૨૯ ઓગસ્ટ, ૨૦૦૭થી શરૂ થયેલી ૧૦૮ ઈમરજન્સી સેવા ગુજરાતની ‘લાઈફલાઈન’ બની
૬૨.૯૭ લાખથી વધુ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત કેસોમાં સમયસર મદદ પહોંચાડી
- Advertisement -
રોજ સરેરાશ ૪,૭૮૦ દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડતી આ નિઃશુલ્ક સેવા આજે આરોગ્યલક્ષી જીવનરેખા બની છે
૧૩:૦૯ મિનિટનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ : માતા-બાળ સુરક્ષાથી લઈ અકસ્માત અને હાર્ટ એટેક સુધી પ્રિ-હોસ્પિટલ કેરમાં મહત્વપૂર્ણ યોગદાન
ગુજરાતમાં કટોકટીની ઘડીએ એક ફોન સાથે મદદ માટે દોડી આવતી ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસે પોતાની સેવાકીય યાત્રાના ૧૯ વર્ષ પૂર્ણ કરીને ૨૦માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. તા. ૨૯ ઓગસ્ટ, ૨૦૦૭ના રોજ શરૂ
થયેલી આ સેવા આજે માત્ર એમ્બ્યુલન્સ સેવા પૂરતી સીમિત રહી નથી, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં દર્દીને મળતી ‘પ્રિ-હોસ્પિટલ કેર’ની સમગ્ર વ્યવસ્થાના રૂપમાં વિકસી છે. અત્યાર સુધીમાં ૧૦૮ દ્વારા ૧ કરોડ ૯૯ લાખથી
વધુ ઈમરજન્સી કેસમાં પ્રતિસાદ આપી લાખો પરિવારો માટે આ સેવા સાચા અર્થમાં ‘લાઈફલાઈન’ બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચારથી ગુજરાતમાં વાવેલો ૧૦૮ સેવાનો નાનો છોડ આજે ૧૯ વર્ષમાં વિશાળ
વટવૃક્ષ બની ગયો છે. આપત્તિ, અકસ્માત, ગંભીર બીમારી, પ્રસૂતિ કે અન્ય કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં રાજ્યના શહેરોથી લઈને છેવાડાના ગામડાં સુધી નાગરિકોને ૨૪ કલાક નિઃશુલ્ક ઈમરજન્સી સેવા ઉપલબ્ધ કરાવવામાં
આવી રહી છે.
- Advertisement -
૧૦૮ સેવાની કાર્યક્ષમતાનો અંદાજ એ વાત પરથી આવે છે કે ૧૦૮ નંબર પર આવતા આશરે ૯૯ ટકા ફોન કોલ્સનો પ્રથમ બે રિંગમાં જ પ્રતિસાદ આપવામાં આવે છે. રાજ્યભરમાં સરેરાશ દર ૨૧ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ
ઈમરજન્સી કેસ માટે રવાના થાય છે. સેવાનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ ૧૩ મિનિટ ૯ સેકન્ડ નોંધાયો છે. આ ઝડપી પ્રતિસાદ પાછળ આધુનિક ટેકનોલોજી અને સુવ્યવસ્થિત ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
અમદાવાદના નરોડા-કઠવાડા ખાતે ૧૫ એકરના વિશાળ વિસ્તારમાં સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત છે. અહીં મેડિકલ, પોલીસ અને ફાયર સહિતની કટોકટી માટે ૨૪ કલાક કામગીરી કરવામાં આવે છે.
સમયનો વ્યય ટાળવા માટે અદ્યતન CAD એપ્લિકેશન અને લોકેશન બેઝ્ડ સર્વિસનો ઉપયોગ કરવામાં આવે છે. પરિણામે કોલ કરનારનું લોકેશન ઓટોમેટિક રીતે પ્રાપ્ત થઈ શકે છે અને નજીકની ઉપલબ્ધ એમ્બ્યુલન્સને
તાત્કાલિક રવાના કરવાની પ્રક્રિયા સરળ બને છે. નાગરિકોની સુવિધા માટે ‘૧૦૮ સિટિઝન મોબાઈલ એપ્લિકેશન’ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત દેશમાં પ્રથમ વખત પેપરલેસ ૧૦૮ ઈમરજન્સી સેવા અને એમ-ગવર્નન્સ જેવી
ટેકનોલોજી આધારિત સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓગસ્ટ ૨૦૨૬ સુધીના આંકડા પ્રમાણે ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા કુલ અંદાજે ૧ કરોડ ૯૯ લાખ ઈમરજન્સી કેસોમાં ત્વરિત સેવા પૂરી પાડવામાં આવી છે. તેમાં આશરે ૧ કરોડ ૯૬ લાખ ૪૨ હજારથી વધુ મેડિકલ ઈમરજન્સી
કેસ, ૨ લાખ ૫૫ હજારથી વધુ પોલીસ સંબંધિત ઈમરજન્સી કેસ અને ૮,૩૦૦થી વધુ ફાયર ઈમરજન્સી કેસોનો સમાવેશ થાય છે. આ ૧૯ વર્ષની સેવાયાત્રા દરમિયાન ૧૯ લાખ ૬૬ હજારથી વધુ ગંભીર સ્થિતિમાં રહેલી માનવ
જિંદગીઓને બચાવવામાં સફળતા મળી છે. જ્યારે ૧૦૮ એમ્બ્યુલન્સના કાફલાએ અત્યાર સુધીમાં ૬૨ કરોડથી વધુ કિલોમીટરનું સંચાલન કર્યું છે. દરરોજ સરેરાશ ૪,૭૮૦ જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડતી આ નિઃશુલ્ક
સેવા આજે ગુજરાતના દરેક ખૂણે પહોંચેલી આરોગ્યલક્ષી જીવનરેખા બની છે.
માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના રાજ્ય સરકારના પ્રયાસોમાં ૧૦૮ સેવાનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ૧૯ વર્ષમાં ૬૨ લાખ ૯૭ હજારથી વધુ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંબંધિત કેસોમાં ૧૦૮ દ્વારા ઈમરજન્સી મદદ પૂરી
પાડવામાં આવી છે. આ દરમિયાન તાલીમબદ્ધ એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા ઘટનાસ્થળે અથવા હોસ્પિટલ તરફના માર્ગમાં જ ૧ લાખ ૬૪ હજાર ૭૧૫થી વધુ પ્રસૂતિઓ સફળતાપૂર્વક કરાવવામાં આવી છે. આ પ્રકારની પરિસ્થિતિમાં
તાત્કાલિક તબીબી મદદ અને તાલીમબદ્ધ સ્ટાફની ઉપલબ્ધતાએ અનેક માતા અને નવજાત શિશુ માટે નિર્ણાયક ભૂમિકા ભજવી છે. માર્ગ અકસ્માતોના ૨૪ લાખ ૧૮ હજારથી વધુ કેસોમાં, શ્વાસ સંબંધિત ગંભીરતાના ૧૧ લાખ
૭૭ હજારથી વધુ કેસોમાં તથા હૃદયરોગના હુમલાના ૯ લાખ ૮૭ હજારથી વધુ કેસોમાં ૧૦૮ દ્વારા તાત્કાલિક સેવા પૂરી પાડવામાં આવી છે. ગંભીર દર્દીઓ માટે ‘ગોલ્ડન અવર’ અત્યંત મહત્વપૂર્ણ હોય છે ત્યારે એમ્બ્યુલન્સમાં
મળતી પ્રિ-હોસ્પિટલ કેર અને સમયસર હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી અનેક કિસ્સાઓમાં જીવન બચાવવા માટે નિર્ણાયક બની રહે છે.
દરિયાઈ બોટથી એર એમ્બ્યુલન્સ સુધી નવી પહેલ
ગુજરાતની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ૧૦૮ સેવામાં નવીન પહેલો પણ ઉમેરવામાં આવી છે. તા. ૨૧ માર્ચ, ૨૦૨૨થી GUJSAIL અને GVK EMRIના સંકલનમાં સમગ્ર ભારતમાં પ્રથમ વખત સંકલિત ‘એર
એમ્બ્યુલન્સ સેવા’ શરૂ કરવામાં આવી હતી. દરિયામાં કામ કરતા માછીમારોને પણ ઈમરજન્સી આરોગ્ય સેવા ઝડપથી મળી રહે તે માટે પોરબંદર અને ઓખા બંદર ખાતે વિશેષ બોટ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે.
આમ, જમીનથી લઈને દરિયા અને આકાશ સુધી ઈમરજન્સી મેડિકલ સેવા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
‘૧૧૨’ હેલ્પલાઈનનું પણ એક વર્ષ પૂર્ણ
ગુજરાતમાં નાગરિકોને વિવિધ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મળી રહે તે માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે શરૂ કરવામાં આવેલી એકીકૃત ઈમરજન્સી હેલ્પલાઈન ‘૧૧૨’ની સેવાએ પણ એક વર્ષ
પૂર્ણ કર્યું છે. એક વર્ષ દરમિયાન ૧૧૨ હેલ્પલાઈન દ્વારા ૧૦ લાખથી વધુ ઈમરજન્સી કોલ્સ એટેન્ડ કરવામાં આવ્યા છે. કંટ્રોલ રૂમ દ્વારા સરેરાશ દર મિનિટે ૧૦ જેટલા કોલ્સનો પ્રતિસાદ આપવામાં આવ્યો છે અને ગણતરીની
મિનિટોમાં પોલીસ અથવા સંબંધિત મદદ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
૨૪ કલાક ફરજ બજાવતા કર્મચારીઓ સાચા અર્થમાં હીરો છે
૧૦૮ અને ૧૧૨ જેવી સેવાઓની સફળતા પાછળ માત્ર ટેકનોલોજી કે વાહનો જ નહીં, પરંતુ ચોવીસ કલાક ફરજ બજાવતા હજારો કર્મચારીઓની કામગીરી પણ મહત્વપૂર્ણ છે. કોલ સેન્ટરના એજન્ટ્સ, એમ્બ્યુલન્સના પેરામેડિકલ
સ્ટાફ, ડ્રાઇવરો તેમજ પોલીસ કર્મચારીઓ દિવસ-રાત અને વર્ષના ૩૬૫ દિવસ કોઈપણ રજા વિના કટોકટીની ઘડીએ પોતાની ફરજ બજાવે છે. નાગરિકની મુશ્કેલીની ઘડીએ સૌથી પહેલાં મદદ માટે પહોંચતા આ કર્મચારીઓ
ગુજરાતના સાચા અર્થમાં ‘અદૃશ્ય હીરો’ છે. ૧૯ વર્ષ પૂર્ણ કરી ૨૦મા વર્ષમાં પ્રવેશેલી ૧૦૮ સેવા અને એક વર્ષ પૂર્ણ કરેલી ૧૧૨ હેલ્પલાઈન આગામી સમયમાં પણ ઝડપી, ટેકનોલોજી આધારિત અને જીવન બચાવતી
ઈમરજન્સી સેવાઓને વધુ મજબૂત બનાવે તેવી અપેક્ષા છે.




