વોર્ડ નં. 18માં 11.11 કરોડના સીસી રોડને લીલી ઝંડી, અનેક મહત્વની દરખાસ્તો વધુ વિગતો માટે પેન્ડિંગ રાખાઈ
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન પરેશ પીપળીયાની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં કુલ 15 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાંથી વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે કેટલીક મહત્વપૂર્ણ દરખાસ્તો વધુ વિગતો મંગાવી પેન્ડિંગ રાખવામાં આવી હતી. બેઠકમાં કુલ 20.25 કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
બેઠકની સૌથી મહત્વપૂર્ણ બાબત તરીકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી યોજના અંતર્ગત વોર્ડ નં. 18માં સીસી રોડ બનાવવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. આ કામ માટે 11.11 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ કામગીરી રાજ્ય સરકાર તરફથી અનુદાન (ગ્રાન્ટ) પ્રાપ્ત થયા બાદ જ શરૂ કરવામાં આવશે તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની સેવાઓ મેળવવાની દરખાસ્તને વધુ માહિતી અને સ્પષ્ટતા મેળવવા માટે હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે. સંબંધિત વિભાગને જરૂરી વિગતો સાથે ફરી દરખાસ્ત રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
શહેરના વિવિધ છ ટીપી પ્લોટ તથા રામવન પાર્કિંગ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવાની દરખાસ્ત પણ તાત્કાલિક મંજૂર કરવામાં આવી નહોતી. સ્ટેન્ડિંગ કમિટીએ આખા વર્ષ દરમિયાન થનારા વૃક્ષારોપણનું વિસ્તૃત આયોજન, સ્થળવાર વિગતો અને અમલીકરણની યોજના સાથે ફરીથી દરખાસ્ત રજૂ કરવા જણાવ્યું છે. વર્ષ 2026-27 અને 2027-28ના હિસાબોના સ્ટેચ્યુટરી ઓડિટરની નિમણૂક સંબંધિત દરખાસ્તને પણ વધુ વિગતો માટે પેન્ડિંગ રાખવામાં આવી હતી. કમિટીએ ઓડિટ પ્રક્રિયા અને અન્ય જરૂરી માહિતી સાથે ફરીથી પ્રસ્તાવ રજૂ કરવા સૂચના આપી છે.
આ ઉપરાંત મહાનગરપાલિકાના ત્રણ ઝોનમાં આવેલા ટ્રાફિક જંક્શનના આઇલેન્ડ અને સર્કલની જાળવણી માટે કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત પણ પરત મોકલવામાં આવી હતી. કમિટીએ આ પ્રસ્તાવમાં કામગીરીની વ્યાપક વિગતો, ખર્ચ અને અમલીકરણ અંગે વધુ સ્પષ્ટ માહિતી રજૂ કર્યા બાદ ફરીથી મંજૂરી માટે રજૂ કરવાની સૂચના આપી હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સભ્યો તેમજ મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિકાસલક્ષી કામોને ગતિ આપવાની સાથે વિવિધ દરખાસ્તોમાં પારદર્શિતા અને પૂરતી વિગતો ઉપલબ્ધ રહે તે માટે કમિટીએ અનેક પ્રસ્તાવો વધુ માહિતી માટે પરત મોકલ્યા હોવાનું બેઠકમાંથી સ્પષ્ટ બન્યું.
- Advertisement -
સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામ પેન્ડિંગ અને પરત મોકલાયા
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે કન્સલ્ટન્ટની દરખાસ્ત વધુ વિગતો માટે પેન્ડિંગ.
છ ટીપી પ્લોટ અને રામવન પાર્કિંગના વૃક્ષારોપણનો પ્રસ્તાવ વિગતવાર આયોજન સાથે ફરી રજૂ કરવાનો નિર્ણય.
વર્ષ 2026-27 અને 2027-28 માટે સ્ટેચ્યુટરી ઓડિટરની નિમણૂકનો પ્રસ્તાવ પણ પેન્ડિંગ.
ત્રણ ઝોનના ટ્રાફિક આઇલેન્ડ અને સર્કલ જાળવણીની દરખાસ્ત વધુ વિગતો સાથે ફરી રજૂ કરવા પરત મોકલાઈ.




