3 સિંહબાળનાં આગમનથી રાજકોટ ઝૂમાં એશિયાઈ સિંહોની સંખ્યા 20 પર પહોંચી છે.
રાજકોટ મહાપાલિકા સંચાલિત પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ ખાતેથી વન્યજીવ સૃષ્ટિ અને પ્રકૃતિપ્રેમીઓ માટે અત્યંત ખુશીનાં અને ઉત્સાહવર્ધક સમાચાર આવ્યા છે. પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં એશિયાઇ સિંહના સંવર્ધન ક્ષેત્રે અદ્ભુત સફળતા મળતાં નવા 3 સિંહબાળની ગર્જના ગુંજી ઉઠી છે. રાજકોટનાં પ્રાણીઉદ્યાનમાં એશિયાઇ સિંહ નર ધનંજય તથા માદા સિંહણ ધરતી વચ્ચે સફળ સંવનન બાદ 107 દિવસના ગર્ભાવસ્થાના અંતે માદા સિંહણ ધરતી દ્વારા તારીખ 22/07/2026 ના રોજ રાત્રીના સમયે 3 તંદુરસ્ત સિંહ બાળકોને સફળતાપૂર્વક જન્મ આપવામાં આવ્યો છે. આ નવજાત સિંહબાળોના જન્મથી ઝૂ સત્તાવાળાઓ તેમજ વન્યજીવ સૃષ્ટિમાં આનંદ અને ઉત્સાહનો માહોલ વ્યાપી ગયો છે. આ 3 સિંહબાળનાં આગમનથી રાજકોટ ઝૂમાં એશિયાઈ સિંહોની સંખ્યા 20 પર પહોંચી છે.
- Advertisement -
સિંહણ ધરતી દ્વારા જન્મેંલા ત્રણેય નવજાત સિંહબાળો તેમજ તેમની માતા ધરતી હાલ સંપૂર્ણપણે સ્વસ્થ, સુરક્ષિત અને તંદુરસ્ત સ્થિતિમાં છે. ઝૂના વેટરનરી ઓફિસર તેમજ તેમની નિષ્ણાત મેડિકલ ટીમ દ્વારા માતા અને નવજાત બચ્ચાઓની વિશિષ્ટ આરોગ્ય વિષયક કાળજી લેવામાં આવી રહી છે. સિંહણ અને બચ્ચાઓની દિનચર્યામાં કોઈ પણ પ્રકારનો ક્ષોભ કે ખલેલ ન પહોંચે તે હેતુથી સીસીટીવી (CCTV) કેમેરાની મદદથી રાઉન્ડ ધ ક્લોક એટલે કે 24 કલાક સતત મોનીટરીંગ અને ઝીણવટભરી દેખરેખ રાખવામાં આવી રહી છે.
અગાઉ તારીખ 11/06/2026 ના રોજ પણ ઝૂ ખાતે સિંહણ ‘ધારા’ દ્વારા સિંહ નર ‘ધનંજય’ સાથેના સંવનન બાદ 105 દિવસની ગર્ભાવસ્થાના અંતે 3 સિંહબાળને જન્મ આપવામાં આવ્યો હતો. સિંહણ ધારા માટે તે બીજી સુવાવડ હતી અને તેણે આ પહેલા તારીખ 05/12/2025 ના રોજ 2 સિંહબાળને જન્મ આપ્યો હતો. આમ ધારા બાદ હવે ધરતીના સફળ પ્રસવથી રાજકોટ ઝૂ ખાતે એશિયાઇ સિંહોની કુલ સંખ્યા વધીને 20 પર પહોંચી ગઈ છે. આ 20 સિંહોના કુટુંબનું માળખું જોઈએ તો તેમાં 04 પુખ્ત નર, 08 પુખ્ત માદા, 02 પાઠડા નર (યુવાન સિંહ) અને 06 નાનાં અને નવજાત બચ્ચાઓનો સમાવેશ થાય છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે આ નવા જન્મેલા સિંહ બાળકો સહિત અત્યાર સુધીમાં કુલ 58 સિંહબાળનો સફળતાપૂર્વક જન્મ થયેલ છે.




