સોફ્ટબોલ મેદાન પર 180 ખેલાડીઓનો ઉત્સાહ અને રમતકૌશલ્ય છવાયું
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ની આંતર કોલેજ સોફ્ટબોલ (ભાઈઓ અને બહેનો) સ્પર્ધાનું ભવ્ય અને સફળ આયોજન એચ. એન્ડ એચ. બી. કોટક ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ દ્વારા યુનિવર્સિટીના સ્વામી વિવેકાનંદ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાંથી અંદાજે ૧૮૦ જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની તકનીકી કુશળતા અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધા દરમિયાન રોમાંચક મુકાબલા બાદ જાહેર થયેલા પરિણામો મુજબ, ભાઈઓ અને બહેનો બંને વિભાગમાં હરિવંદના કોલેજે શ્રેષ્ઠ પ્રદર્શન દાખવી પ્રથમ સ્થાન (ચેમ્પિયન) હાંસલ કર્યું હતું. આ સ્પર્ધાના ઉદ્ઘાટન અને પ્રેરક ઉપસ્થિતિ તરીકે ડૉ. એચ. બી. રાબા તથા ડૉ. એચ. આર. ભાલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને રમતગમત દ્વારા શિસ્ત, નેતૃત્વ અને સંઘભાવના જેવા મૂલ્યો કેળવવા પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટનું સંચાલન યુનિવર્સિટી દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વર ડૉ. ભાવિન કનેરિયાની દેખરેખ હેઠળ નિષ્પક્ષ રીતે સંપન્ન થયું હતું. આ સમગ્ર આયોજન ડૉ. આર. સી. વિરડિયાના માર્ગદર્શન હેઠળ તેમજ ડૉ. એસ. આર. પરવાડિયાના કુશળ દોરીસંચારથી સફળ રહ્યું હતું. વિજેતા ટીમોને મહાનુભાવોના હસ્તે ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સફળ આયોજન બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોષી, રજિસ્ટ્રાર ડૉ. અજયસિંહ જાડેજા તથા ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ બી. રાબાએ આયોજક કોલેજ, સ્ટાફ અને વિજેતા ટીમોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.




