સેશન્સ કોર્ટમાં જામીન નામંજૂર થયા બાદ ગુજરાત હાઇકોર્ટમાં રાહત મળી
આર્થીક વ્યવહારો વાળા ઉચ્ચાપતના કેસોમાં આરોપીને વધુ સમય જેલમાં રાખી શકાય નહી.
- Advertisement -
બચાવ પક્ષે કેસને મૂળભૂત રીતે નાણાકીય-દીવાની વિવાદ ગણાવી વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા
રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રૂ.80.65 લાખની કથિત છેતરપિંડી અને ઉચાપતના ગુનામાં આરોપી વિનીતકુમાર રૂપચંદ સિંઘને ગુજરાત હાઇકોર્ટે ચાર્જશીટ પૂર્વે શરતોને આધીન જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા અગાઉ ચાર્જશીટ પહેલાંની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી તરફથી ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી, જેમાં રજૂ થયેલી દલીલો અને કેસના સંજોગોને ધ્યાને લઈ હાઇકોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત હકીકતો મુજબ ફરિયાદી ઇલેશભાઈ ચુનીલાલભાઈ ખખ્ખરે તા.29 એપ્રિલ, 2025ના રોજ રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ ફરિયાદીની યુબીક સોલ્યુશન પ્રા.લિ. કંપનીના વેપાર-ધંધા માટે આરોપી વિનીતકુમાર રૂપચંદ સિંઘને દેહરાદૂન, ઉત્તરાખંડ ખાતે રાખવામાં આવ્યા હતા. કંપનીની વિવિધ પ્રોડક્ટનું દેહરાદૂન ખાતે વેચાણ અને માર્કેટિંગ કરવાની કામગીરી આરોપીને સોંપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. ફરિયાદ મુજબ કંપનીમાંથી માલ સપ્લાય કરવા માટે વિનીતકુમાર સિંઘે પોતાના ઓળખીતા આરોપી સુધાસિંગ, જે સાંઈ આસ્થા રેમેડીઝના પ્રોપરાઇટર તરીકે દર્શાવવામાં આવ્યા છે, તેમની વિગતો ફરિયાદીને આપી હતી. ત્યારબાદ રાજકોટથી દેહરાદૂન ખાતે માલ મોકલવામાં આવ્યો હતો અને સાંઈ આસ્થા રેમેડીઝ પેઢી મારફતે આ માલ મેળવી તેનું દેહરાદૂન વિસ્તારમાં વેચાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે માલના વેચાણ બાદ હિસાબમાં ગોટાળા કરવામાં આવ્યા હતા અને ઇલેક્ટ્રોનિક માધ્યમથી ખોટા હિસાબો મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત ખોટી ક્રેડિટ નોટ બનાવી તેનો સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરીને આર્થિક લાભ મેળવવામાં આવ્યો હોવાનો પણ આરોપ મૂકાયો હતો. ફરિયાદી પક્ષે આ સમગ્ર પ્રક્રિયાના આધારે કિંમતી જામીનગીરી ઊભી કરી કંપની સાથે કુલ રૂ.80,65,057ની છેતરપિંડી અને ઉચાપત કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે વિનીતકુમાર રૂપચંદ સિંઘ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
ફરિયાદ બાદ પોલીસે આરોપી વિનીતકુમાર રૂપચંદ સિંઘની ધરપકડ કરી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. કોર્ટ દ્વારા આરોપીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડનો સમય પૂર્ણ થયા બાદ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ રાજકોટ જિલ્લા જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાનું જણાવાયું છે. દરમિયાન પોલીસે કેસમાં વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ ચાલુ હતી તે દરમિયાન આરોપી વિનીતકુમાર સિંઘે સેશન્સ કોર્ટ સમક્ષ ચાર્જશીટ પૂર્વેની રેગ્યુલર જામીન અરજી કરી હતી. જામીન અરજીની દલીલ દરમિયાન આરોપી તરફથી રોકાયેલા અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સના મેનેજિંગ પાર્ટનર અંશ ભારદ્વાજ તથા તેમની ટીમે વિવિધ મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. બચાવ પક્ષે દલીલ કરી હતી કે ફરિયાદી અને પોલીસ વચ્ચેની મિલીભગતથી કંપનીની કહેવાતી લેણી રકમ વસૂલ કરાવવા માટે મૂળભૂત રીતે દીવાની સ્વરૂપના વિવાદને ફોજદારી સ્વરૂપ આપવામાં આવ્યું છે. નાણાંની વસૂલાત માટે પોલીસનો ઉપયોગ થઈ રહ્યો હોવાનો પણ બચાવ પક્ષે આક્ષેપ કર્યો હતો. વકીલ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે ફરિયાદમાં આરોપીને કંપનીમાં મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે અને તેઓ માત્ર વહીવટી કામગીરી સંભાળતા હતા. માલની ખરીદી-વેચાણ તથા નફા-નુકસાનની રકમ અંગે કોઈ વિવાદ હોય તો તેનો નિર્ણય દીવાની અદાલતના અધિકારક્ષેત્રમાં આવતો હોવાની દલીલ કરવામાં આવી હતી.
બચાવ પક્ષે પોલીસ કાર્યવાહી અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. રજૂઆત મુજબ ફરિયાદી કંપનીની કહેવાતી લેણી રકમ તા.1 એપ્રિલ, 2023ની હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જ્યારે ફરિયાદ બાદની કાર્યવાહી અને નોટિસની તારીખો અંગે પણ કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. બચાવ પક્ષે એવી દલીલ કરી હતી કે દેહરાદૂનમાં રહેતા આરોપીને રાજકોટ પોલીસ સમક્ષ હાજર થવા માટે તા.15 મે, 2025ના રોજ સમન્સ નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને બે દિવસમાં હાજર થવા જણાવાયું હતું, પરંતુ બે દિવસની ગણતરી કઈ તારીખથી કરવાની તે બાબતે નોટિસમાં સ્પષ્ટતા ન હોવાનો મુદ્દો પણ રજૂ કરવામાં આવ્યો હતો.
ફરિયાદ નોંધાવવાના સમયગાળા અંગે પણ બચાવ પક્ષની દલીલ
બચાવ પક્ષે ફરિયાદમાં દર્શાવાયેલી તારીખો અને ફરિયાદ નોંધાવવાના સમયગાળા અંગે પણ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી. આરોપીના વકીલો દ્વારા જણાવાયું હતું કે કહેવાતી લેણી રકમ તા.1 એપ્રિલ, 2023ની છે અને ગુનો બન્યાની તારીખ ફરિયાદમાં દર્શાવવામાં આવી છે. તેથી આ પ્રકારનો ગુનો સતત ચાલતો ગુનો ગણાવી શકાય કે નહીં તે અંગે પણ કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ ફરિયાદમાં સાંઈ આસ્થા રેમેડીઝને પ્રોપરાઇટર ફર્મ તરીકે દર્શાવવામાં આવી છે અને તેના પ્રોપરાઇટર તરીકે ગુંજન કોટીયાલનું નામ દર્શાવાયું હોવાનું જણાવાયું હતું. બચાવ પક્ષે કાયદાકીય જોગવાઈઓના સંદર્ભમાં એવી દલીલ કરી હતી કે પ્રોપરાઇટરશિપ ફર્મમાં મેનેજર જેવી પોસ્ટની કાયદાકીય સ્થિતિ અંગે પણ કેસની હકીકતોને ધ્યાનમાં લેવી જરૂરી છે.
સેશન્સ કોર્ટમાં જામીન નામંજૂર બાદ હાઇકોર્ટમાં રાહત
આ તમામ મુદ્દાઓ અને દસ્તાવેજી પુરાવાના આધારે આરોપી વિનીતકુમાર સિંઘને જામીન પર મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. જોકે, સેશન્સ કોર્ટે તે સમયના સંજોગોને ધ્યાને લઈ ચાર્જશીટ પૂર્વેની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી હતી. સેશન્સ કોર્ટના આ હુકમ સામે આરોપી તરફથી ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી. હાઇકોર્ટ સમક્ષ કેસની હકીકતો, આરોપીની ભૂમિકા, તપાસની સ્થિતિ તથા બચાવ પક્ષે રજૂ કરાયેલા વિવિધ મુદ્દાઓને આધારે જામીનની માંગ કરવામાં આવી હતી. અંતે ગુજરાત હાઇકોર્ટે કેસના સંજોગોને ધ્યાને લઈ આરોપી વિનીતકુમાર રૂપચંદ સિંઘને ચાર્જશીટ પહેલાં શરતોને આધીન જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ સાથે રૂ.80.65 લાખની કથિત છેતરપિંડીના આ કેસમાં તપાસ આગળ વધતી રહે તે દરમિયાન આરોપીને ન્યાયિક રાહત મળી છે.
બચાવ પક્ષની કાનૂની ટીમમાં આ વકીલો જોડાયા
આ કેસમાં આરોપી વિનીતકુમાર રૂપચંદ સિંઘ તરફથી સેશન્સ કોર્ટમાં અભય ભારદ્વાજ એન્ડ એસોસિએટ્સ દ્વારા કાનૂની રજૂઆત કરવામાં આવી હતી. ટીમમાં અંશ ભારદ્વાજ, ધીરજ પીપળીયા, મહેશ જોષી, કાંતીલાલ વેગડ, ગૌતમ પરમાર, વિજય લક્કડ, જીજ્ઞેશ વિરણી, જીતેન્દ્ર કાનાબાર, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, તારક સાવંત, શ્રેયસ શુક્લ, ચેતન પુરોહિત, અતુલ બોરીચા, દિશા ફળદુ અને મિહિર શુક્લ સહિતના વકીલોનો સમાવેશ થતો હોવાનું જણાવાયું છે. જ્યારે ગુજરાત હાઇકોર્ટમાં આરોપી તરફથી સિનિયર એડવોકેટ બી.એમ. માંગુકિયા રોકાયા હતા.




