સ્થળ ફેરફારની મંજૂરી વિના ધમધમતી સ્કૂલ મામલે ભીનું સંકેલાય ગયાનો આક્ષેપ
રાજકોટના પેડક રોડ ઉપર આવેલી ન્યૂ ફ્લોરા ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ અને ૮૦ ફૂટ રોડ પરની અંબિકા વિદ્યાલય સ્થળ ફેરફારની મંજૂરી વિના ધમધમતી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ
કરવામાં આવી હતી. જેમાં સ્કૂલ બંધ કરવા અંગેની છેલ્લી નોટિસ પણ આપી દેવામાં આવી પરંતુ આ સમગ્ર પ્રકરણ જાહેર થયાને સવા મહિનાનો સમય વીતી ગયા બાદ પણ સ્કૂલ બંધ થઈ નથી અને દંડનીય કાર્યવાહી
કરવામાં આવી નથી. જેથી આ મામલામાં ભીનું સંકેલાઈ ગયાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહીતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યો છે.
- Advertisement -
ગુજરાત કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટમાં હવે તમારે સ્કૂલ ખોલવી હોય તો કોઈ જાતની મંજૂરીની જરૂર નથી. કારણકે અત્યારે જે જિલ્લા શિક્ષણ અધિકારી છે તે કોઈપણ પ્રકારની તમે મંજૂરી
લ્યો કે ન લ્યો, ફાસ્ટ ફૂડની દુકાન હોય તે રીતના શેરી ગલીઓમાં એક સ્કૂલના નામે ફ્રેન્ચાઇઝી લઈ લ્યો તો ચાલવા દે છે. તેમણે જણાવ્યું કે, રાજકોટની ન્યૂ ફ્લોરા સ્કૂલ અને અંબિકા વિદ્યાલય કે જે બંને સ્કૂલો સ્થળ ફેરની મંજૂરી
વિના શરૂ કરી દેવામાં આવી છે જેમાં ન્યૂ ફ્લોરા સાડીના કારખાનામાં ચાલતી હતી અને જે અંબિકા વિદ્યાલય ગુજરાતી મીડિયમ છે તે કેરલા પાર્કમાં આવેલી પ્રીમિયર સ્કૂલની અંદર ચાલતી હતી. બંને સ્કૂલોની અમે જિલ્લા
શિક્ષણ અધિકારીને પુરાવા સહિત રજૂઆત ૪૦ દિવસ પહેલાં કરી હતી. દર વખતે જિલ્લા શિક્ષણ અધિકારી મીડિયામાં અહેવાલો આપે છે, ‘અમે નોટિસ આપી દીધી છે’, ‘એક લાખનો દંડ આપીશું’,
જોકે મીડિયા પાસેથી જે રીતના માહિતી મળી છે કે હજુ કાર્યવાહી ચાલુ છે. એટલે ક્યાંકને ક્યાંક આ તપાસ ઢીલી છે. આ સમગ્ર મામલો રફેદફે કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને ભાજપના એક મોટા નેતાએ ભલામણ કરી
હોવાનું તેમજ આંગળિયુ કર્યાની ચર્ચા છે. અમે આ બંને સ્કૂલો બાબતે આવનારા સમયમાં રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રીને મળવાના છીએ. બંને સ્કૂલો સામે કડક કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં જિલ્લા શિક્ષણ
અધિકારીની કચેરીમાં DEOનો ઘેરાવ કરવાના છીએ. આગામી ૧૦ દિવસમાં રાજકોટની આવી ૫ થી વધુ ડમી સ્કૂલોનો અમે પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ.




