કોટેચા ચોક ખાતે રસ્તો બ્લોક કરી વિરોધ દર્શાવતા કાર્યકરોની અટકાયત
જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીનું પેપર લીક થવાના બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટનાના વિરોધમાં NSUI દ્વારા રાજકોટ શહેરના કોટેચા ચોક ખાતે વિરોધ પ્રદર્શન યોજી હોબાળો મચાવવામાં આવ્યો હતો. NSUI ના કાર્યકરોએ “પેપર લીક બંધ કરો” અને “ગુજરાત સરકાર લીક છે ત્યારે પેપર લીક છે” જેવા સુત્રોચ્ચાર કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ દર્શાવવા માટે કાર્યકરો રસ્તા વચ્ચે બેસી જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો અને માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિક હળવો કરાવવા અને પરિસ્થિતિ થાળે પાડવા માટે કામગીરી હાથ ધરી હતી. રસ્તો રોકીને વિરોધ કરી રહેલા NSUI ના કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પેપર લીક મામલે આક્રોશ વ્યક્ત કરવા કાર્યકરો રોડ પર બેસી જતાં ટ્રાફિક જામ થયો હતો, જેથી પોલીસે ટીંગાટોળી કરી તેમની અટકાયત કરી હતી.




