સરકારના નિયમો ફાઇલોમાં કેદ, જૂનિયર સ્ટુડન્ટસ અસુરક્ષિત
હર્ષ પંડ્યાને કલાકો સુધી રૂમમાં ગોંધી રાખતા, અમે તારા બોસ છીએ કહી માનસિક ત્રાસ આપતા હતા
- Advertisement -
સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત સરકારી મેડિકલ કોલેજના બોયઝ પી.જી હોસ્ટેલમાં ૨૯ વર્ષીય રેસિડન્ટ ડોક્ટર દ્વારા ફાંસો ખાઈ આપઘાત કરવાના બનાવમાં રેગિંગ જવાબદાર હોવાનું બહાર આવતા ચકચાર મચી છે. રાજ્યના આરોગ્ય મંત્રીના શહેરમાં રેગિંગની ઘટનાને પગલે ૨૪ કલાકમાં તપાસ પૂર્ણ કરીને ચાર સિનિયર રેસિડન્ટ ડોક્ટરને ૬ મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ સહિત તમામ પ્રવૃત્તિમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે માઇક્રો બાયોલોજી વિભાગના વડા સહિત ચાર ફેકલ્ટીને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
સિનિયર રેસિડન્ટ ડોક્ટર્સ ડો. નિરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. દીક્ષિતા ઘેવરિયા અને ડો. હિના ભુત દ્વારા જુનિયર ડો. હર્ષ પંડયાને અપશબ્દો કહેવામાં આવતા હતા. કલાકો સુધી રૂમમાં ગોંધી રાખવામાં આવતો હતો. ‘અમે તારા બોસ છીએ’ તેમ કહીને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મેન્ટલ હેરેસમેન્ટ, લેક ઓફ ડિસેન્સી અને વર્બલ એબ્યુઝડ આ ત્રણ મુદ્દે રેગિંગ પુરવાર થયું છે. ડો. હર્ષ પંડયાએ શનિવારે રાત્રિ દરમિયાન બોયઝ પીજી હોસ્ટેલના રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. મૂળ અરવલ્લીના મોડાસાના વતની એવા હર્ષના આપઘાતને પગલે ચકચાર મચી હતી. મૃતકના પિતાએ ફોરેનિસક પોસ્ટમોર્ટમ માટે માંગણી કરી હતી.
આરોગ્ય મંત્રી પ્રફલ્લ પાનશેરીયાની સૂચના બાદ વિશેષ તપાસ કમિટી રચવામાં આવી હતી. કમિટી દ્વારા ૨૪ કલાકમાં તપાસ પૂર્ણ કરવામાં આવી છે, અને તેમાં ચાર સિનિયર રેસિડન્ટ ડોક્ટરો દ્વારા ડો. હર્ષ પંડયાનું રેગિંગ કરાયાની પુષ્ટિ થઈ છે. સિનિયર ડોક્ટરો દ્વારા હર્ષ પંડયાને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. કમિટીના તપાસ રિપોર્ટ બાદ ચાર સિનિયર રેસિડન્ટ ડોક્ટર નિરાલી વસાવે, અનુજ મહેશ્વરી, દીક્ષિતા ઘેવરિયા અને હિના ભુતને ૬ મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ અને તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
- Advertisement -
સરકારી મેડિકલ કોલેજોમાં જ વધુ રેગિંગ : કોલેજો-યુનિ.ઓની પણ જવાબદારી નક્કી કરાઈ છતાં પગલાં નહીં
ગુજરાતની ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની કોલેજોમાં રેગિંગની ઘટનાઓને રોકવા માટે શિક્ષણ વિભાગે માર્ચ ૨૦૨૪માં ઠરાવ કરીને જાહેર કરેલા નિયમોમાં કોલેજોથી માંડી યુનિ.ઓની પણ જવાબદારી નક્કી કરાઈ હતી. ૨૦૦૯માં સુપ્રીમકોર્ટની ગાઈડલાઈન બાદ યુજીસીથી માંડી નેશનલ મેડિકલ કમિશન દ્વારા પણ દર વર્ષે અને અત્યાર સુધીમાં અનેકવાર રેગિંગ મુદ્દે સંસ્થાઓને પરિપત્રો કરાયા છે. છતાં પણ રેગિંગની ઘટનાઓ છાશવારે બને છે અને તે પણ સૌથી વધુ સરકારી મેડિકલ કોલેજોમાં જ બને છે. સરકારે લાગુ કરેલા નિયમોમાં એન્ટી રેગિંગ કમિટી, એન્ટી રેગિંગ સ્કવોડ અને મોનિટરિંગ સેલ બનાવવાનો આદેશ કરાયો હતો. જો કે તમામ કોલેજોમાં કમિટી અને સ્કવોડ તો છે પરંતુ છતાં કેમ રેગિંગની ઘટના બને છે તે મોટો પ્રશ્ન છે.
રેગિંગની 26% ફરિયાદ મેડિકલ કોલેજમાંથી
ગુજરાતમાં વર્ષ ૨૦૧૨થી ૨૦૨૨ દરમિયાન રેગિંગની ૧૦૫ જયારે વર્ષ ૨૦૨૨થી ૨૦૨૬માં ૮૬ ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતની કુલ રેગિંગ ફરિયાદ પૈકી ૨૬ ટકાથી વધુ માત્ર મેડિકલ કોલેજમાંથી મળી છે. સ્ટેટ ઓફ રેગિંગ ઇન ઇન્ડિયા ૨૦૨૨-૨૦૨૪ રિપોર્ટમાં ચોંકાવનારો મૃત્યુઆંક સામે આવ્યો છે. રેગિંગ સંબંધિત કિસ્સાઓમાં દેશમાં ૫૧ વિદ્યાર્થીઓના મોત થયા છે, તે પૈકી ૨૩ મૃત્યુ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના હતા. વર્ષ ૨૦૨૨-૨૦૨૪માં કુલ રેગિંગ સંબંધિત મૃત્યુના ૪૫.૧% મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના હોય છે. રિપોર્ટ મુજબ ત્રણ વર્ષમાં દેશની ૧૯૪૬ કોલેજમાં ૩૧૫૬ રેગિંગની ફરિયાદ નોંધાઈ છે.




