રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
ગૃહકંકાસથી કંટાળી ટ્રાવેલ્સ સંચાલકે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણી લીધો
- Advertisement -
રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વરમાં રહેતા અને ટ્રાવેલ્સનો ધંધો કરતા યુવકે પત્ની સાથે માથાકુટ થતા ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે ગાધીગ્રામ પોલીસે વધુ કાર્યવાહી કરી છે. રાજકોટના નાગેશ્વરમાં રહેતા ઈન્દુભાઈ વાણદેવભાઈ ઉ.30એ પોતાના ઘેર પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. બહારથી આવેલા પત્નીએ ઘેર આવતા પતિને લટકતો જોઈ દેકારો કરતા પાડોશના લોકોએ પહોચી જાણ કરતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ મહેશ્વરી સહીતની ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડી તપાસ કરતા મૃતકને ત્રણ સંતાન હોવાનુ અને ટ્રાવેલ્સનું કામ કરતા હતા. તેમજ અવાર નવાર પત્ની સાથે ઝઘડાઓ થતા હોય કંટાળી આ પગલુ ભરી લીધાનું પ્રાથમીક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે જયારે બીજા બનાવમાં કોઠારીયા રોડ પર ન્યુ સુભાષનગરમાં રહેતા સરોજબેન સાગરદાસ ટીલાવત ઉ.70 નામના વૃધ્ધાએ વહેલી સવારે પોતાના ઘેર પંખામાં ચુંદડી બાંધી ગળાફાસો ખાઈ લીધો હતો. બનાવ અંગેની પરીવારે જાણ કરતા ભકિતનગર પોલીસ મથકના પીએસઆઈ રાઠોડ સહીતની ટીમે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં સરોજબેન કેટલાક સમય બિમાર રહેતા હોય અને સારવાર ચાલુ હોવા સારૂ થતુ ન હોય જેથી કંટાળી આ પગલુ ભરી લીધું હતું.
રાજકોટમાં કારમાં 561 બોટલ દારૂ સપ્લાય કરવા આવેલા મોરબીનો વેપારી ઝડપાયો : ધંધામાં નુકસાની આવતા દારૂના ધંધે ચડ્યો હોવાની કબૂલાત : પ્રીમિયમ વ્હિસ્કી, કાર, મોબાઈલ સહિત કુલ 6.42 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી PCBની ટીમ
રાજકોટમાં વિદેશી દારૂના ધંધાર્થીઓ પર PCB ધોંસ બોલાવી રહી છે જેના ભાગરૂપે કૃષ્ણનગરમાં વૈભવી સિયાઝ કારમાં વિદેશી દારૂનો જથ્થો રાખીને ડિલિવરી કરવા આવેલા મોરબીના એક વેપારીને પોલીસે રંગે હાથ ઝડપી પાડયો છે. પોલીસે કાર અને વિવિધ બ્રાન્ડની 561 બોટલ વિદેશી દારૂ સહિત કુલ 6.42 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. PCB પીઆઈ એમ.આર. ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન એએસઆઈ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને હરદેવસિંહ રાણાને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ સિયાઝ કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને આવી રહ્યો છે આ બાતમી આધારે કૃષ્ણનગર શેરી નં. 10માં આવેલા રુદ્રાક્ષ કોમ્પ્લેક્સની સામે રોડ પર વોચ ગોઠવી શંકાસ્પદ કારને આંતરી તલાશી લેતાં કારમાંથી પ્રીમિયમ બ્રાન્ડની વ્હિસ્કીની 561 બોટલો મળી આવી હતી. PCB એ વિદેશી દારૂના જથ્થા સાથે મોરબીના રવાપર રોડ પર રંગધરતી પાર્કમાં શુભ હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતા વિનય રમેશ મહેતા નામના વેપારીની ધરપકડ કરી 2,42,451નો વિદેશી દારૂ અને 4 લાખની કાર મળી કુલ 6.42 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.અગાઉ રમકડાંનો બિઝનેસ કરતો વિનય હાલમાં કાર લે-વેચના ધંધા સાથે જોડાયેલો હતો, જેમાં મોટી ખોટ જતાં તેણે રાતોરાત કમાઈ લેવા દારૂનું નેટવર્ક શરૂ કર્યું હતું. આરોપી વિનય મહેતાએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો રાજસ્થાનના ખેરવાડાના વીરસિંગ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપી છે.મોટું ગ્રૂપ ધરાવતા વિનય મહેતાને અગાઉ ક્રાઈમ બ્રાન્ચે પણ 50થી 60 ચપલાં વિદેશી દારૂ સાથે પકડયો હતો.
- Advertisement -
રાજકોટ પીસીબીએ ઘનશ્યામનગરમાંથી 9.55 લાખના દારૂ સાથે હરિયાણાના શખ્સની કરી ધરપકડ
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પીસીબીની ટીમે બાતમી આધારે વિરાણી અઘાટ વિસ્તારમાં ઘનશ્યામનગરમાં દરોડો પાડી 2880 ચપલા દારૂ ભરેલા ટ્રક સાથે હરિયાણાના શખ્સની ધરપકડ કરી દારૂ, ટ્રક, મોબાઈલ સહીત 19.70 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. શહેર વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નેસ્ત નાબૂદ કરવા અને અસરકારક કામગીરી કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા સુચના આપવામાં આવી હતી. આ સુચના અન્વયે પી.સી.બી. પીઆઇ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા અને યુવરાજસિંહ રાણાને સંયુક્ત બાતમી મળી હતી કે ઢેબર રોડ વિરાણી આઘાટ ઘનશ્યામનગરમાં ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો છે બાતમી આધારે દરોડો પાડી સ્થળ પરથી આશરે હરિયાણાના ડ્રાયવર સાજીદ આશ મહમદભાઇને ઝડપી લઇ ટ્રકની જડતી લેતા તેમાંથી ૧૮૦ એમ.એલ.ના 9,54,800 રૂપિયાના દારૂના 2880 ચપલા મળી આવતા દારૂ, 10 લાખનો ટ્રક અને ૧ મોબાઈલ સહીત કુલ 19,69,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ગોંડલ પાસે કારચાલકે એક્ટિવાને ટક્કર માર્ટા અનિડા ભાલોડીના દંપતી અને માસુમ પુત્રનું મોત : ઘોઘાવદર રામોદ રોડ ઉપર બનેલો બનાવ : પરિવાર રામોદ રહેતી ભત્રીજીની ખબર પૂછવા જતો હતો
ગોંડલ તાલુકાના ઘોડાવાદર અને રામોદ ગામ વચ્ચે અત્યંત કરૂણ અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઝડપભેર આવી રહેલી એક કારે એક્ટિવાને હડફેટે લેતાં એક્ટિવા પર સવાર એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.ગામમાં એકસાથે ત્રણ ત્રણ અર્થીઓ ઉઠતા શોક ફેલાયો છે. અનિડા ભાલોડી ગામે રહેતા અને ખેત મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા જયેશભાઈ કરશનભાઈ બગડા ઉ40, .તેમનાં પત્ની શાંતુબેન ઉ.37 અને 13 વર્ષનો પુત્ર વ્રજ ભત્રીજીની ખબર પૂછવા માટે એક્ટિવા લઈને રામોદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ઘોઘાવાદર-રામોદ વચ્ચે સવારે પૂરપાટ ઝડપે ધસી આવેલી કારના ચાલકે એક્ટિવાને ઠોકરે લેતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે એક્ટિવા અને કાર બંને માર્ગની સાઈડમાં ખાબક્યા હતા અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અકસ્માતને પગલે દંપતિ અને પુત્ર ત્રણેયના મોત નિપજ્યા હતા માતા પિતા સાથે મોતને ભેટેલો વ્રજ ખાનગી શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતો હતો. જયેશભાઈને સંતાનમાં વ્રજ ઉપરાંત સોળ વર્ષની દિકરી છે જે ઘરે તેના દાદા પાસે હતી અકસ્માતમાં તેણીએ માતા પિતા અને ભાઈ ગુમાવ્યા છે બનાવ ની કરુણતા એ છે કે જયેશભાઈએ બચપનમાં માતા ગુમાવ્યા બાદ તેના પિતા કરશનભાઇએ જયેશભાઈ ઉપરાંત ત્રણ દિકરીઓનો ઉછેર કરી તમામને પરણાવી પિતાની ફરજ પુર્ણ કરી હતી એકના એક પુત્ર અને ઘડપણનાં સહારા એવા પુત્ર જયેશભાઈ ઉપરાંત પુત્રવધુ તથા પૌત્રનાં અકસ્માતમાં મોત નિપજતા વયોવૃદ્ધ કરશનભાઇ ભાંગી પડયા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં કાર ચાલક આણંદના રહેવાસી હિરલબેન નીરજભાઈ પટેલ જેમના પતિ કાજુના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના અન્ય ત્રણ મહિલા સ્નેહીઓ સાથે કારમાં સાળંગપુર અને ગોંડલ અક્ષર મંદિરે દર્શન કરવા આણંદથી નીકળ્યા હતા. પરંતુ ગોડલ અક્ષર મંદિરે પહોંચે તે પહેલાં જ ઘોઘાવદર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો કારમાં સવાર મહિલાઓ ભારે આઘાતમાં સરી પડી હતી. અકસ્માતના કારણે રસ્તા પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
એસ્ટ્રોન ચોકમાં પુજારા, ઉમિયા અને મેહુલ ટેલિકોમમાંથી 43 હજારના 5 મોબાઈલની ચોરી : ગ્રાહકના સ્વાંગમાં આવેલી યુવતી ચોરી કરી પલાયન : ફરિયાદ નોંધી યુવતીની શોધખોળ
રાજકોટમાં પોલીસના પેટ્રોલીંગની પોલ ખોલતા તસ્કરો બેકાબુ બન્યા હોય તેમ એસ્ટ્રોન ચોક પાસે ગ્રાહકના સ્વાંગમા આવેલી યુવતીએ ત્રણ શો-રૂમમાંથી પાંચ મોબાઈલની ચોરી કર્યાની ફરીયાદના આધારે એડીવીઝન પોલીસે ગુનો નોધી સીસીટીવીમાં કેદ યુવતીને ઝડપી લેવા દોડધામ કરી છે.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ઢેબર રોડ નજીક ગીતાનગરમાં રહેતા અને એસ્ટ્રોન ચોક પાસે મેહુલ ટેલીકોમ નામના મોબાઈલના શો-રૂમમાં મેનેજર તરીકે નોકરી કરતા દીપભાઈ પ્રકાશભાઈ ચંદારાણાએ એડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી જેમા જણાવ્યુ હતુ કે. તા.૩-૯ના રોજ તેના દુકાનમાં સ્ટાફ સાથે હતા ત્યારે મોબાઈલ ખરીદવાના બહાને અજાણી યુવતી આવી હતી અને નજર ચુકવી રૂ.૪૩ હજારની કિંમતના ત્રણ મોબાઈલની ઉઠાંતરી કરી જતા તેને તપાસ કરતા પાડોશી પુજારા મોબાઈલમાંથી અને ઉમીયા મોબાઈલના શો-રૂમમાંથી પણ એક-એક મોબાઈલની ચોરી થયાનું જણાવતા એએસઆઈ શુકલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જ્યારે બીજા બનાવમાં વાવડી પાસે ફોરેસ્ટ વિભાગના નર્સરી ખાતેથી કોઈ તસ્કરો રૂ.૩પ હજારની કિંમતનો કેબલની ચોરી કરી ગયાની ફોરેસ્ટ વિભાગના કર્મચારી પ્રતિક્ષાબેન સુરેશગીરી અપારનાથીએ ફરીયાદ કરતા તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના આજી GIDC પાસેથી કુખ્યાત વાહનચોર હનીફશા 2 ચોરાઉ બાઇક સાથે ઝડપાયો : થોરાળા પોલીસે નોંધાયેલા અનડિટેક્ટ 2 ગુનાના ભેદ ઉકેલી નાખ્યા
શહેરના આજી GIDC પાસેથી થોરાળા પોલીસે ચોરાઉ બાઈક સાથે 16 ગુનામાં સંડોવાયેલા રીઢા વાહનચોરને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરતાં વધુ બે વાહન ચોરીના ભેદ ઉકેલાયા છે. થોરાળા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એચ.એન. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ જાગાણી તથા ઇલેશભાઈ પરમારને મળેલી ચોક્કસ સંયુક્ત બાતમીના આધારે આજી GIDC પાસેથી એક શખ્સને ચોરાઉ મોટરસાઇકલ સાથે ઝડપી લેવાયો હતો. પકડાયેલા આરોપીની ઓળખ ગંજીવાડામાં રહેતા હનીફશા ઇબ્રાહીમશા શાહમદાર ઉ.39 તરીકે થઈ છે. આરોપી પાસેથી 25,000ની કિંમતના બે ચોરાઉ સ્પ્લેન્ડર બાઇક કબજે કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં થોરાળા અને આજી ડેમ પોલીસ મથકમાં નોંધાયેલા વાહનચોરીના બે ગુનાના ભેદ ઉકેલાયા છે ઉલ્લેખનીય છે કે, પકડાયેલો શખ્સ અગાઉ રાજકોટ અને મોરબીના વિવિધ પોલીસ મથકોમાં વાહનચોરી સહિતના 16 ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. પોલીસે તેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
મવડીમાં મુન લાઈફ વેલનેસ સ્પામાં ચાલતા કુટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટનો દરોડો : યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવતા સંચાલક અને મહિલા સહિત બે ઝડપાયા : માલિકની શોધખોળ
રાજકોટમાં સ્પા સેન્ટરોની આડમાં ચાલતા દેહવ્યાપાર બંધ કરવાના પોલીસના અભિયાન દરમિયાન એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે દરોડો પાડી સંચાલિકા મહિલા સહિત બે શખસોને ઝડપી લઈ રાજકોટ, વેસ્ટ બંગાલ, યુપી અને દિલ્હીની ચાર યુવતીને મુકત કરાવી હતી. રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારના ધંધા બંધ કરાવવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે એએચટીયુના પીઆઈપી.એન. પઢીયારની રાહબરીમાં પીએસઆઇ એસ પી ચૌહાણ, એએસઆઈ અજયકુમાર શુકલા, જીગ્નેશભાઈ મારુ, સલીમભાઇ મકરાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ બાલધા, મહેશ પ્રસાદ, જ્યોતિબેન બાબરીયા, ભૂમિબેન ઠાકર સહિતની ટીમને બાતમી મળી હતી કે મવડી ચોકડી નજીક રિદ્ધિસિદ્ધિ કોમ્પ્લેકસમાં ચાલતા મુન લાઈફ ફેમીલી વેલનેસ સ્પામાં મસાજના બહાને દેહવ્યાપાર ચાલી રહ્યો છે આ બાતમી આધારે એએચટીયુના ટીમે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડયો હતો. જેમાં સ્પાના સંચાલક સંતકબીર રોડ પર રહેતો હર્ષ જયેન્દ્રભાઈ રાજદેવ અને અલ્કાબેન સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી તેની પાસેથી 9 હજારની રોકડ કબજે કરી ચાર યુવતીઓને મુકત કરાવી વધુ સ્પાના માલિક ધ્રુવ જયેન્દ્રભાઈ રાજદેવની શોધખોળ હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં સ્પાનો માલિક છેલ્લા 10 માસથી સ્પા ચલાવતો હોવાનુ તેમજ બહારથી અલગ અલગ યુવતીઓ બોલાવીને મસાજના નામે ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફી પેટે રૂ. એક હજાર સુધીની એકસ્ટ્રા સર્વિસના નામે વધુ રૂ.અઢી હજાર લઈ યુવતીને 1500 આપતા હોવાનુ બહાર આવતા પોલીસે રાજકોટ, વેસ્ટ બંગાલ, યુપી અને દિલ્હીની ચાર યુવતીને મુક્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રકમાં પાર્સલની આડમાં સંતાડેલા દારૂ સાથે જૂનાગઢના બે ઝડપાયા : રાજકોટ ગ્રામ્ય એલસીબીનો બાતમી આધારે ભરુડીના પાટિયા પાસે દરોડો
ગોંડલ તાલુકાના ભરૂડી ગામના પાટિયા પાસે નેશનલ હાઈવે રોડ પરથી પસાર થઈ રહેલા V-TRANS (INDIA) LTD ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રકમાંથી પાર્સલની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી ઉપર વોચ રાખવા એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે એલ.સી.બી. પીઆઇ જે પી રાવના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ગોંડલ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ-જેતપુર હાઇવે પરથી એક ટાટા ટ્રકમાં વિવિધ પાર્સલની આડમાં લાકડાના બોક્ષમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને જૂનાગઢ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમી આધારે પોલીસે ભરૂડી ગામના પાટિયા પાસે વોચ ગોઠવીને શંકાસ્પદ ટ્રકને રોકીને ચેક કર્યો હતો. ટ્રકની તલાશી લેતાં તેમાંથી અલગ-અલગ વસ્તુઓના પાર્સલ વચ્ચે સંતાડેલા લાકડાના બોક્ષમાંથી ઈંગ્લિશ દારૂની 912 બોટલ મળી આવતા જૂનાગઢના સાબલપુર ગામમાં જુમાશા પીરની દરગાહ પાસે રહેતા દિલાવરભાઈ ઉર્ફે નુરો મહમદભાઈ ચોપડા (ઉં.વ. ૪૯) અને જૂનાગઢ દોલતપરા માર્કેટ યાર્ડ પાસે ઈગલ સીમન્ટ પાઈપમાં રહેતા ઈરફાનભાઈ કાસમભાઈ નારેજા (ઉં.વ. ૩૬) નામના બે આરોપીઓની અટકાયત કરી હતી પોલીસે દારૂ, ટ્રક, પાર્સલ, મોબાઈલ સહીત 23.14 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
એસઓજી- એન્ટી નાર્કોટિક્સ વિંગની કામગીરી : મોરબીનો કુખ્યાત પેડલર જીગર રાજકોટમાંથી 2.01 લાખના એમ.ડી. સાથે ઝડપાયો : જોધપુરથી લાવ્યાની કબૂલાત
રાજકોટના ભગવતીપરમાં એસઓજી- એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે વોચ ગોઠવી મોરબીના કુખ્યાત પેડલરને 67.26 ગ્રામ એટલે કે 2.01 લાખના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો છે પોલીસે ડ્રગ્સ, કાર, વજન કાંટો, પ્લાસ્ટિક કોથળીઓ સહિત 11.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે પેડલર અહીં કોને માલ સપ્યાલ કરવા આવ્યો હતો તે અંગે તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલિક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ બી.બી. બસીયા દ્વારા યુવાધન નશાના રવાડે ન ચડે તથા નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અટકાવવા શે નો ટુ મિશન અંતર્ગત નશાકારક દ્રવ્યોનું વેચાણ અને સેવન કરનાર શખસો સામે કડક કાર્યવાહી કરવા આપેલી સુચના અન્વયે એસઓજી પીઆઈ એન.બી. ચૌધરીની રાહબરી હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગના પીઆઈ બી.બી. જાડેજા તથા પીએસઆઇ આર.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ કરણભાઈ મારૂ, શબ્બીરખાન મલેકને બાતમી મળી હતી કે એનડીપીએસ કેસમાં નાસતો ફરતો આરોપી જગદીશ ઉર્ફે જીગર સફેદ કલરની ક્રેટા કાર લઇ ભગવતીપરા શેરી નંબર 19 પાસે ચોકમાં આવવાનો છે અને તેની પાસે માદક પદાર્થનો જથ્થો છે આ બાતમી આધારે વોચ ગોઠવી હતી દરમિયાન શંકાસ્પદ કાર નજરે પડતા પોલીસે કાર કોર્ડન કરી આરોપીને અટકાયતમાં લઇ તેની અંગ ઝડતી લેતા તેની પાસેથી 2.01 લાખનું 67.26 ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેથી પોલીસે કારચાલકનું નામઠામ પૂછતાં પોતે મોરબી લીલાપર રોડ પર રહેતો જગદીશ ઉર્ફે જીગર ઉર્ફે જીગો જીલુભાઇ ગોગરા ઉ.31 હોવાનું જણાવતા તેના વિરુદ્ધ એનડીપીએસ એટકની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી એમ.ડી ડ્રગ્સ, બે મોબાઈલ કાર, રોકડ, પોકેટ સાઈઝ વજન કાંટો, નાની મોટી પ્લાસ્ટિકની વેક્યુમ પેક કોથળીઓ સહિત રૂપિયા 11.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પ્રાથમિક તપાસમાં જોધપુરથી લાવ્યો હોવાનું કબૂલાત આપી હતી રાજકોટ કોને સપ્લાય કરવા આવ્યો હતો તે જાણવા રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટની હોટલ ધ વિનસમાં ચાલતા કુટણખાના પર એ ડિવિઝન પોલીસનો દરોડો : ડમી ગ્રાહક મોકલી દિલ્હીની યુવતીને મુક્ત કરાવી : મેનેજર સહીત બે ઝડપાયા, એક ફરાર : ગ્રાહક દીઠ એન્ટ્રી ફીના 500, શરીર સંબંધના 1500 લઇ યુવતીને 1000 રૂપિયા આપતા
રાજકોટમાં હોટલની આડમાં ધમધમતા કુટણખાના ઉપર પોલીસ ધોંસ બોલાવી રહી છે ત્યારે એ ડિવિઝન પોલીસે સાંગણવા ચોકમાં આવેલ હોટલ ધ વિનસમાં દરોડો પાડી બે શખ્સોની ધરપકડ કરી એક શખ્સની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ એ ડિવિઝન પીઆઇ જે વી વાઢિયાની રાહબરીમાં પીએસઆઈ એસ.આર.ચાવડા, કલ્પેશભાઇ વાલાભાઇ બોરીચા, મહેશભાઈ ભાનુભાઇ ચાવડા, કરણભાઈ જીતેંદ્રભાઈ વિરસોડીયા, ધવલકુમાર જીલડીયા, મયુરધ્વજ્સિહ જાડેજા, મહિલા પો.કોન્સ. સજનીબેન સખીયા તથા પ્રીયંકાબા જાડેજા સહિતની ટિમે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતી તે દરમ્યાન મહેશભાઈ ચાવડાને બાતમી મળી હતી કે સાંગણવા ચોક પાસે આવેલ હોટેલ ધ વીનસ નામની હોટલમા બહારથી છોકરીઓ બોલાવી હીતેષ ઉર્ફે રાણો લાખાભાઈ વાલાણી પોતાના જયદીપ મકવાણાને રાખી બહારથી ગ્રાહક બોલાવી ગ્રાહક પાસેથી એન્ટ્રી ફીના 500 લઇ મેનેજર પ્રતાપસિંગ બાબુસિંગ રાવતને આપી અને શરીર સંબંધ બાંધવાના એક ગ્રાહક દીઠ 1500 લઇ તેમાંથી સ્ત્રીને 1000 આપી બાકીના 500 પોતે રાખી કુટણખાનુ ચલાવે છે આ બાતમી આધારે ડમી ગ્રાહકને મોકલી દરોડો પાડ્યો હતો કાઉન્ટર ઉપર એક પુરૂષ બેસેલ હોય જેનુ નામ ઠામ પુછતા પોતે મૂળ રાજસ્થાનનો હાલ આ હોટલમાં રહી મેનેજર તરીકે નોકરી કરતો પ્રતાપસિંગ બાબુસિંગ રાવત હોવાનું જણાવ્યું હતું તેમજ કાઉન્ટરની બાજુમાં સોફા ઉપર બેઠેલા વ્યક્તિનું નામ પુછતા પોતે ચોટીલાના પાળીયાદ ગામનો જયદીપ મુકેશભાઈ મકવાણા હોવાનું જણાવતા બંનેને સાથે રાખી હોટલમા અલગ અલગ રૂમમા ચેક કરતા ડમી ગ્રાહક તથા એક મહીલા કઢંગી હાલતમા મળી આવતા મહિલાની પૂછતાછ કરતા પોતે દિલ્હીની હોવાનું જણાવ્યું હતું તેણે કહ્યું હતું કે ગ્રાહક દીઠ 2000 લઇ ઉપરોક્ત બંને શખ્સો મારી પાસે શરીર સંબંધ બંધાવવા ગ્રાહકોને મોકલે છે અને મને 1000 આપે છે આ રીતે કુટણખાનુ ચલાવતા હોવાની કબૂલાત આપતા પોલીસે રીસેપ્સન કાઉન્ટર ચેક કરતા તેમાંથી 1500 મળી આવેલ હોય પોલીસે રોકડ,મોબાઈલ સહીત 43,500નો મુદામાલ કબ્જે કર્યો હતો પ્રાથમિક પૂછતાછમાં ચોટીલાના હિતેશ ઉર્ફે રાણો લાખાભાઇ વાલણીનું નામ ખુલતા કલ્પેશભાઈ બોરીચાએ ફરિયાદી બની ગુનો નોંધી પ્રતાપ અને જયદીપની ધરપકડ કરી હિતેશની શોધખોળ હાથ ધરી છે જયારે દિલ્હીની યુવતીને મુક્ત કરાવી છે.
સાધુ વાસવાણી રોડ પર ભાડું માંગનાર વૃદ્ધ રિક્ષાચાલક પર નેપાળી શખ્સનો હુમલો : તારા ભાડાના પૈસા મળશે નહિં, તુ અહીથી જતો રહે નહીંતર વધુ માર મારીશ કહી ધમકી
રાજકોટના વિમલનગરમાં રહેતા અને રીક્ષા ડ્રાયવિંગ કરતા વિસાભાઈ સાંગાભાઈ ખાંભલા ઉ.60 નામના વૃધ્ધે સુનિલ નામના નેપાળી શખ્સ સામે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 25 તારીખે એ.જી. ચોક કાલાવડ રોડ પર હતો ત્યારે મને એક વ્યક્તિએ મારી રીક્ષા ઉભી રખાવી કહેલ કે મારે સ્પેશિયલ ભાડાથી સાધુ વાસવાણી રોડ તરફ આવેલ આવાસમાં જવું છે જેથી મે હા પાડી હતી બાદ આ વ્યકતીને મારી રીક્ષામા બેસાડેલ અને સાધુ વાસવાણી રોડ તરફ જવા નીકળેલ અને મે આ ભાઇ સાથે વાતચીત કરતા તેણે પોતાની ઓળખ નેપાળી તરીકે બતાવેલ અને પોતાનું નામ સુનિલ એવું કહેલ અને તે પોતે સુરત રહેતો હતો તેવું કહેતો હતો બાદ ગંગોત્રી ડેરીથી થોડી અંદરની શેરીમા આવાસના ક્વાટરમા પહોંચ્યા ત્યારે નેપાળી સુનિલ રીક્ષામાંથી ઉતરીને ત્યાં આટા ફેરા કરવા લાગેલ અને બાદ મે રીક્ષા ભાડાની વાત કરતા તે મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગેલ અને મે ગાળો આપવાની ના પાડતા મને મોઢા પર ત્રણ ચાર ઝાપટો મારેલ અને બાદ તેને મારા મોઢા પર ત્રણ-ચાર ઢીકા મારતા મને મોઢા પર ઇજા થતા હું નિચે પડી ગયેલ અને આ સુનિલ નેપાળી મને કહેવા લાગેલ કે તને તારા ભાડાના પૈસા મળશે નહિં અને તુ અહીથી જતો રહે નહીંતર વધુ માર મારીશ તેમ ધમકીઓ આપવા લાગેલ અને થોડી વારમાં ત્યાં માણસો ભેગા થઇ જતા સુનિલ નેપાળી ત્યાંથી જતો રહેલ અને બાદમા મેં મારો દીકરા બ્રિજેશને ફોન કરીને આ બાબતે વાત કરતા તે તુરત જ તેના મિત્ર કુલદીપસિંહ સાથે આવી ગયેલ અને 108 એમ્બ્યુલન્સ મારફત મને સારવાર માટે સીવીલ હોસ્પિટલ ખાતે લઇ ગયેલ અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
લાલપરી મફતિયાપરામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર ડીસીબીનો દરોડો : 50 લીટર દેશી દારૂ સહીત 72 હજારના મુદામાલ સાથે બે બુટલેગર ઝડપાયા
રાજકોટમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સદંતર નેસ્તનાબૂદ કરવા માટે હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે પેટ્રોલીંગ દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી મફતીયાપરા સાગર પાનથી આગળ નદી કાંઠે દરોડો પાડી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી પરથી બે શખ્સને પકડી પાડ્યા હતા. રાજકોટમાં દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા તથા એસીપી બી.બી.બસીયાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવની રાહબરીમાં પીએસઆઇ ડી.પી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત તથા પો.હેડ કોન્સ. રાજદીપભાઇ પટગીર અને અમિતભાઇ ટુંડીયાને મળેલી બાતમી આધારે લાલપરી મફતીયાપરામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડયો હતો પોલીસે નવા થોરાળાના રાજ જીવણભાઇ ભુસડીયા અને કુબલિયાપરાના સંજય ઉર્ફે ચકો પોપટભાઇ સોલંકીની ધરપકડ કરી 4 એલ્યુમીનીયમના તપેલા, 4 ડીસો, 4 નળીઓ, 4 પ્લાસ્ટીકના કેન, 14 પતરાના બેરલ, 400 લીટર ગરમ આથો, 2000 લીટર ઠંડો આથો અને 50 લીટર પીવાનો દેશી દારૂ એમ મળીને કુલ 72,100નો મુદ્દામાલ કબજે કર્યો છે આ કામગીરીમાં કરણભાઇ કોઠીવાળ, સંજયભાઇ અલગોતર, અરવિંદકુમાર ફતેપરા, મહાવીરસિંહ જાડેજા, કિશનભાઇ પાંભર અને પોપટભાઇ ગમારા સહિતના જોડાયા હતા.
ગોંડલની હડમતાળા જીઆઇડીસીમાં દવા બનાવતી ફેકટરીમાં આગ લગતા બે કર્મચારી દાઝ્યા : બંને ઇજાગ્રસ્તોને રાજકોટ ખસેડાયા : લોધીકા, મેટોડા, રાજકોટ ફાયર બ્રિગેડે આગ બુઝાવી : મશીનની મોટરમાં ભડકો થયા બાદ આગ ભભૂકી : દેકારો થતા અન્ય શ્રમિકો બહાર દોડી ગયા
ગોંડલ નજીક હડમતાળા જીઆઇડીસીમાં આવેલી દવા બનાવતી ફેક્ટરીમાં મોડી રાતે પ્રોસેસ રૂમમાં ઇલેક્ટ્રીક મોટરમાં ભડકો થયા બાદ આખી ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. પ્રોસેસ રૂમમાં આગ લાગી ત્યારે ત્યાં હજાર બે કર્મચારી દાઝી જતાં સારવાર માટે દાખલ કરાયા છે. બાકીના પંદરેક કર્મચારીઓ અન્ય અલગ અલગ વિભાગમાં હોઇ દોડીને બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો હતો. આગ બુઝાવવા લોધીકા, મેટોડા, રાજકોટથી ફાયર ફાઇટરો દોડી ગયા હતાં અને સવાર સુધીમાં આગ કાબુમાં લઇ લીધી હતી. હડમતાળા જીઆઇડીસીમાં આવેલી પારમેક્સ ફાર્મા નામની દવાની કંપનીમાં મધરાતે આગ ભભૂકતાં અહિ પ્રોસેસ વિભાગમાં કામ કરી રહેલા કર્મચારી વિરપુર જલારામના અશ્વીનભાઇ વજેરામભાઇ દુધરેજીયા તથા વેરાવળ કાજલી ગામના મનિષભાઇ રમેશભાઇ ચાવડા દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી. અશ્વીનભાઇ બે ભાઇમાં નાના છે અને મનિષભાઇ બે ભાઇમાં મોટા છે પોતે રાતે બે વાગ્યા આસપાસ કંપનીના પ્રોસેસીંગ રૂમમાં મશીન પાસે હતાં. ત્રીજા કર્મચારી આ રૂમની બહારથી સ્વીચ ચાલુ-બંધ કરતાં હતાં. આ વખતે અચાનક મશીનની મોટરમાં ભડકો થતાં આગ લાગી હતી. આ કારણે પોતે બંને હાથના ભાગે દાઝી ગયા હતાં. દોટ મુકીને બહાર નીકળી ગયા હતાં. દેકારો મચાવતાં અન્ય કર્મચારીઓ પણ બહાર નીકળી ગયા હતાં. બીજા વિભાગમાં આશરે પંદરેક કર્મચારીઓ હતો. જોતજોતામાં આગ વિકરાળ બની ગઇ હતી અન ફેક્ટરીના પ્રોડક્શન યુનિટને લપેટમાં લઇ લીધુ હતું. બનાવની જાણ થતાં લોધીકા, મેટોડા, રાજકોટ ફાયર બ્રિગેડના કર્મચારીઓ ફાયર ફાઇટર સાથે પહાંચી ગયા હતાં અને ચારેક કલાક પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આગને કારણે મોટી નુકસાની થઇ હતી.




