ડૉ.શરદ ઠાકર : મોર્નિંગ મંત્ર
ઉપનિષદો કહે છે કે આધ્યાત્મિક જીવન જીવવા માટે તમામ સાંસારિક સુખોને ત્યાગી દેવાની જરૂર નથી. માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે મનુષ્યે દુન્યવી સુખોની મર્યાદા નક્કી કરી લેવી જોઈએ. જીવનની તમામ પ્રવૃત્તિઓને પ્રભુમય બનાવી દેવી અને ક્ષણે ક્ષણે ઈશ્વરનું ધ્યાન કરવું એ ઉપનિષદોનું શિક્ષણ છે. આપણે ગમે તે ક્ષેત્રમાં હોઈએ સમાજ સુધારણા, કેળવણી, ધર્મ, વ્રત, તપ, ઉપાસના, રાજનીતિ આ બધા જ ક્ષેત્રોમાં આત્મજ્ઞાન અને પ્રભુમય જીવનનો આદર્શ યાદ રાખવો.
ભૌતિક સમૃદ્ધિની ટોચ ઉપર પહોંચ્યા પછી પણ મનુષ્યે પરમાત્માના સાક્ષાત્કાર માટે સતત પ્રયત્ન કરતા રહેવું. પ્રાચીન કાળમાં તો શ્રેષ્ઠીઓ, મંત્રીઓ અને રાજાઓ પણ જીવનના અમુક વર્ષો પૂરા થયા પછી બધું છોડીને વનમાં અથવા કોઈ અનુભવી મહાપુરુષ પાસે જઈને રહેતા હતા. આજના બદલાયેલા સમયમાં આપણે એવું કરવાની જરૂર નથી. આપણે એવું કરી શકીએ કે સાંસારિક સમૃદ્ધિ અને સુખોનો ઉપભોગ કરતા કરતા, તેની તરફ નફરતનો ભાવ સેવ્યા વગર તેની સીમા સમજીને આત્માની ઉન્નતિના માર્ગે આગળ વધવું. કોરી અને સખ્ત આધ્યાત્મિકતા બધા માણસો સ્વીકારી ન શકે એટલે આજના સભ્ય સમાજમાં ભૌતિકતા અને આધ્યાત્મિકતા આ બંનેનો સુમેળ અપનાવવો જોઈએ. સંસાર સુધારવાની સાથે સાથે આપણે આપણી જાતને પણ સુધારવાની છે. આજે મનુષ્ય હવા, પાણી, પૃથ્વી, અગ્નિ અને આકાશ ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, મનુષ્યે પોતાના મન અને પોતાની ઇન્દ્રિયો ઉપર પણ વિજય મેળવતા શીખવાનું છે.



