જે.પી. મોર્ગનની ડરામણી ભવિષ્યવાણી
દુનિયા પર એક મોટું અને ભયંકર સંકટ તોળાઈ રહ્યું છે. પ્રખ્યાત ગ્લોબલ ફાઇનાન્સિયલ સંસ્થા જેપી મોર્ગન દ્વારા એક મોટી અને ગંભીર ચેતવણી આપવામાં આવી છે, જે મુજબ આવતા વર્ષે એટલે કે ૨૦૨૭માં દુનિયાએ એક મોટા અને વિનાશક ખાદ્ય સંકટનો સામનો કરવો પડી શકે છે. રિપોર્ટમાં આ સંકટ પાછળ કેટલાક મોટા કારણો દર્શાવવામાં આવ્યા છે અને એલર્ટ કરવામાં આવ્યું છે કે ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા દેશો પર આ સંકટની સૌથી ઘાતક અને ગંભીર અસરો જોવા મળશે. જેપી મોર્ગને આગામી સમયમાં વૈશ્વિક અન્ન સંકટ (અંગે ગંભીર ચેતવણી આપી છે. રિપોર્ટ અનુસાર, જિયો-પોલિટિકલ તણાવ, ખાતરની અછત અને આબોહવા પરિવર્તનના કારણે ૨૦૨૭ માં વિશ્વએ અન્ન પુરવઠાના એક નવા અને મોટા સંકટનો સામનો કરવો પડી શકે છે. આ સંકટની સૌથી વધુ અને ગંભીર અસર ભારત, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા પર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કૃષિ ખર્ચમાં સતત થઈ રહેલો વધારો અને પાક ઉત્પાદનમાં ઘટાડો આ વૈશ્વિક સંકટને ઘેરૂ બનાવશે. આ ગ્લોબલ ફૂડ ક્રાઇસિસના કારણે દુનિયાભરમાં મોંઘવારીનો આંકડો ભયજનક સપાટીએ પહોંચી શકે છે. જેપી મોર્ગનના અંદાજ મુજબ, ૨૦૨૭ના પ્રથમ છ મહિનામાં વૈશ્વિક મોંઘવારી વધીને લગભગ ૫% સુધી પહોંચી શકે છે, જે વર્ષ ૨૦૨૬ના સમાન સમયગાળામાં માત્ર ૨.૮% હતી. આ ચેતવણી માત્ર અચાનક અનાજ ખૂટી પડવા વિશે નથી, પરંતુ ખેડૂતોને ઉત્પાદન ખર્ચમાં થતો વધારો અને હવામાનમાં આવતા બદલાવના કારણે પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે. જો આ ચેતવણી સાચી પડશે તો વિકાસશીલ દેશોમાં પરિવારોને તેમની આવકનો મોટો હિસ્સો માત્ર ભોજન પાછળ જ ખર્ચ કરવો પડશે. ભારતમાં નબળા કે અનિયમિત ચોમાસાની સીધી અસર ડાંગર, કઠોળ, તેલીબિયાં, કપાસ અને શેરડી જેવા વરસાદ પર આધારિત પાકો પર પડી શકે છે. જેપી મોર્ગન અનુસાર, ભારત સામે માત્ર અનાજના પૂરતા જથ્થાનો જ પ્રશ્ન નથી, પરંતુ ખાતર અને ઉર્જા બજારની ભારે અસ્થિરતા વચ્ચે ખેડૂતો માટે પોસાય તેવા ખર્ચે ઉત્પાદન જાળવી રાખવું એ એક મોટો પડકાર બની રહેશે. ખેતરોમાં ઓછું ઉત્પાદન થવાથી સ્થાનિક પુરવઠો ઘટશે અને અંતે છૂટક મોંઘવારીમાં ભારે વધારો નોંધાશે.




