રામનાથ મહાદેવ મંદિરના પવિત્ર સાનિધ્યમાં અમીત રાઠોડ (M.M.) દ્વારા 17મો રક્તદાન કેમ્પ યોજાયો
‘રક્તદાન મહાદાન’ના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં લોકોએ કર્યું રક્તદાન
- Advertisement -
થેલેસેમિયા જેવી ગંભીર બીમારી સામે સંઘર્ષ કરી રહેલા માસૂમ બાળકોને નિયમિત રક્ત મળી રહે અને તેમને નવજીવન આપવાના ઉમદા હેતુ સાથે રાજકોટના સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ મંદિરના પવિત્ર સાનિધ્યમાં અમીત
રાઠોડ (M.M.) દ્વારા સોમવારે 24 ઓગસ્ટના રોજ ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘રક્તદાન મહાદાન’ના પવિત્ર ભાવ સાથે યોજાયેલા આ માનવતાવાદી કેમ્પમાં શહેરના નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈને
કુલ 460 બોટલ યુનિટ રક્તનું દાન કર્યું હતું.
થેલેસેમિયાથી પીડાતા બાળકોને જીવન ટકાવી રાખવા માટે સમયાંતરે રક્ત ચઢાવવાની જરૂરિયાત રહેતી હોય છે. આવા બાળકો માટે રક્તની અવિરત ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવી
અત્યંત જરૂરી છે. આ જ ભાવનાને કેન્દ્રમાં રાખીને રામનાથ મહાદેવ મંદિર ખાતે વિશેષ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સેવા કા સંકલ્પ, બદલાવ કા પ્રયાસ’ના પ્રેરણાદાયક સૂત્ર સાથે યોજાયેલા આ કેમ્પમાં મોટી
સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો. ધાર્મિક આસ્થાના કેન્દ્રને માનવસેવા સાથે જોડતા આ કાર્યક્રમમાં રક્તદાનને માત્ર સામાજિક ફરજ નહીં પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાન સમાન સેવા તરીકે રજૂ કરવામાં
આવ્યું હતું. આ કેમ્પ 17મો રક્તદાન કેમ્પ હતો. અગાઉ યોજાયેલા રક્તદાન કેમ્પોની સફળ પરંપરાને આગળ ધપાવતા આ કેમ્પમાં પણ લોકોનો નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હતો. મોટી સંખ્યામાં યુવાનો સહિત નાગરિકોએ સ્વૈચ્છિક
રીતે રક્તદાન કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકો સહિત જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તની ઉપલબ્ધતા વધારવામાં યોગદાન આપ્યું હતું.
આ કેમ્પનું આયોજન અમીત રાઠોડ (M.M.) દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા રક્તદાતાઓને સમાજહિતની આ સેવા સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રક્તદાનથી કોઈ એક દર્દીને જ નહીં પરંતુ અનેક
જરૂરિયાતમંદ દર્દીઓના જીવનને મદદ મળી શકે છે તેવો માનવતાનો સંદેશ પણ આ પ્રસંગે આપવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પ સાંજે 4 વાગ્યાથી શરૂ થઈ રાત્રે 12 વાગ્યા સુધી એટલે કે સતત 8 કલાક સુધી ચાલ્યો હતો. આ
દરમિયાન રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું અને અંતે કુલ 460 બોટલ યુનિટ રક્ત એકત્રિત થયું હતું.




