અગાઉ 7 વિદ્યાર્થીઓની થઈ હતી પસંદગી : કુલ 17 વિદ્યાર્થીઓએ મેળવી ટેકનિકલ પોસ્ટ
ફિઝિક્સ ભવનના વિદ્યાર્થીઓએ સાયન્ટિફિક આસિસ્ટન્ટથી લઈને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સુધીની વિવિધ પોસ્ટ પર નોંધાવી સફળતા
- Advertisement -
કુલપતિ પ્રો. ઉત્પલભાઈ જોશી અને અધ્યક્ષ પ્રો. નિકેશ શાહે પાઠવ્યા અભિનંદન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવન (ફિઝિક્સ ડિપાર્ટમેન્ટ) માટે ગૌરવની વધુ એક સિદ્ધિ નોંધાઈ છે. રાજ્યની પ્રાદેશિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (RFSL)માં વધુ 10 વિદ્યાર્થીઓની વિવિધ ટેકનિકલ હોદ્દાઓ પર પસંદગી થતાં વિભાગમાં ખુશીનો માહોલ છવાયો છે. થોડા દિવસો અગાઉ વિભાગના 7 વિદ્યાર્થીઓને પણ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં નોકરી મળી હતી. આમ અત્યાર સુધીમાં કુલ 17 વિદ્યાર્થીઓને ફોરેન્સિક સાયન્સની વિવિધ ટેકનિકલ પોસ્ટ પર સ્થાન મળતાં ફિઝિક્સ ભવનની શૈક્ષણિક ગુણવત્તા અને કારકિર્દી નિર્માણની ક્ષમતાને વધુ એક વખત મજબૂત પુરાવો મળ્યો છે. એક સમય એવો હતો જ્યારે ભૌતિકશાસ્ત્રના અભ્યાસને મુખ્યત્વે અધ્યાપન, સંશોધન અને ઔદ્યોગિક ક્ષેત્ર સુધી મર્યાદિત માનવામાં આવતો હતો. પરંતુ આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે આજે ફિઝિક્સના વિદ્યાર્થીઓ માટે ફોરેન્સિક સાયન્સ, ડિજિટલ તપાસ, વૈજ્ઞાનિક વિશ્લેષણ અને પ્રયોગશાળા આધારિત સંશોધન જેવા અનેક નવા ક્ષેત્રો ખુલ્યા છે. આ બદલાતા સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના વિદ્યાર્થીઓએ રાજ્યની ફોરેન્સિક સાયન્સ ભરતી પ્રક્રિયામાં નોંધપાત્ર સફળતા મેળવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે.
વિભાગના વિદ્યાર્થીઓની સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ફિઝિક્સ), આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ્સ (AEQD), સિનિયર એક્સપર્ટ (ફિંગરપ્રિન્ટ), સર્ચર (ફિંગરપ્રિન્ટ) તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ (ફિઝિક્સ) જેવી વિવિધ ટેકનિકલ જગ્યાઓ માટે પસંદગી કરવામાં આવી છે. એક જ વિભાગના વિદ્યાર્થીઓની ફોરેન્સિક વિજ્ઞાનની અનેક શાખાઓમાં થયેલી પસંદગી એ વિભાગમાં અપાતી ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થા, વૈજ્ઞાનિક અભિગમ, પ્રયોગાત્મક તાલીમ અને વિશ્લેષણાત્મક ક્ષમતાનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે. સાયન્ટિફિક આસિસ્ટન્ટ (ફિઝિક્સ) તરીકે પાયલ જોષી, તિલક પંડ્યા, ઉદિત ત્રિવેદી અને ધૃતિ કાનાબારની પસંદગી થઈ છે. આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ ક્વેશ્ચન્ડ ડોક્યુમેન્ટ્સ (AEQD) તરીકે વૈશાલી ચાંદેગરા અને ક્રિના રામાણી, સિનિયર એક્સપર્ટ (ફિંગરપ્રિન્ટ) તરીકે હેતલ ગોહિલ, સર્ચર (ફિંગરપ્રિન્ટ) તરીકે વશિષ્ઠ જાની તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ (ફિઝિક્સ) તરીકે ઊર્મિલા ખટાણાની પસંદગી કરવામાં આવી છે. તમામ વિદ્યાર્થીઓએ કઠિન સ્પર્ધાત્મક ભરતી પ્રક્રિયામાં સફળતા મેળવી ભૌતિકશાસ્ત્રના જ્ઞાનને ફોરેન્સિક ક્ષેત્રમાં અસરકારક રીતે સાબિત કર્યું છે.
- Advertisement -
ફોરેન્સિક વિજ્ઞાનમાં ભૌતિકશાસ્ત્રનું મહત્વ સતત વધી રહ્યું છે. દસ્તાવેજોની વૈજ્ઞાનિક તપાસ, ફિંગરપ્રિન્ટ વિશ્લેષણ, ભૌતિક પુરાવાઓનું પરીક્ષણ, વિવિધ પ્રયોગશાળા પરીક્ષણો અને અદ્યતન વૈજ્ઞાનિક સાધનોના ઉપયોગમાં ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો મહત્વની ભૂમિકા ભજવે છે. પરિણામે ફિઝિક્સના વિદ્યાર્થીઓ માટે ફોરેન્સિક વિજ્ઞાન આજે ઉજ્જવળ અને વૈવિધ્યસભર કારકિર્દી તરીકે ઉભરી રહ્યું છે. આ સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ઉત્પલભાઈ જોશી, કુલ સચિવ અજયસિંહ જાડેજા તથા ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રોફેસર નિકેશ એ. શાહે તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિભાગના વિદ્યાર્થીઓ સતત નવા અને ઉભરતા વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા સાબિત કરી રહ્યા છે. ફોરેન્સિક વિજ્ઞાનમાં મળેલી આ સફળતા માત્ર વિભાગ માટે ગૌરવની બાબત નથી, પરંતુ વર્તમાન અને ભાવિ વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં પણ ભૌતિકશાસ્ત્ર ભવનના વધુ વિદ્યાર્થીઓ વિવિધ વૈજ્ઞાનિક, સંશોધન અને સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં સફળતા મેળવી યુનિવર્સિટીનું નામ વધુ રોશન કરશે.
આ સતત મળતી સફળતાઓને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનની શૈક્ષણિક પ્રતિષ્ઠામાં વધુ વધારો થયો છે. વિભાગનો એમ.એસસી. ફિઝિક્સનો અભ્યાસક્રમ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતો મર્યાદિત ન રહી વિદ્યાર્થીઓને વિવિધ સરકારી અને વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓમાં ટેકનિકલ કારકિર્દી માટે પણ સક્ષમ બનાવી રહ્યો છે. કુલ 17 વિદ્યાર્થીઓની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં થયેલી પસંદગી ફિઝિક્સ ભવન માટે એક ઐતિહાસિક સિદ્ધિ સમાન માનવામાં આવી રહી છે.




