અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યના ચીકટોવાગા શહેરમાં આવેલા ‘બફેલો નિયાગ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ’ પર અચાનક જેટ ફ્યુઅલ (એવિએશન ઈંધણ) ખૂટી જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એરપોર્ટ પર ઇંધણની અછતને કારણે વિમાનોમાં રિફ્યુઅલિંગ (ફ્યુઅલ ભરવાની) કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે અનેક વિમાનો જ્યાં હતાં ત્યાં જ અટવાઈ પડ્યા છે. આ પરિસ્થિતિ ગંભીર બનતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા તુરંત NOTAM (Notice to Air Missions / Notice to Airmen) જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં જ્યારે પણ કોઈ એરપોર્ટ, રનવે અથવા એરસ્પેસમાં અસામાન્ય કે અસ્થાયી ઈમરજન્સી સ્થિતિ ઊભી થાય અને પાયલટોને ઉડાન ભરતા પહેલાં તેની જાણ કરવી જરૂરી હોય, ત્યારે NOTAM જાહેર કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્થિતિને પગલે યુએસની અગ્રણી એરલાઇન્સે પોતાના પાયલટોને ખાસ નિર્દેશ આપ્યા છે. જો કોઈ વિમાન બફેલો ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહ્યું હોય અથવા ત્યાં લેઓવર (રોકાણ) કરીને આગળનું ફ્યુઅલ ભરવાનું આયોજન હોય, તો તેણે નજીકના પાડોશી એરપોર્ટ પર રોકાઈને પૂરતું ફ્યુઅલ ભરી લેવું અથવા વધારાનું ઇંધણ સાથે રાખીને જ ઉડાન ભરવી.
ઈંધણ ખૂટી જવાનું અસલ કારણ શું?
બફેલો નિયાગ્રા ઇન્ટરનેશનલ એરપોર્ટ કદમાં નાનું હોવાથી ત્યાં પાઇપલાઇન દ્વારા નહીં પરંતુ ફ્યુઅલ ટેન્કર ટ્રકો દ્વારા જેટ ફ્યુઅલ પહોંચાડવામાં આવે છે. હાલમાં ફ્યુઅલ ખૂટી જવાનું કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ નિષ્ણાતોના મતે લોકલ ટર્મિનલના ઇક્વિપમેન્ટમાં કોઈ ખામી સર્જાઈ હોઈ શકે છે અથવા તો ફ્યુઅલની ગુણવત્તા (ક્વોલિટી) સંબંધિત કોઈ સમસ્યાના કારણે સપ્લાય રોકવામાં આવી હોઈ શકે છે.
USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ




