જૂનાગઢની એમ.એમ. ઘોડાસરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ દિનેશ ડઢાણીયાએ જેન-ઝી વિદ્યાર્થી આંદોલનને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવ્યું
શિક્ષણ જગતને કલંકિત કરનારું માનસિક પ્રદૂષણ અને વિદ્યાર્થીઓનું અપમાન ક્યારેય સહન નહીં થાય : દિયાબા રાજપૂત
- Advertisement -
યુવાનો દેશનું ગૌરવવંતુ ભવિષ્ય છે, તેમને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો – દિયાબા રાજપૂત.
શરમજનક નિવેદન સામે NSUIના રાષ્ટ્રીય સંયોજક દીયાબા રાજપૂતનો ઉગ્ર અને સખ્ત વિરોધ, બરતરફીની માંગ
જૂનાગઢની એમ.એમ. ઘોડાસરા મહિલા કોલેજના પ્રિન્સિપાલ, નરસિંહ મહેતા યુનિવર્સિટીના સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્ય અને સાયકોલોજી બોર્ડના ચેરમેન દિનેશ ડઢાણીયા દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદોલન અને દિલ્હીના જંતર-મંતર ખાતે પોતાના હક્ક માટે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા દેશના ભાવિ યુવાનોને ‘રાષ્ટ્રવિરોધી’, ‘દેશને તોડવાનો પ્રયાસ કરનાર’, તેમજ ‘પરદેશી ફંડિંગ’ અને ‘કોકરોચ-કાગડા પાર્ટી’ જેવા અત્યંત હલકા શબ્દોથી નવાજવામાં આવ્યા છે. NSUI અને નેતા દિયાબા રાજપૂત આ શરમજનક નિવેદન સામે વિરોધ નોંધાવે છે. જ્યારે આ નિવેદનને લઈને સમગ્ર શિક્ષણ જગતમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો અને વિદ્યાર્થીઓનો આક્રોશ જોયો, ત્યારે આ પદાધિકારીએ કાયરતાપૂર્વક પોતાની પોસ્ટ ડિલીટ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો. જે વ્યક્તિ માનસિક રીતે આટલી સંકુચિત હોય, તે શિક્ષણ જગતમાં બેસીને નવી પેઢીને શું દિશા આપશે?
- Advertisement -
દિયાબાએ જણાવ્યું કે જ્યારે દેશના ૨૧ વિદ્યાર્થીઓ એ સુસાઇડ કર્યું ત્યારે તમે ક્યાં ગયા હતા? આજ હજારો વિદ્યાર્થીઓ માનસિક રોગ ના ડૉક્ટર પાસે ઈલાજ કરાવે છે ત્યારે આજે જે લોકો વિદ્યાર્થીઓના ન્યાયી અને શાંતિપૂર્ણ આંદોલનને ‘દેશદ્રોહી’ અને ‘રાષ્ટ્રવિરોધી’ ગણાવવાની દુષ્પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેમને NSUI અને દિયાબા રાજપૂતનો સીધો સવાલ છે. જ્યારે આ દેશ અને રાજ્યમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર અને સિસ્ટમની નિષ્ફળતાથી કંટાળીને દેશના ૨૧ જેટલા યુવા વિદ્યાર્થીઓએ આત્મહત્યા (સુસાઇડ) કરી હતી, ત્યારે આ સત્તાધીશો અને તેમની ચમચાગીરી કરતી ભારતીય જનતા પાર્ટી ક્યાં છુપાઈને બેઠી હતી? શું તે યુવાનોના મૃત્યુનો અવાજ તમને નહોતો દેખાતો? આજદિન સુધી રાજ્યમાં અને દેશમાં એક પછી એક એમ ૩૪ જેટલા પેપર લીક થયા છે, લાખો હોશિયાર વિદ્યાર્થીઓની મેરિટવાળી મહેનત પર પાણી ફરી વળ્યું છે, તેમના સપનાઓ રોળાઈ ગયા છે ત્યારે આ ભાજપના નેતાઓ અને આવા સિન્ડિકેટ સભ્યોની જીભ કેમ સીવાઈ ગઈ હતી? ત્યારે કોઈ ખુલાસો કેમ ન કરવામાં આવ્યો?
જ્યારે ભ્રષ્ટ વ્યવસ્થા સામે યુવાનોનો અવાજ બુલંદ થાય છે, ત્યારે આ સત્તાના નશામાં ચૂર થયેલા પ્યાદાઓ વિદ્યાર્થીઓને બદનામ કરવા માટે બેફામ નિવેદનોબાજી કરવા બેસી જાય છે.
દેશના યુવાનો એ કોઈની રાજકીય જાગીર નથી, પરંતુ આ દેશનું સાચું ગૌરવ અને ઉજ્જવળ ભવિષ્ય છે. દિલ્હીના જંતર-મંતર ખાતે કે દેશના અન્ય સ્થળોએ બેસીને પોતાના શૈક્ષણિક અધિકારોની લડાઈ લડી રહેલા વિદ્યાર્થીઓ ક્યારેય દેશદ્રોહી હોઈ શકે નહીં. આવા તેજસ્વી યુવાનોને ગેરમાર્ગે દોરવાનું અને તેમની ન્યાયી લડાઈને કુચલવાનું પાપ ભાજપના ઈશારે ચાલી રહેલા આ તત્વોએ બંધ કરવું જોઈએ. દેશની નવી પેઢીને ખોટા અને નફરત ફેલાવતા સંદેશા આપીને શૈક્ષણિક વાતાવરણને ડહોળવાનું બંધ કરો. જે યુવાનો આવતીકાલે આ દેશનું નેતૃત્વ સંભાળવાના છે, તેમને આજે આ પ્રકારે ‘દેશદ્રોહી’ ઠેરવવા એ સીધી રીતે રાષ્ટ્ર સાથે ગદ્દારી સમાન છે.
દિયાબાએ જણાવ્યું કે કોના આશીર્વાદથી ખુરશી પર બેઠા છો તે જગજાહેર છે. આજે જે લોકો સત્તાના જોરે વિદ્યાર્થીઓને ધમકાવી રહ્યા છે અને ભાજપની અંધ ભક્તિ કે ચમચાગીરીમાં મશગુલ છે, તેમણે એ ભૂલવું ન જોઈએ કે તેઓ કોના રાજકીય આશીર્વાદ અને કૃપાથી આ ઉચ્ચ હોદ્દાઓ અને ખુરશીઓ પર બેઠા છે. ગુજરાતનો પ્રત્યેક વિદ્યાર્થી સારી રીતે જાણે છે કે કઈ રાજકીય છત્રછાયા હેઠળ આવા બેજવાબદાર લોકો શિક્ષણ જગતને બાનમાં લઈને બેઠા છે. પ્રજાના ટેક્સના પૈસે મળેલા હોદ્દાનો દુરુપયોગ કરીને શાસકોને ખુશ કરવાની આ ગુલામગિરી હવે ચલાવી લેવામાં નહીં આવે.
દિયાબા માંગ કરતા જણાવ્યું છે કે નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય, સાયકોલોજી બોર્ડના ચેરમેન અને પ્રિન્સિપાલ દિનેશ ઉડાધિયાને તેમના તમામ શૈક્ષણિક અને સત્તાવાર હોદ્દાઓ પરથી તાત્કાલિક ધોરણે બરતરફ કરવામાં આવે. તેમજ વિદ્યાર્થીઓ વિરુદ્ધ અપશબ્દો વાપરીને તેમનું અપમાન કરવા બદલ તાત્કાલિક ધોરણે જાહેરમાં માફી માંગવામાં આવે. અને શૈક્ષણિક સંસ્થાઓના પદનો દુરુપયોગ કરીને યુવાનો પર રાજકીય દબાણ લાવનારા આવા અધિકારીઓ સામે ફોજદારી અને કડક તપાસ કરવામાં આવે.
જો આ બાબતે ત્વરિત અને સખ્ત પગલાં નહીં લેવામાં આવે, તો NSUI અને દીયાબા રાજપૂતની આગેવાની હેઠળ સમગ્ર રાજ્યમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્ર અને શાસકોની રહેશે. તેવું દિયાબા રાજપૂતે અંતમાં જણાવ્યું છે.




