USનું દેવું 40 ટ્રિલિયન ડોલરને પાર
દુનિયાભરના શેરબજારોમાં આવતા તીવ્ર ઉતાર-ચઢાવે રોકાણકારોનું ટેન્શન વધારી દીધું છે. ક્યારેક બજારમાં અચાનક મોટો ઉછાળો આવે છે, તો ક્યારેક તે ક્ષણવારમાં ધરાશાયી થઈ જાય છે. વિશ્વપ્રસિદ્ધ બ્રોકરેજ ફર્મ જેફરીઝ અનુસાર, આ વધઘટ હજુ પણ આગળ જોવા મળી શકે છે. રિપોર્ટમાં અમેરિકાને આ સ્થિતિ માટે મુખ્ય કારણ દર્શાવતા જણાવાયું છે કે, અમેરિકા પર વધતા જતા દેવાનું બોજ સમગ્ર વિશ્વના સ્ટોક માર્કેટ માટે જોખમ ઊભું કરી રહ્યું છે.
જેફરીઝના ગ્લોબલ ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ્ટોફર વૂડના જણાવ્યા અનુસાર, યુનાઇટેડ સ્ટેટ્સની કથળતી નાણાકીય સ્થિતિ લાંબા ગાળાના ટ્રેઝરી બોન્ડ્સ પર ભારે દબાણ ઊભું કરી રહી છે. ૧૮ ઓગસ્ટના રોજ અમેરિકાનું રાષ્ટ્રીય દેવું અંદાજે ૪૦.૦૫ ટ્રિલિયન ડોલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે, જે ગયા વર્ષની સરખામણીએ ૭.૮% વધુ છે. એટલું જ નહીં, સંઘીય સરકારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૧૦ મહિનામાં જ ૧.૮ ટ્રિલિયન ડોલરની ખોટ (રાજકોષીય ખાધ) નોંધાવી છે. એકલા જુલાઈ મહિનામાં જ ૪૩૨ અબજ ડોલરની માસિક ખાધ નોંધાઈ હતી, જે માર્ચ ૨૦૨૧ પછીની સૌથી મોટી ખાધ છે. અમેરિકાની કમાણી અને ખર્ચ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે. જુલાઈ મહિનામાં ફેડરલ રેવેન્યૂમાં ગયા વર્ષની સરખામણીએ ૧.૩%નો અને છેલ્લા ત્રણ મહિનામાં ૫.૭%નો ઘટાડો થયો છે. ટેક્સ કલેક્શન અને ડ્યૂટી સહિતની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. આની સામે સરકારી ખર્ચાવમાં ધરખમ વધારો થયો છે. સંઘીય ખર્ચ જુલાઈમાં એક વર્ષ પહેલાંની સરખામણીએ ૨૧.૭% વધી ગયો છે. આવક ઓછી અને ખર્ચ વધુ હોવાના કારણે ઉધાર લેવાની ઝડપ અને વ્યાજ ચૂકવણીનો બોજ સતત વધી રહ્યો છે.




