લોધીકા પોલીસે મૃતકના બહેનની ફરિયાદ પરથી ગુનો નોંધી બે શખ્સોની કરી ધરપકડ
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના રાવકી ગામે રહેતા ભરત વાલજીભાઇ ડાંગર ઉ.33ની જમીન ખાલી કરાવવા પ્રશ્ને બે શખ્સોએ હત્યા કરી લાશ કારમાં મૂકી નાસી જતા ચકચાર મચી ગઈ છે લોધીકા પોલીસે હત્યામાં સંડોવાયેલ બે શખ્સોની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
- Advertisement -
લોધીકાના રાવકી ગામે રવિવારે સવારે ભરતભાઈની એસેન્ટ કારમાંથી ભરતભાઇની લાશ મળી આવી હતી. કૌટુંબીક વિજય ઉર્ફે જીગો રમેશભાઇ ડાંગર તથા કટી કેશુભાઇ બગડા સાથે જમીન ખાલી કરાવવા બાબતે ઝઘડો થતા ગાળા-ગાળી થઇ હતી ત્યાર બાદ બંનેએ મૃતકને ધોકાના ઘા ઝીંકી પતાવી દીધો હતો અને હત્યા બાદ બંને લાશ એસેન્ટ કારમાં મુકી દીધી હતી અને નાસી છૂટ્યા હતા બનાવની જાણ થતા લોધીકા પીઆઇ ઇંદ્રજીતસિંહ સરવૈયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને બનાવ શંકાસ્પદ જણાતાં મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો દરમિયાન પી.એમ. રીપોર્ટમાં ભરતભાઇની હત્યા થઇ હોવાનું જાહેર થતા પોલીસે શંકાના પરીઘમાં રહેલ મૃતક ભરતભાઇના કૌટુંબીક વિજય ડાંગર તથા કટ્ટી બગડાને સકંજામાં લઇ લીધા હતા પ્રાથમિક પૂછતાછમાં પકડાયેલ બંને આરોપીઓએ હત્યાની કબુલાત આપતા કહ્યું હતું કે ભરતભાઇ ડાંગરે અગાઉ કૌટુંબીક વિજય ડાંગરની ખરાબાની જમીન ખાલી કરાવી હતી તેનો ખાર રાખી કૌટુંબીક વિજય ડાંગરે અન્ય આરોપી કટ્ટી બગડા સાથે મળી પુર્વયોજીત કાવત્રુ રચી ભરતભાઇનું ઢીમ ઢાળી દીધું હતું આ બનાવ અંગે મૃતકના મેટોડા રહેતા બહેન રેખાબહેન ચિરાગભાઇ બગડાની ફરીયાદ ઉપરથી લોધીકા પોલીસે આરોપી વિજય ડાંગર તથા કટ્ટી બગડા અને તપાસમાં ખુલે તે તમામ સામે ગુન્હો દાખલ કરી વિજય ડાંગર તથા કટ્ટી બગડાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.




