પરેશ રાજગોર
જંગલબુક અને મોગલીના પરાક્રમોના નવા અનુવાદથી ગુજરાતી વાચકોને મળશે મૂળ કૃતિનો સંપૂર્ણ આસ્વાદ
- Advertisement -
જંગલબૂક શબ્દનું નામ પડતા સૌથી પહેલા આપણને મોગલી અને ગુલઝારનું લખેલું ગીત જંગલ જંગલ બાત ચલી હૈ… યાદ આવે. ૧૯૯૦ના દસકની આ એનીમેશન ધારાવાહીક એટલી લોકપ્રિય બની કે ૨૦૧૫માં હોલીવૂડમાં જંગલબૂક ફિલ્મ બની ત્યારે તેના ભારતીય ડબ વર્ઝનમાં પણ આ જ ગીતને મુખ્ય ગીત તરીકે લેવામાં આવ્યું. આમ તો અગાઉ પણ જંગલબૂક પર ઘણી ફિલ્મો બની ચૂકી છે. શોલે ફિલ્મના દરેક પાત્ર યાદગાર અને ખાસ વિશેષતાઓવાળા છે, એમ જંગલબૂકનું દરેક પાત્ર પણ યાદગાર છે. શેરખાન. બગીરા, ભાલુ, અજગર કા, મોગલીના ભાઇઓ તરીકે ઉછરેલા અન્ય બાળ વરુઓ,જંગલમાં ધમાલ મચાવતા વાંદરાના ટોળા અને દરેક વસ્તુ લોકોના માનસ પર એવી છાપ ઊભી કરી છે જે વર્ષો બાદ પણ જાણે તાજી જ છે. આજે વાત કરવી છે તેના ગુજરાતી અનુવાદિત પુસ્તકો વિશે. આમ તો ગુજરાતીમાં જંગલબૂક અગાઉ ઘણી વખત પ્રકાશિત થઈ છે. પણ આજે નવા બે અનુવાદો વિશે વાત કરવી છે. તે સુરતના ફેલિક્સ પ્રકાશને બહાર પાડ્યા છે. તેના અનુવાદક છે સાધના નાયક દેસાઈ આપણને લાગે છે જંગલબૂક એક જ પુસ્તક છે. પરંતુ તેના લેખક ફૂડયાર્ડ કિપલિંગે જંગલબૂક અને જંગલબૂક-૨ એમ બે પુસ્તકો લાંબા અંતરાલમાં લખ્યા હતા. જેના પ્રથમ ભાગનો અનુવાદ જંગલબૂક નામે અને બીજા ભાગનો અનુવાદ મોગલીનાં પરાક્રમોના નામે ગુજરાતીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આપણે એવું જ માનીએ છીએ કે જંગલબૂક એટલે મોગલી કથા. પણ મૂળ પુસ્તકોમાં એવું નથી. રૂડયાર્ડ કિપલિંગની બંને જંગલબૂકમાં મોગલી ઉપરાંત અન્ય ઘણી કથાઓ સમાવવામાં આવી છે. જેના પાત્રો, કથા અને સ્થળ મોગલીની વાર્તાથી સાવ સ્વતંત્ર છે. આ ઉપરાંત કથાને અનુરૂપ કાવ્યો અને ગીતો પણ અંગ્રેજી પુસ્તકમાં છે જેનો સમાવેશ પણ આ ગુજરાતી અનુવાદોમાં કરવામાં આવ્યો છે.
રૂડયાર્ડ કિપલિંગનો જન્મ ભારતમાં જ થયો હતો. તેમનું બાળપણનું ભણતર ભારતના જ બોડિંગ સ્કૂલમાં થયું. ત્યાર બાદ તેમને ઉચ્ચ અભ્યાસ માટે બ્રિટન મોકલવામાં આવ્યા. તેમના માતાપિતાની ઇચ્છા એવી હતી કે તે ઓક્ષર્ડમાં ભણે. પણ તેમનું એડમિશન ત્યાં ન થઈ શક્યું. ત્યાર બાદ તેઓ ભારત આવી અહીંના અખબારમાં જોડાયા. ત્યારે જ તેમણે આ કથાઓ વિશેની સામગ્રી મેળવી અને આ કથાઓ લખી. તેઓએ ભારતમાં જંગલ પ્રવાસ કર્યો ન હતો પણ અહીંના જંગલને આધારીત પુસ્તકો વાંચ્યા હતાં અને લોક મુખે જંગલની વાર્તાઓ સાંભળી હતી. તે વખતે બુલંદ શહેર નજીક શનિયર નામનો જંગલમાં વસતો બાળક મળી આવ્યો હતો. બાળપણમાં વરૂઓ વચ્ચે ઉછરેલો તે વ્યક્તિ ૪૦ વર્ષ સુધી જીવ્યો હતો, પરંતુ તે ક્યારેય મનુષ્યોની ભાષા શીખી શક્યો ન હતો. મોગલીનું પાત્ર તેમણે આને આધારે જ ઘડયું હોવાની માન્યતા છે. તેને આધારે જ તેમણે જંગલબૂકનાં બંને પુસ્તકો લખ્યાં હતાં. પુસ્તક બહાર પડતા જ ભારતીય જંગલની વાતો ધરાવતી વાર્તાઓ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની ગઈ. તેમને ૧૯૦૭નું સાહિત્ય માટેનું નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું.
જંગલબૂક પુસ્તકની લખાણ શૈલી આપણે ફિલ્મ કે સિરિયલમાં જોઇએ એવી ક્રમબધ્ધ નથી. તેને મોગલીનાં જીવનની ઘટનાઓ ટુકડાઓ સ્વરૂપે આલેખાઈ છે. ભારતીય કથાઓ ઉપરાંત વિશ્વના અન્ય ભાગની કથાઓ પણ પુસ્તકમાં છે. ધ્રુવ પ્રદેશમાં શીલના શિકારની કથા પણ છે. જે ફિલ્મને સિરિયલમાં ક્યારેય જોવા નહીં મળે. આમ, ગુજરાતી વાચકોએ જંગલબૂક અને મોગલીનાં પરાક્રમો પુસ્તકો ખાસ વાંચવા જોઈએ.




