રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અને તેની ટીમે નાની બાળકીની સારવાર કરી આપ્યું નવજીવન
કોમામાં સરી પડેલી બાળકી સતત 7 દિવસ વેન્ટિલેટર પર રહી
- Advertisement -
હજુ બે શંકાસ્પદ બાળક વોર્ડમાં દાખલ છે
રાજકોટ સિવિલ હોસ્પિટલના ઝનાના વિભાગમાં દાખલ ચાંદીપુરા વાઈરસની દર્દી અને રાજ્યની સૌથી નાની એવી 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો છે. 17 દિવસ સુધી શરીરના મગજ અને લોહીમાં ભળી
ગયેલા વાઈરસ સામે ઝઝૂમીને આખરે વિજય મેળવ્યો છે. ગંભીર હાલતમાં કોમામાં સરી પડેલી આ બાળકી સંપૂર્ણ સ્વસ્થ થતાં તબીબોની ટીમે રાહતનો શ્વાસ લીધો છે અને તેને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. આ સાથે જ સિવિલ
હોસ્પિટલમાં સારવાર હેઠળના અન્ય બે શંકાસ્પદ બાળકોના સેમ્પલ લેવાયા હતા જેમાં એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગત 10 જુલાઈના મૂળ મધ્યપ્રદેશના અને હાલ ગોંડલના પાંચિયાવદર ગામે મજૂરીકામ કરતા શ્રમિક
પરિવારની 3 માસની બાળકીમાં ચાંદીપુરાના લક્ષણો જણાતા તેને ગત તા. 19 જુલાઈના રોજ રાજકોટ ઝનાના હોસ્પિટલના પી.આઈ.સી.યુ. વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. દાખલ કરતી વખતે બાળકીની સ્થિતિ અત્યંત
નાજુક હતી, તે કોમામાં હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી તબીબોએ સઘન સારવાર શરૂ કરી હતી અને સિનિયર ડોક્ટર્સ તેમજ નોડલ ઓફિસરની ટીમ દ્વારા તેનું 24 કલાક મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. હાલ
સિવિલમાં વઢવાણ અને જેતપુરના એક-એક બાળક ચાંદીપુરા વાઈરસના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર હેઠળ છે.
આ નાની બાળકીને નવજીવન આપવામાં મોનાલી માંકડીયા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, આરએમઓ હર્ષદ દુસરા, સિવિલ નર્સિગ સુપ્રિટેન્ડેન્ટ નિરવ દુધરેજિયા, નર્સિગ આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ શૈલેષભાઇ પ્રજાપતિ, હેડ નર્સ કિર્તીબેન અને
તૃપ્તીબેન, આઇસીએન હેતલ વદર, વોર્ડ ટીમમાં મીતાબેન, કિર્તીબેન, ઉર્મિલાબેન, દ્રષ્ટિબેન, માનસીબેન, મહેશ્વરીબેન, ડિમ્પલબેન અને અક્ષયભાઇ, ડૉ. આરતીબેન, ડૉ.પલ્લકબેન અને ડૉ.ચારલી સતત કાર્યરત રહ્યા હતા.
- Advertisement -
બાળકીને સમયસર સારવાર મળતા જીવ બચ્યો : ડૉ. પંકજ બુચ
મેડિકલ કોલેજના ડીન ડૉ. પંકજ બુચે જણાવ્યું હતું કે, ચાંદીપુરા વાઇરસ દર્દીના મગજ પર સીધી અસર કરે છે, જેના કારણે મલ્ટિ ઓર્ગન ફેલ્યોરની સંભાવના વધી જાય છે. ગોંડલની આ માસૂમ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ,
બ્લડપ્રેશર ઘટી જવું. લોહીનું પરિભ્રમણ ધીમું થવું અને મગજ પર સોજો ચડી જવા સહિતની ગંભીર જટિલતાઓ હતી. બાળકીના લોહીમાં ચેપ ફેલાઈ ગયો હોવાથી ભારે ડોઝ અને એન્ટિબાયોટિક ઇન્જેક્શનો આપવા પડ્યા હતા.
જો દર્દીની સમયસર સારવાર શરૂ કરવામાં આવે, તો આ વાઇરસના જોખમને ઘટાડી જીવ બચાવી શકાય છે.




