આપણને ગમતી દરેક ચીજ બીજાને એક્સપેન્સિવ લાગશે અને આપણને ન ગમતી બીજાની દરેક વસ્તુ કોસ્ટલી જણાશે
માણસ પરિવાર માટે બજેટ બનાવે છે અને પોતાના શોખ માટે રાખે છે બ્લેન્ક ચેક
- Advertisement -
ભવ્ય રાવલ : લેખક-પત્રકાર
આજકાલ મોંઘવારી હર ઘરની સૌથી મોટી સમસ્યા છે. જોકે એક રસપ્રદ વાત એ છે કે મોંઘવારી દરેકને નડે છે પણ દરેક વખતે નહીં! ખાસ કરીને જ્યારે ખર્ચ પોતાની મનગમતી ચીજવસ્તુ પર કરવાનો હોય ત્યારે મોંઘવારી
જાણે છૂમંતર થઈ જાય છે.
તેલનો ભાવ લિટરદીઠ દસ રૂપિયા વધે એટલે ગૃહિણીનું બજેટ હચમચી જાય. ખાંડના ભાવમાં પાંચ રૂપિયા વધે તો ચા પણ કડવી લાગે. ડુંગળી – બટેકા – ટામેટાંના ભાવ જો પચાસથી સાઈઠ રૂપિયે કિલોએ પહોંચે તો તેમનું
બ્લડપ્રેશર સીધું દોઢસો પાર પહોંચી જાય. શાકવાળા સાથે મફતના લીમડો-કોથમીર અને બે મરચાં માટે એવી ચડસાચડસી થાય જાણે સંસદમાં બિલ પાસ કરાવવાનું હોય! દૂધ, ગેસ, અનાજ, કરિયાણું.. દરેક વસ્તુનો ભાવ વધે
એટલે ગ્રાહક તરીકેની ગજગ્રાહ શરૂ.
- Advertisement -
પણ એ જ ગૃહિણી બ્યુટીપાર્લરમાં જાય ત્યારે? હેર સ્પા, કેરાટિન, સ્ટ્રેટનિંગ, ફેશિયલ, મેનીક્યોર, પેડીક્યોરનું પેકેજ કેટલાનું? પાંચ-દસ હજારમાં બધું આવી જાય તો હવે મન્થલી બજેટ ક્યાં પહોંચશે? કદાચ મેકઅપને મોંઘવારી
નડતી ન હોય. અને હા, કિટી પાર્ટીમાં પાંચ-સાત સખીઓ સાથે મળીને ચા-પાણી નાસ્તો ને ગેમ્સ-ગપસપ પાછળ પણ બે-પાંચ હજાર ઉડાવી નાખે તો પણ કોઈ અંદરોઅંદર સ્વીકારશે નહીં કે, મોંઘવારી વધી રહી છે. ત્યાં તો
સ્ટેટસ બતાવવા દોમદોમ સંપત્તિ હોવાનો દેખાડો કરાશે.
ગૃહિણીઓની જેમ જ તેમના ઘરવાળાઓની સ્થિતિ પણ બહુ અલગ નથી. પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકાદ રૂપિયાનો વધારો થાય તો ચાની કીટલીથી લઈને વોટ્સએપ ગ્રુપ સુધી ચર્ચા શરૂ કરી દેશે કે, આ સરકાર મધ્યમ વર્ગને
જીવવા નહીં દે! સોના-ચાંદીનો ભાવ વધે તો રોકાણની ચિંતા, શેરમાર્કેટનો આખલો ગાંડો બની ગ્રાફ ગગડાવી મૂકે અને પોર્ટફોલિયો બગડે તો ટેન્શન. સંતાનની સ્કૂલ ફીમાં નજીવો વધારો આવે તો ડિપ્રેશન.. પણ એ જ સાહેબ
દિવસભર પાનમાવા કે સિગારેટથી લઈ શરાબ પાછળ હજારો ખર્ચી નાખે તો પણ મહિને કુલ ખર્ચમાં વ્યસન પાછળ કેટલા ફૂંકી માર્યા એની ગણતરી ન થતી હોય.
કેટલાક લોકો માટે ઘરની ચા મોંઘી છે, પણ કાફેની કોફી સસ્તી છે. ઘરમાં જમવાનું રૂટિન લાગે છે, રેસ્ટોરન્ટનું બિલ એક્સપિરિયન્સ બની જાય છે. બાળકો માટે રમકડું ખરીદતા જીવ ચાલતો નથી, પોતાના માટે નવો મોબાઇલ
લેવા માટે અચાનક લોટરી લાગી જાય છે. સાચી વાત તો એ છે કે મોંઘવારી બજારમાં જેટલી નથી, એટલી આપણા મનમાં છે. જે વસ્તુ આપણને જરૂરી નથી લાગતી તેના ભાવ વધે ત્યારે આપણે અર્થશાસ્ત્રી બની જઈએ છીએ
અને જે વસ્તુ આપણને ગમે છે તેના ભાવ વધે ત્યારે આપણે દાર્શનિક બની જઈએ છીએ, પૈસા તો હાથનો મેલ છે! અસલ વાત તો એ છે કે માણસ પરિવાર માટે બજેટ બનાવે છે અને પોતાના શોખ માટે રાખે છે બ્લેન્ક ચેક.
માણસને સંતોષ મળતો હોય ત્યાં તે ગમે તેટલા નાણાં ખર્ચી શકે છે. કોઈને કપડાંનો શોખ, કોઈને મોબાઈલનો, કોઈને ગાડીનો, કોઈને હરવાફરવાનો, કોઈને ખાવાપીવાનો, કોઈને પીવાનો, કોઈને તૈયાર થવાનો અને કોઈને
સોના-ચાંદીનો.. પોતાના માટે ખર્ચ કરતાં કોઈ ખચકાતું નથી એટલે જ વાસ્તવમાં મોંઘવારીનો અનુભવ પણ વ્યક્તિગત છે. આપણને ગમતી દરેક ચીજ બીજાને એક્સપેન્સિવ લાગશે અને આપણને ન ગમતી બીજાની દરેક વસ્તુ
કોસ્ટલી જણાશે. નોંધ કરજો.. જીવનજરૂરી ચીજવસ્તુઓના ખર્ચમાં માનવી એક એક પાઈનો પણ હિસાબ કરતો જોવા મળશે પણ જ્યારે વાત પોતાના શોખ-આદત પાછળના ખર્ચની હશે તો બેહિસાબ હજારો-લાખો વાપરીને પણ
કહેશે.. મોંઘવારી ગઈ માંઈ, મજા આવી ગઈ ભાઈ.




