આંગડિયું કરવાના બહાને આવેલી બેલડીએ ધક્કો મારી રોકડ ભરેલો થેલો લઈ રફુચક્કર
ડીસીપી સહિતનો કાફલો દોડી ગયો : સીસીટીવીમાં કેદ લૂંટારાઓને પકડવા નાકાબંધી
- Advertisement -
રાજકોટ શહેરના સામા કાંઠે ભાવનગર રોડ પર આવેલી પટેલ વાડી સામે પ્રાઈમ એન્ટરપ્રાઇઝમાં રૂપિયા 18 લાખની લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે સવારે આંગડિયા કર્મચારીએ પેઢી ખોલ્યા બાદ બે શખસોએ અંદર આવી આંગડિયા પેઢીના કર્મચારી અલ્પેશ દવેને આંગડિયું કરવું છે તેમ કહી વાતોમાં વ્યસ્ત કરી બાથ ભરી, ઝપાઝપી કરી, બે લૂંટારુ પૈકી એક શખસે હથિયાર બતાવી માત્ર 22 સેકન્ડમાં રૂપિયા 18 લાખની લૂંટને અંજામ આપ્યો હતો બનાવની જાણ થતા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ, બી ડિવિઝન પોલીસ, તેમજ ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ઝોન 1 તથા LCB ઝોન 1 સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો અને સીસીટીવીમાં કેદ લૂંટારાઓને પકડવા તાત્કાલિક નાકાબંધી કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના પટેલવાડી પાસે આવેલ પ્રાઈમ એન્ટરપ્રાઈઝમાં પેઢી ખોલતાની સાથે જ બે શખ્સોએ ઘુસી બંદૂકની અણીએ 18 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી નાસી છૂટ્યા હોવાની કંટ્રોલમાં જાણ થતા જ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી બનાવને પગલે તુરંત ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી હેતલ પટેલ, એસીપી, બી ડિવિઝન પીઆઇ ચૌહાણ, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબી સહિતનો કાફલો દોડી ગયો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે પેઢીનો કર્મચારી અલ્પેશ દવે સવારે દસ વાગ્યે આવ્યો હતો અને પેહી ખોલીને દીવાબત્તી કરતો હતો ત્યારે બે શખ્સો પેઢીમાં ઘુસી ગયા હતા અને પોતાને આંગડિયું કરવું છે તેમ કહી બાથ ભરી લીધી હતી અને ઝપાઝપી કરી હતી પોતે બચાવ કરવા જતા અચાનક એક શખસે બંદૂક જેવું હથિયાર બતાવી પોતે સાથે લઈને આવેલા 18 લાખ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા પોલીસ દ્વારા પેઢીની અંદર તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી શહેર જિલ્લામાં અને આસપાસના જિલ્લામાં પણ જાણ કરી વિસ્તારમાં નાકાબંધી કરી લુટારુઓની શોધખોળ હાથ ધરી છે હાલ રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.
દીવાબત્તી કરું તે પૂર્વે જ લૂંટ : અલ્પેશ દવે
- Advertisement -
આંગડિયા પેઢીના કર્મચારી અલ્કેશભાઈ દવેએ જણાવ્યું હતું કે, આજે સવારે હું મારી ઓફિસ પહોંચ્યો હતો અને હજુ દીવાબત્તી કરવાના પણ બાકી હતા, પરંતુ થોડી જ વારમાં બે લોકો અંદર આવ્યા હતા જેના ચહેરા ખુલ્લા હતા. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ છે, કે મારે આંગડિયું કરવું છે કહી મારા કાઉન્ટર પાસે અંદર સુધી બે શખસો પહોંચી ગયા હતા. અચાનક બંદૂક બતાવી મારો પૈસા ભરેલો થેલો ઝૂંટવી લીધો હતો. મેં તેને સામે પ્રતિકાર કર્યો હતો પણ મને માર મારી થેલો લઈ નાસી ગયા હતા. અંદાજિત તેમાં 18 લાખ રૂપિયા હતા. બંને શખસો ગુજરાતી જ બોલતા હતા. હું કોઈને ઓળખતો નથી. આજે પ્રથમ વખત અમારી ઓફિસ આવ્યા હતા. સીસીટીવીમાં બંને ચહેરા સ્પષ્ટ દેખાઈ છે.
લૂંટ આચરનાર બેલડીએ ટોપી પહેરી હતી
માત્ર 22 સેકન્ડમાં જ 18 લાખ ભરેલો થેલો લૂંટીને નાસી છુટેલી બેલડીએ સીસીટીવીથી બચવા માટે ટોપી પહેરી હતી બંને ગુજરાતી બોલતા હોય એક શખ્સે બ્લુ કલરનો ચેક્સવાળો શર્ટ પહેર્યો હતો જયારે બીજા શખ્સે બ્લુ કલરનું ટીશર્ટ પહેર્યું હતું બંનેએ બ્લુ જીન્સ પહેર્યું હોય સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.
રેકી કરી અલ્પેશ દવેની રાહ જોઈને ઉભા હોવાની શંકા
પ્રાઈમ આંગડિયા પેઢીના કર્મચારી અલ્પેશ દવેએ પેઢી ખોલતાની સાથે જ લૂંટારુ બેલડી ઘુસી ગઈ હતી આ દ્રશ્યો જોતા એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આ બેલડીએ ગુનાને અંજામ આપવા અગાઉ રેકી કરી હશે અલ્પેશ કેટલા વાગ્યે પેઢી ખોલે છે તેની માહિતી મેળવી હશે અને અલ્પેશ આવે તેની રાહ જોઈને બેઠા હોય તે આવતાની સાથે જ પેઢીમાં ઘુસી ગયા હોવાની શંકા સેવાઈ રહી છે.




