ગુજરાતમાં ગરીબી છૂપાવવા રમત ?
ગુજરાત સરકાર દ્વારા સમૃદ્ધ અને વિકસિત રાજ્યના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ જમીનની હકીકત કંઈક અલગ જ ચિત્ર બતાવે છે. સરકારી ચોપડે ગરીબી ઓછી દર્શાવવા અને પોતાની સિદ્ધિઓનો ભ્રામક દેખાડો કરવા માટે ગરીબોના હક પર તરાપ મારવામાં આવી રહી છે. રાજ્યના અન્ન પુરવઠા વિભાગે છેલ્લા પાંચ વર્ષમાં કુલ મળીને ૩૩ હજાર અંત્યોદય રેશનકાર્ડ રદ કરી દીધા છે. કડવી વાસ્તવિકતા એ છે કે આજે પણ રાજ્યના ૭ લાખથી વધુ પરિવારો બે ટંકનું ભોજન મેળવવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે અને મફત અનાજ લેવા માટે લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.
- Advertisement -
રાજ્યમાં ગરીબી નિર્મૂલન કરવાના બદલે ગરીબોની સંખ્યા કાગળ પર ઘટાડવાની સરકારી રમત રમાઈ રહી હોય તેમ અંત્યોદય કાર્ડની સંખ્યામાં યેનકેન પ્રકારે ઘટાડો કરાઈ રહ્યો છે. વર્ષ ર૦ર૦માં ગુજરાતમાં ૮.૧૦ લાખ અંત્યોદય કાર્ડ ધારકો હતા, જે વર્ષ ૨૦૨૫માં ઘટીને માત્ર ૭.૭૭ લાખ થઈ ગયા છે. આમ, સીધી રીતે ૩૩,૦૦૦ ગરીબ પરિવારોને મળતું મફત અનાજ બંધ કરી દેવામાં આવ્યું છે. સરકાર કાર્ડ રદ કરીને પોતાની સિદ્ધિનો ઢોલ પીટી રહી છે, પરંતુ તેનાથી ગરીબોની સ્થિતિ વધુ દયનીય બની છે.
અંત્યોદય કાર્ડ સમાજના એવા અત્યંત વંચિત અને ગરીબ વર્ગને આપવામાં આવે છે જેમના માટે દૈનિક જીવન જીવવું પણ એક મોટો સંઘર્ષ છે. આ કાર્ડ મેળવનારાઓમાં ઝૂંપડપટ્ટીમાં દયનીય સ્થિતિમાં રહેતા પરિવારો, ગ્રામીણ વિસ્તારના નાના કારીગરો, રોજમદારો, જમીન વિહોણા ભૂમિહીન ખેતમજૂરો, નિરાધારો, વિધવાઓ અને ત્યક્તા મહિલાઓનો સમાવેશ થાય છે. આવા નબળા વર્ગ પાસેથી જ આજીવિકાનું સાધન સમાન રેશનકાર્ડ છીનવી લેવામાં આવી રહ્યા છે.
કેન્દ્રનો રિપોર્ટ અને મોટા પરિવારોની સ્થિતિ
કેન્દ્ર સરકારના એક રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં ગુજરાતમાં ૩૧.૮૯ લાખ પરિવારોએ અંત્યોદય કાર્ડના આધારે દર મહિને ૪૫ કિલો મફત અનાજ મેળવ્યું હતું. આ ઉપરાંત સામે આવેલી વિગતો મુજબ, ગુજરાતમાં ૩.૫૨ લાખ એવા ગરીબ પરિવારો છે જેમાં સભ્યોની સંખ્યા ૫ કે તેથી વધુ છે. મોટા પરિવારો અને આર્થિક તંગી વચ્ચે ૭ લાખથી વધુ પરિવારોને આજે પણ બે ટંક ખાવાના ફાંફા પડી રહ્યા છે.
- Advertisement -
વાહવાહી મેળવ્યા બાદ કાર્ડ રદ કરવા સરકાર સક્રિય
અગાઉ ૩૭.૬૧ લાખ ગરીબ પરિવારોને મફત અનાજ વહેંચીને સરકારે વાહવાહી અને પ્રશંસા મેળવી હતી, પરંતુ હવે એ જ કાર્ડ રદ કરવા માટે અન્ન પુરવઠા વિભાગ સક્રિય બન્યો છે. સરકાર ભલે કાગળ પર ગુજરાતને સમૃદ્ધ બતાવીને પોતાની પીઠ થાબડતી હોય, પરંતુ ગરીબોના મોંમાંથી કોળિયો છીનવીને ‘ગુજરાતમાં ગરીબી નથી અને તે વિકસિત રાજ્ય છે’ તેવું ભ્રામક ચિત્ર ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.




