મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 2.68 કરોડની 2 દરખાસ્ત મંજૂર
4 વર્ષની નિભાવણી સાથે ગ્રીન કવર વધારાશે: રૈયા, મુંજકા, મવડી, કણકોટ અને કોઠારિયા સહિતના વિસ્તારોમાં લહેરાશે હરિયાળી
માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે 2 કરોડની દરખાસ્ત: 2 વર્ષ માટે ગ્લોબલ એનવાયરોસને કામગીરી અપાશે
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના પર્યાવરણ અને ડ્રેનેજ શુદ્ધિકરણ સાથે જોડાયેલી કુલ ૨,૬૮,૦૦,૯૪૯ ના ખર્ચની બે મહત્વપૂર્ણ દરખાસ્તો રજૂ કરીને મંજૂર કરવામાં આવી છે. મનપાના વોટર O&M સેલ (ડ્રેનેજ) દ્વારા રજૂ કરાયેલી પ્રથમ દરખાસ્ત અનુસાર, રાજકોટ શહેરના વોર્ડ નં. ૧, ૨, ૩ અને ૮ ના વિસ્તારોમાંથી એકત્ર થતું સુએજ વોટર ડ્રેનેજ નેટવર્ક મારફતે નાના પોપટપરા અને ત્યાંથી પોપટપરા મેઈન પમ્પિંગ સ્ટેશન પર પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ આ પાણીને માધાપર ખાતે આવેલા 44.5-MLD ક્ષમતા ધરાવતા STP (Activated Sludge Process Type) પર પમ્પિંગ કરીને લાવવામાં આવે છે.
આ પ્લાન્ટમાં સુવેજ વોટરને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ના નિયત ધારાધોરણો (BOD, COD, TSS, PH, ફેકલ કોલીફોર્મ વગેરે) મુજબ શુદ્ધ કરી, ક્લોરીનેશન કર્યા બાદ આજી-૨ ડેમમાં છોડવામાં આવે છે. અગાઉ આ કામગીરી Flow Dynamics India Pvt. Ltd. સંભાળતી હતી. હવે આ કામગીરી માટે Global Enviros (L-1 એજન્સી) દ્વારા એસ્ટીમેટ ૨,૭૦,૧૯,૩૧૨ની સામે ૨૫.૪૪% ઓછા ભાવથી ₹૨,૦૧,૪૫,૫૯૯/- નો બે વર્ષ માટેનો ઓપરેશન અને મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ મંજૂર કરાયો છે. બીજી દરખાસ્ત હેઠળ, શહેરને વધુ હરિયાળું બનાવવા અને ગ્રીન કવર વધારવા માટે જુદા જુદા ટી.પી. પ્લોટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP) અને લાયન સફારી પાર્ક આસપાસની ખુલ્લી જગ્યાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. આ કામગીરી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ પાસે AR.C. થી કરાવવા માટે ₹૬૬,૫૫,૩૪૦/- નો અંદાજિત ખર્ચ મંજૂર કરાયો છે, જેમાં ૪ વર્ષની નિભાવણીનો પણ સમાવેશ થાય છે. જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી પ્રતિ ચો.મી. ₹૩૧૦/- ના દરે રેયા સ્મશાન પાછળ, કેરલા પાર્ક, મુંજકા-નીરવાના ટાવર પાસે, મુંજકા-સંસ્કૃતિ પાર્ટી પ્લોટ પાસે અને મવડી-કોકોનટ પાર્ટી પ્લોટ પાછળ મળી કુલ ૪ સ્થળોએ ૧૩,૭૨૯ ચો.મી. વિસ્તારમાં ૬૮,૪૨૫ વૃક્ષો વાવવામાં આવશે પરંપરાગત ઘનિષ્ઠ વૃક્ષારોપણ પદ્ધતિથી પ્રતિ વૃક્ષ ₹૬૪૦/- ના દરે નારાયણનગર-કણકોટ રોડ, મવડી-મધુરેશ્વર મહાદેવ મંદિર સામે, ગ્રીન સીટી-૩, ક્રિષ્ના પાર્ક, રૈયાધાર 50-MLD WTP, કોઠારિયા-ગોકુલ પાર્ક અને લાયન સફારી પાર્ક આસપાસ મળી કુલ ૭ સ્થળોએ ૧૫,૩૧૦ ચો.મી. વિસ્તારમાં ૩,૭૪૯ વૃક્ષો વવાશે આમ, મનપા દ્વારા કુલ ૧૧ સ્થળોએ ૨૯,૦૩૯ ચો.મી. વિસ્તારમાં ૭૨,૧૭૪ જેટલા વૃક્ષોનું રોપણ અને ઉછેર કરીને રાજકોટ શહેરની હરિયાળીમાં મોટો વધારો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.




