AICCના મહામંત્રી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા તુષાર ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ
રામ મંડપમાં ચોરી અને સુરતની કથળતી સ્થિતિ મુદ્દે કોંગ્રેસી નેતાઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી
- Advertisement -
રાજકોટ ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની વિશેષ ઉપસ્થિતિમાં ‘સૌરાષ્ટ્ર ઝોન સમીક્ષા બેઠક’ યોજાઈ હતી. આ બેઠકમાં આગામી રાજકીય કાર્યક્રમો, સંગઠનાત્મક મજબૂતી અને પ્રજાકીય પ્રશ્નો મુદ્દે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, તેમજ ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ડો. તુષાર ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના ગુજરાતના સહ-પ્રભારીઓ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રદેશના વરિષ્ઠ આગેવાનો પણ બેઠકમાં જોડાયા હતા. અયોધ્યા રામ મંદિરમાં ચોરીની ઘટના અંગે પત્રકારો સાથે વાતચીતમાં AICC મહામંત્રી મુકુલ વાસનિકે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “જો રામ મંદિર નિર્માણનો તમામ શ્રેય વડાપ્રધાન પોતે લેતા હોય, તો મંદિરમાં થયેલી ચોરી અને સુરક્ષામાં ચૂકનો શ્રેય પણ તેમણે જ પોતે લેવો જોઈએ.”
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સુરતની વર્તમાન પરિસ્થિતિ અંગે શાસક પક્ષ ભાજપને ઘેરીને તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરતમાં જે પ્રજાકીય હાલાકી અને સમસ્યાઓ સર્જાઈ રહી છે, તેના માટે ભાજપ સરકારની ભ્રષ્ટાચારી નીતિઓ અને વહીવટી નિષ્ફળતા જ સીધી રીતે જવાબદાર છે. બેઠક દરમિયાન સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના આગેવાનો સાથે સંગઠનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વરિષ્ઠ નેતાઓએ આગામી સમયમાં જનતાના પાયાના પ્રશ્નો, મોંઘવારી, બેરોજગારી અને સ્થાનિક તંત્રની નિષ્ફળતાઓ સામે આક્રમક રીતે અવાજ ઉઠાવવા માટે કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.




