2026ના પ્રથમ 7 માસમાં જ 51.52 લાખથી વધુ ઇ-ચલણ ઇશ્યૂ થયાં
રાજ્યમાં મિનિટે 17 અને કલાકે 1020 ચલણ ફાટે છે
- Advertisement -
બાકી દંડની રકમમાં ગુજરાત દેશમાં 7માં ક્રમે
રાજ્યસભામાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલાં નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના આંકડા અનુસાર, ૧ જાન્યુઆરી ૨૦૨૧થી ૩૦ જુલાઈ ૨૦૨૬ દરમિયાન ગુજરાતમાં કુલ રૂ.
૧,૬૦૭.૬૪ કરોડનાં ઈ-ચલણ ચૂકવવાના બાકી છે. આટલી મોટી રકમનો ટ્રાફિક દંડ વસૂલવાનો બાકી હોવાનાં મામલે ગુજરાત સમગ્ર દેશમાં ૭મા સ્થાને આવે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ ૧.૯૯ કરોડથી વધુ
ઈ-ચલણ ઈશ્યૂ કરવામાં આવ્યાં છે. દેશમાં સૌથી વધુ બાકી ઈ-ચલણની યાદીમાં ઉત્તર પ્રદેશ રૂ. ૧૧,૩૩૧ કરોડથી વધુની રકમ સાથે પ્રથમ ક્રમે છે.
ત્યારબાદ દિલ્હી (રૂ. ૧૧,૦૯૭.૦૭ કરોડ), તામિલનાડુ (રૂ. ૩,૬૦૧.૭૬ કરોડ), હરિયાણા (રૂ. ૨,૬૨૦.૫૩ કરોડ), ઓડિશા (રૂ. ૨,૧૬૭.૫૨ કરોડ) અને રાજસ્થાન (રૂ. ૨,૦૬૬.૯૧ કરોડ)નો નંબર આવે છે. ગુજરાતમાં ઈ-ચલણ
સિસ્ટમનો ઉપયોગ છેલ્લા ત્રણ વર્ષમાં ખૂબ ઝડપથી વધ્યો છે. વર્ષ ૨૦૨૩માં ૧૬ લાખ ચલણ ઈશ્યૂ થયા હતા, જે ૨૦૨૪માં વધીને ૪૩.૨૫ લાખ અને ૨૦૨૫માં બમણા થઈને ૮૫.૭૪ લાખ સુધી પહોંચી ગયા હતા. જયારે વર્ષ
૨૦૨૬ના પ્રથમ સાત મહિનામાં જ (૩૦ જુલાઈ સુધી) ઓથોરિટી દ્વારા ૫૧.૫૨ લાખથી વધુ ઈ-ચલણ જારી કરી દેવાયા છે. ઈ-ચલણ ઈશ્યૂ કરવાનાં મામલે ગુજરાત દેશમાં પાંચમાં ક્રમે છે.
- Advertisement -
વર્ષ ૨૦૨૬ના આંકડાનું વિશ્લેષણ કરીએ તો રાજ્યમાં દૈનિક ધોરણે સરેરાશ ૨૪,૫૦૦ ચલણ, કલાકનાં ૧,૦૨૦ ચલણ અને દર મિનિટે સરેરાશ ૧૭ ચલણ કાપવામાં આવી રહ્યાં છે. આ આંકડા દર્શાવે છે કે સીસીટીવી કેમેરા અને
ડિજિટલ સિસ્ટમ દ્વારા ટ્રાફિક નિયમોનાં ઉલ્લંઘન પર કડક નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં સૌથી વધુ ચલણ સ્ટોપ-લાઈન વાયોલેશન અને હેલ્મેટ વગર વાહન ચલાવવા બદલ ઈશ્યૂ થાય છે.
ટ્રાફિક વિભાગ માટે સૌથી મોટો પડકાર આ દંડની રકમ વસૂલ કરવાનો છે. એક સિનિયર ટ્રાફિક અધિકારીનાં જણાવ્યા મુજબ, માત્ર ૧૫ ટકા વાહનચાલકો જ સામેથી પોર્ટલ ચકાસીને દંડ ભરે છે, જ્યારે બાકીનાં મોટાભાગનાં લોકો
કોર્ટની નોટિસ આવ્યાં પછી જ રકમ જમા કરાવે છે.
આ સિવાય, ઘણા વાહનોનાં આરટીઓ રજીસ્ટ્રેશનમાં જૂના સરનામાં હોવાથી અથવા માલિકો અન્ય જગ્યાએ શિફ્ટ થઈ ગયા હોવાથી નોટિસ સમયસર પહોંચતી નથી. ઘણાં વાહન માલિકોને તેમનાં વતન કે જૂના સરનામે
પહોંચેલી નોટિસ અંગે ખૂબ મોડેથી ખબર પડે છે, જેના કારણે કરોડો રૂપિયાનો દંડ પેન્ડિંગ રહે છે.
આ પરિસ્થિતિને સુધારવા અને ઈ-ચલણ વસૂલાતની પ્રક્રિયા વધુ કડક બનાવવા માટે કેન્દ્ર સરકારે ‘સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ (થર્ડ એમેન્ડમેન્ટ) રૂલ્સ, ૨૦૨૬’ હેઠળ કાનૂની માળખું વધુ સખત બનાવ્યું છે.




