સ્વ. કિશોરભાઈ ટીલારાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે એઇમ્સના નિષ્ણાતો આપશે સેવા
સ્થળ પર જ આયુષ્માન અને વયવંદના કાર્ડની સુવિધા
- Advertisement -
માનવ સેવા એ જ પ્રભુ સેવાના સેવામંત્રને ચરિતાર્થ કરવા તેમજ સ્વ. કિશોરભાઈ ટીલારાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિને જનસેવા સાથે જોડવાના શુભઆશયથી ધારાસભ્ય રમેશભાઈ ટીલારા દ્વારા વિશાળ વિનામૂલ્યે ‘મેગા સર્વ રોગ નિદાન કેમ્પ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય કાર્યાલય તેમજ એઈમ્સ (AIIMS) હોસ્પિટલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૨૯ ઓગસ્ટ ૨૦૨૬, શનિવારના રોજ સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા દરમિયાન પટેલવાડી (વાણીયાવાડી), જલારામ ચોક, રાજકોટ ખાતે આ મેગા કેમ્પ યોજાશે.
આ મેગા મેડિકલ કેમ્પમાં એઈમ્સ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાત તબીબો તેમજ જાણીતા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ દ્વારા દર્દીઓની વિનામૂલ્યે તપાસ કરી માર્ગદર્શન આપવામાં આવશે. કેમ્પમાં હૃદયરોગ, બ્લડ પ્રેશર, બાળરોગ, ન્યુમોનિયા, જનરલ મેડિસિન, ડાયાબિટીસ, થાઈરોઈડ, ચર્મરોગ, ખરજવું, વાળની સમસ્યા, જનરલ તેમજ ગેસ્ટ્રોસર્જરી (એપેન્ડિક્સ, હરસ-મસા, લીવર), કાન-નાક-ગળાના રોગો, વિવિધ કેન્સર (મોં, ગળું, સ્તન, ગર્ભાશય, પેટ), આંખના નંબર-મોતિયો-જામર, ફેફસાં-દમ-ટીબી, કિડની-પથરી-પ્રોસ્ટેટ, હાડકાં-સાંધા-કમરના દુઃખાવા, સ્ત્રીરોગ-વંધ્યત્વ તેમજ દાંતના રોગોનું સઘન નિદાન અને સારવાર સલાહ ઉપલબ્ધ બનશે.
આ ઉપરાંત કેમ્પમાં આવનાર લાભાર્થીઓ માટે સ્થળ પર જ સરકારી યોજના હેઠળના ‘આયુષ્માન કાર્ડ’ તેમજ વરિષ્ઠ નાગરિકો માટેના ‘વયવંદના કાર્ડ’ કાઢી આપવાની વિશેષ વ્યવસ્થા રાખવામાં આવી છે. આયુષ્માન કાર્ડ માટે આધાર કાર્ડ, મામલતદારનો આવકનો દાખલો, રેશનકાર્ડ અને મોબાઈલ નંબર તથા વયવંદના કાર્ડ માટે આધાર કાર્ડ, રેશનકાર્ડ અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે લાવવાના રહેશે.
સ્વ. કિશોરભાઈ ટીલારાની સ્મૃતિમાં આરોગ્યની સાથે પર્યાવરણ અને જળસંચય ક્ષેત્રે પણ કાયમી લોકસેવાના ભાગરૂપે ‘કિશોરભાઈ વન’ તથા ‘કિશોરભાઈ ચેકડેમ’નું નિર્માણ કરવાનો સંકલ્પ લેવાયો છે. ધારાસભ્ય રમેશભાઈ ટીલારાએ જણાવ્યું હતું કે, સ્વ. કિશોરભાઈના સેવાભાવને જનહિતના કાર્યો થકી જીવંત રાખી લોકોના જીવનમાં સીધો બદલાવ લાવવો એ જ સાચી શ્રદ્ધાંજલિ છે.
મેગા મેડિકલ કેમ્પનો સુચારુ લાભમેળવવા માટે દર્દીઓએ અગાઉથી નામ નોંધાવવું જરૂરી છે. નામ રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર ૯૩૧૬૭ ૫૨૩૭૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.




