પમ્પિંગ વ્યવસ્થા, 24 કલાક સ્ટેન્ડબાય રહેવા અને ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા સૂચના
પાણી ભરાવા અને ડ્રેનેજ વ્યવસ્થાની કરી સમીક્ષા
- Advertisement -
રાજકોટ શહેરમાં સતત વરસાદી માહોલ વચ્ચે નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને વરસાદી પાણીના ઝડપી નિકાલની કામગીરી અસરકારક રીતે થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તા. 24 જુલાઈ, 2026ના રોજ શહેરના ત્રણેય ઝોનની રૂબરૂ ફિલ્ડ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ, ડ્રેનેજ વ્યવસ્થા, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન, વરસાદી પાણીના નિકાલની કામગીરી તેમજ નાગરિકોને પડતી મુશ્કેલીઓનું સ્થળ પર જ નિરીક્ષણ કરીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર સાથે સંબંધિત ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો, સિટી એન્જિનિયર વિભાગના અધિકારીઓ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, ડ્રેનેજ વિભાગ તેમજ અન્ય સંબંધિત શાખાઓના અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. અધિકારીઓએ વિવિધ વિસ્તારોની સ્થિતિ અંગે કમિશનરને સ્થળ પર જ માહિતી આપી હતી. મુલાકાત દરમિયાન શહેરના મુખ્ય માર્ગો, મહત્વના જંકશનો, સ્ક્રીન ચેમ્બર, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન તેમજ વરસાદી પાણી ભરાવાની શક્યતા ધરાવતા સંવેદનશીલ વિસ્તારોની ખાસ તપાસ કરવામાં આવી હતી. જ્યાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી ત્યાં પાણીના ઝડપી નિકાલ માટે પમ્પિંગ મશીનરી, વધારાનું માનવબળ અને જરૂરી સાધનો તાત્કાલિક કાર્યરત કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી.
કમિશનર તુષાર સુમેરાએ છેલ્લા કેટલાક કલાકોમાં કંટ્રોલ રૂમમાં નોંધાયેલી ફરિયાદો, વરસાદી પાણીના નિકાલની કામગીરી, વૃક્ષ પડવાની ઘટનાઓ તેમજ વરસાદને લગતી અન્ય કામગીરી અંગે પણ વિગતવાર માહિતી મેળવી હતી. જરૂરિયાત મુજબ વધારાની ટીમો અને મશીનરી તૈનાત રાખવા તેમજ કોઈપણ પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વરસાદી પરિસ્થિતિ દરમિયાન તમામ વિભાગો વચ્ચે સતત સંકલન જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. દરેક ઝોનમાં અધિકારીઓ અને કર્મચારીઓ સતત ફિલ્ડમાં સક્રિય રહી કામગીરી કરે તેમજ નાગરિકોની ફરિયાદોનો ઝડપથી નિકાલ કરે તેની ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ચેમ્બરની નિયમિત સફાઈ, વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધરૂપ કચરો, ઝાડની ડાળીઓ અને અન્ય અવરોધોને તાત્કાલિક દૂર કરવાની કામગીરી સતત ચાલુ રાખવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો જેથી વરસાદી પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે.
મ્યુનિસિપલ કમિશનરે ડ્રેનેજ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સહિત તમામ સંબંધિત શાખાઓને આગામી દિવસોમાં પણ 24 કલાક સ્ટેન્ડબાય સ્થિતિમાં રહી કામગીરી કરવા, તમામ ઝોનના કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવા તેમજ નાગરિકો તરફથી મળતી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવાની સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મહાનગરપાલિકા દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી તમામ વ્યવસ્થાઓ સજ્જ રાખવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું.




