આરોપીએ લંગડાતા સ્ટ્રેચર પરથી સાહેબ એકવાર માફ કરી દો કહી પોલીસ સમક્ષ માફીની ભીખ માગી
પંચનામા સમયે રિવોલ્વર ઝુંટવી ભાગવાનો પ્રયાસ કરતાં પગમાં વાગી ગોળી, કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત
- Advertisement -
અમદાવાદના ચર્ચિત જોધપુર દુષ્કર્મ કેસના આરોપી ધર્મસિંહે મધરાતે પંચનામાની કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલા પર અચાનક હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં ચલાવેલી ગોળી આરોપીના
પગમાં વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો. ઝપાઝપીમાં એક પોલીસકર્મી પણ ઘાયલ થતાં બંનેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા.
હોસ્પિટલ પહોંચેલા આરોપીએ પહેલા લંગડાતા અને સ્ટ્રેચર પરથી પણ બંને હાથ જોડી સતત પોલીસ સમક્ષ માફીની ભીખ માગતા-માગતા એક જ વાતનું રટણ કર્યું હતું કે, ‘સાહેબ હવે પછી આવું નહી થાય, એકવાર માફ કરી
દો…’. ફાયરિંગની આ ગંભીર ઘટનાને પગલે જેસીપી અને ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિવિલ દોડી ગયા હતા.
આનંદનગર પોલીસ દુષ્કર્મના આરોપી ધર્મસિંહને લઈને પંચનામુ કરવા હેબતપુર ખાતે ગઈ હતી. જ્યાંથી આરોપીએ ફેંકેલા 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. આ દરમિયાન પોલીસનું પંચનામુ ચાલી રહ્યું હતું ત્યારે આરોપી
ધર્મસિંહે પીઆઇ આર.એસ પરમારની પિસ્તોલ ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પીઆઇએ પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રાઠોડને સાથળના ભાગે ગોળી વાગી હતી.
- Advertisement -
આરોપી પોલીસ સાથે ઝપાઝપી કરતા બીજો રાઉન્ડ ફાયર થયો હતો જેમાંથી ગોળી આરોપીના પગમાં વાગી હતી. પોલીસ કોન્સ્ટેબલ અને આરોપી ઇજાગ્રસ્ત થયા હોવાથી પોલીસની ગાડીમાં જ બંનેને સોલા સિવિલ હોસ્પિટલ
લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પીઆઇ આર.એસ પરમારે આરોપી ધર્મસિંહ વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેની તપાસ બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જી ખાંભલા ચલાવી રહ્યા છે.




