે વાસાવડના વ્યાજખોર બંધુ પાસેથી સોના-ચાંદીના દાગીના, જમીન-મકાન-પ્લોટના દસ્તાવેજ, આરસી બુક, કોરા ચેક સહીત 1 કરોડ 5 લાખ 79 હજાર 450 રૂપિયાનો મુદામાલ રિકવર કરી 90 અરજદારોને પરત અપાવ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં રહેતા લલિત ઉર્ફે નિલેશ મોહનભાઇ ટારીયાએ વાસાવડના વ્યાજખોર બે ભાઈઓ સોહીલ રફીક ઉર્ફે બાબુ સલાટ અને તેના ભાઈ ઈરફાન સામે વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી હતી 44 હજાર 3 ટકા વ્યાજે લીધા બાદ 22 હજાર જેટલી રકમ ભરપાઈ કરી હતી તે પછી આર્થિક પરિસ્થિતિ ખરાબ હતા પોતે વ્યાજ નહીં ભરી શકતા બંને ભાઈઓ પઠાણી ઉઘરાણી કરી ટાંટિયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી હતી અને ભોગ બનનાર લોકોને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી હતી જેથી 90 લોકોએ સુલતાનપુર પોલીસનો સંપર્ક કર્યો હતો અને આ લોકો પાસેથી પડાવી લીધેલી તમામ વસ્તુઓ આજે પરત અપાવવામાં આવી હતી એસપી વિજયસિંહ ગુર્જરની અધ્યક્ષતામાં સુલતાનપુર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વ્યાજખોર બેલડી પાસેથી પોલીસે કબ્જે કરેલા 27,48,450 રૂપિયાના 180.65 ગ્રામ સોનાના દાગીના, 49.31 લાખના 19 કિલો 724 ગ્રામ ચાંદીના દાગીના, 29 લાખના જમીન, મકાન, પ્લોટના દસ્તાવેજ તેમજ આરસી બુક અને 6 કોરા ચેક સહીત 1 કરોડ 5 લાખ 79 હજાર 450 રૂપિયાની વસ્તુઓ પરત અપાવી હતી તેમજ વ્યાજખોરી, અસામાજિક તત્વોની લુખ્ખાગીરી, નશીલા પદાર્થોનું વેચાણ કરતા શખ્સો અંગે માહિતી આપવા અપીલ કરી છે.




