હેમંતસિંહ વાઢેર અને પ્રમોદ ભટ્ટને 7 દિવસમાં મિલકતના દસ્તાવેજ રજૂ કરવા ઓખા નગરપાલિકાની નોટિસ
યાત્રાધામ બેટ દ્વારકામાં સરકારી તથા ગૌચર જમીન પર કથિત દબાણ અંગે ઉચ્ચ કક્ષાએ થયેલી રજૂઆતો બાદ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આ ચકચારી મામલે ઓખા નગરપાલિકા દ્વારા બેટ દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી હેમંતસિંહ વાઢેર અને પ્રમોદભાઈ ભટ્ટને અલગ-અલગ નોટિસ પાઠવી આગામી ૭ દિવસમાં તેમની મિલકત અંગેના માલિકી હક્કના આધાર-પુરાવા અને મંજૂરી સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા જારી કરાયેલા પત્ર બાદ બેટ દ્વારકામાં ભારે ચર્ચા જાગી છે. ધાર્મિક અને જાહેર મહત્વ ધરાવતી દેવસ્થાન સમિતિમાં હોદ્દો ધરાવતા આગેવાનોની મિલકતો અંગે જમીન દબાણની તપાસ શરૂ થતાં અનેક સવાલો ઊભા થયા છે. જો તપાસના અંતે સરકારી કે ગૌચર જમીન પર ગેરકાયદે દબાણ સાબિત થશે, તો માત્ર દબાણ હટાવવાની કાર્યવાહી થશે કે તેમના ટ્રસ્ટીપદ સામે પણ કાયદેસરના પગલાં લેવાશે તે અંગે પંથકમાં મોટો ગણગણાટ શરૂ થયો છે.
સંબંધિત તંત્ર દ્વારા સ્પષ્ટ કરાયું છે કે હાલ માત્ર ફરિયાદના આધારે દસ્તાવેજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે અને કોઈ આખરી નિષ્કર્ષ આવ્યો નથી. બેટ દ્વારકા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર હોય, સરકારી કે ગૌચર જમીન પરના દબાણ અંગે પારદર્શક તપાસ થાય અને કાયદા મુજબ જ કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. ઓખા નગરપાલિકા અને મહેસૂલી તંત્રની તપાસમાં કયા દસ્તાવેજ સામે આવે છે અને આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે.




