સિવિલમાં 4 સિનિયર ડૉકટર 6 મહિના માટે સસ્પેન્ડ, ચાર ફેકલ્ટીને નોટીસ : તપાસ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા
સુરતની નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં ૩૦ વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના રહસ્યમય આપઘાતમાં ચોકાવનારો ખુલાસો થયો છે. પોલીસ અને કોલેજ તંત્રની તપાસમાં મૃતક હર્ષ પંડયાનું ૪ સિનિયર રેસિડેન્ટ વિદ્યાર્થીઓ દ્વારા
રેગિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. રેગિંગનો ખુલાસો થતાં જ ચારેય આરોપી સિનિયર વિદ્યાર્થીઓને ૬ મહિના માટે હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ તમામ ટીચિંગ એક્ટિવિટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. ડો. હર્ષ પંડયાના
આપઘાતની ઘટનામાં રાજ્ય સરકારના કડક નિર્દેશો હેઠળ ત્વરિત અને પારદર્શક તપાસ હાથ ધરાઈ. આ ગંભીર મામલે સિવિલ હોસ્પિટલના ડીન ડો. જયેશ બ્રહાભટ્ટ અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી
ઉચ્ચસ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના નવ રેસિડેન્ટ ડોક્ટર્સ અને મૃતકના પિતાની ફરિયાદના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા. રાત્રે ૮.૩૦થી સવારના ૦૪.૦૦ વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં
માઈક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, ટેકનિશિયન તથા સફાઈકર્મીઓના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સુપરત કરવામાં આવ્યો હતો. કમિટીના અહેવાલના આધારે
શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ ચાર રેસિડેન્ટ ડોક્ટરો (૧) ડો. નિરાલી વસાવે, (૨) ડો. અનુજ મહેશ્વરી, (૩) ડો. દીક્ષિતા ઘેવરિયા અને (૪) ડો. હિના ભુતને ૬ માસ માટે સસ્પેન્ડ કરી તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવા તેમજ
કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ ન લેવા સખત આદેશ કરાયો છે. આ સાથે જ માઈક્રોબાયોલોજી વિભાગના વડા ડો. સુમૈયા મુલ્લા સહિત ચાર ફેકલ્ટી સભ્યો ડો. સંગીતા રાજદે, ડો. યોગિતા મિસ્ત્રી અને ડો. લતિકા પુરોહિતને
શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. એન્ટી રેગિંગ કમિટીના આ સમગ્ર રિપોર્ટને કોલેજ કાઉન્સિલ દ્વારા સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી નિંદનીય ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ગંભીર
સમીક્ષા કરી વહેલી સવારે રાજ્ય સરકારને સત્તાવાર અહેવાલ સુપરત કરી દેવામાં આવ્યો છે.
- Advertisement -
સુરત નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડયાએ ૯ ઓગસ્ટે હોસ્ટેલમાં આપઘાત કરી લીધો. બનાવની જાણ થતાં જ અરવલ્લીના મોડાસાથી તેમના
પિતા, પિતરાઈ ભાઈ સહિતના સ્વજનો તાત્કાલિક સુરત સિવિલ દોડી આવ્યા હતા. આ ઘટનામાં રેસિડેન્ટ તબીબોનું રેગિંગ થતું હોવાનું મુદ્દો ઉછળ્યો હતો અને મૃતકના પરિવારજનોએ પણ રેગિંગથી જ હર્ષે આપઘાત કર્યાનો
આક્ષેપો કર્યા હતો. પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર પંડયાએ જણાવ્યું કે, ડો. હર્ષ છેલ્લા છ મહિનાથી અહીં પીજીના પહેલા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે બહુ શાંત, જવાબદાર અને પ્રામાણિક હતો.
હર્ષની થોડા મહિના પહેલાજ સગાઈ થઈ હતી. તેણે પોતાનો MBBSનો અભ્યાસ ફિલિપાઈન્સથી પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ સારી નોકરી પણ કરી હતી. તેમના પિતા ધનસુરા સિવિલ હોસ્પિટલમાંથી ક્લાસ-૧ MS, જનરલ
સર્જન તરીકે નિવૃત્ત થયેલા છે અને તેમણે પોતે પણ સુરત હોસ્પિટલમાંથી જ અભ્યાસ કર્યો હતો. વધુમાં ધર્મેન્દ્ર પંડયાએ કહ્યું કે, હર્ષના સાથી વિદ્યાર્થીઓ અને કલીગ્સના નિવેદનો પરથી તેમના સિનિયરોની ટોક્સિસિટી અને
માનસિક ત્રાસ સામે આવી રહ્યો છે. સીનિયરોના દબાણ કે માનસિક ત્રાસના કારણે જ હર્ષે આવું આત્યંતિક પગલું ભર્યાની તેઓને શંકા હતી, જે તપાસમાં સાચી ઠરી. મૃતકના સંબંધી શૈલેષ પાઠકે જણાવ્યું કે. શરૂઆતમાં આઘાત
અને માનસિક સ્થિતિ ઠીક ન હોવાને કારણે પરિવારે પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપી દીધી હતી, પરંતુ બાદમાં શંકા જતાં તેમણે ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસમાં રૂબરૂ રજૂઆત કરી રિ-પીએમ અને ફોરેન્સિક પીએમની
માગણી કરી હતી. હાલ પીએમ અને FSL તપાસની પ્રક્રિયા હાથ ઘરવામાં આવી છે.




