રાજેશ રાજવંશ
સ્વતંત્રતા આપવી જોઈએ, પણ તેની સાથે જવાબદારી પણ આપવી જોઈએ. સપના જોવાનું શીખવવું જોઈએ, પણ સપના અધૂરા રહે ત્યારે પણ ફરી ઊભા થવાનું શીખવવું જોઈએ. કારણ કે જીવનમાં દરેક વસ્તુ મળશે નહીં. કોઈને આઈફોન નહીં મળે. કોઈને મનપસંદ નોકરી નહીં મળે. કોઈનો પ્રેમ સફળ નહીં થાય. કોઈની પરીક્ષામાં અપેક્ષા પ્રમાણે પરિણામ નહીં આવે. કોઈનો ધંધો ચાલશે નહીં. કોઈ સંબંધ તૂટી જશે. કોઈ દિવસ પૈસા નહીં હોય. પરંતુ આમાંથી એકેય ઘટના જીવન કરતાં મોટી નથી. જીવનમાં હાર આવે તો ફરી પ્રયત્ન કરી શકાય. પૈસા જાય તો ફરી કમાઈ શકાય. નોકરી જાય તો બીજી મળી શકે. પ્રેમ તૂટે તો દિલ ફરી ધબકી શકે. મોબાઈલ તૂટે તો નવો ખરીદી શકાય. પરંતુ જિંદગી એક જ છે. તેનો રિપ્લેસમેન્ટ નથી.
આ મહારાષ્ટ્રની ઘટના આપણને આ જ વાત ફરીથી કહેવા આવી છે-કોઈપણ ક્ષણના ગુસ્સામાં, કોઈપણ વસ્તુની જીદમાં, કોઈપણ નિષ્ફળતામાં એવો નિર્ણય ન લેવો જે આખી જિંદગીનો દરવાજો બંધ કરી દે. યુવાનોને
ખાસ એક વાત કહેવાની છે- તમારી કિંમત તમારા મોબાઈલની કિંમત કરતાં અસંખ્ય ગણી વધારે છે. તમારા હાથમાં આઈફોન હોય કે સામાન્ય ફોન-તમારા સપનાઓની કિંમત ઓછી થતી નથી. તમારા પગમાં મોંઘા શૂઝ હોય કે સાદી ચપ્પલ-તમારી ચાલ નાની થતી નથી. તમારી પાસે બાઈક હોય કે સાયકલ-તમારી મંઝિલ દૂર થતી નથી. તમારા ઘરમાં અઈ હોય કે પંખો-તમારા વિચારોનું આકાશ નાનું થતું નથી. માણસની ઊંચાઈ તેની વસ્તુઓથી નક્કી થતી નથી. માણસ કેટલો ઊંચો છે એ તેના વિચારો નક્કી કરે છે.
આપણે બાળકોને મારે આઈફોન જોઈએ કહેતાં પહેલાં એક સવાલ પૂછવાનું શીખવવું પડશે-મારે જીવનમાં શું બનવું છે? આઈફોન ખરીદવા માટે પૈસા જોઈએ. પરંતુ જીવન બનાવવા માટે સંસ્કાર, શિક્ષણ, ધીરજ, મહેનત અને સમજ જોઈએ. ફોન તમને દુનિયા બતાવશે. પરંતુ જીવન તમને દુનિયા સમજાવશે. ફોન તમને માહિતી આપશે. પરંતુ અનુભવ તમને જ્ઞાન આપશે. ફોન તમને લોકો સાથે જોડશે. પરંતુ પ્રેમ તમને સંબંધો સાથે જોડશે. ફોનનો કેમેરો તમારો ચહેરો બતાવશે. પરંતુ તમારો અંતરાત્મા તમને તમારો સાચો ચહેરો બતાવશે. એટલે આજના યુગની સૌથી મોટી જરૂરિયાત કદાચ નવી પેઢીને નવો ફોન આપવાની નથી. નવી પેઢીને નવી વિચારસરણી આપવાની છે. સ્માર્ટફોન પહેલાં સ્માર્ટ મન જોઈએ. ટેકનોલોજી પહેલાં સંવેદના જોઈએ. સફળતા પહેલાં સંયમ જોઈએ. અને સૌથી
ઉપર- જિંદગી માટે જિંદગી પ્રત્યેનો પ્રેમ જોઈએ. એક દિવસ કદાચ આઈફોનનું નવું મોડલ આવશે. તેની સ્ક્રીન મોટી હશે, કેમેરો વધારે સારો હશે, પ્રોસેસર વધારે ઝડપી હશે. લોકો ફરી લાઈનમાં ઊભા રહેશે. જાહેરાતો ફરી કહેશે કે આ પહેલાં કરતાં વધુ અદભુત છે. પરંતુ કોઈ કંપની ક્યારેય એવો ફોન બનાવી શકશે નહીં જે ખોવાયેલા માતા-પિતાને પાછા લાવી શકે. કોઈ ટેકનોલોજી એવી નહીં આવે જે મૃત્યુ પામેલા સંતાનને ફરી ઘરની ઓટલે ઊભું કરી શકે. અને કોઈ ઊખઈં એવી નહીં હોય જેમાં જિંદગીની ખોટ ભરપાઈ થઈ શકે. એટલે કદાચ આજના દિવસનો સૌથી મોટો સંદેશ એક જ છે-આઈફોન ખરીદવો હોય તો ખરીદજો, પણ તેના માટે તમારી જિંદગી ક્યારેય વેચશો નહીં. મોબાઈલને સ્માર્ટ બનાવનાર ટેકનોલોજી છે. માણસને સ્માર્ટ બનાવનાર સમજ છે.
અને યાદ રાખજો-જિંદગી આઈફોન કરતાં ઘણી મોટી છે. માતા-પિતાનો પ્રેમ કોઈ બ્રાન્ડ કરતાં મોટો છે. અને માણસનું જીવન દુનિયાની કોઈ પણ વસ્તુ કરતાં અમૂલ્ય છે. ફોન બદલતા રહેજો. મોડલ બદલતા રહેજો. પરંતુ જીવન પ્રત્યેનો અભિગમ બદલશો નહીં. કારણ કે અંતે જ્યારે જીવનનો હિસાબ થશે ત્યારે કોઈ પૂછશે નહીં કે તમારી પાસે કયો ફોન હતો.
એક જ પ્રશ્ન રહેશે- તમે જે જીવન મળ્યું હતું, તેને કેટલું સુંદર બનાવી શક્યા ? અને કદાચ એ જ દુનિયાનો સૌથી મોટો સ્માર્ટફોન છે- સ્માર્ટ રીતે જીવેલું જીવન.
iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી




