હિન્દુ સંગઠનના સભ્ય દ્વારા ફરિયાદ બાદ તપાસ સમિતિની રચના અને શૉ-કોઝ નોટિસ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અયોધ્યાના રામ મંદિર બાદ હવે ઉત્તરાખંડના પ્રસિદ્ધ બદ્રીનાથ ધામમાં પણ દાનની રકમમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ અંગેની વિગતો વાઈરલ થયા બાદ, બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)એ આ મામલાની ગંભીરતાથી નોંધ લઈને આંતરિક તપાસના આદેશ આપ્યા છે. BKTCના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ એક વીડિયો મેસેજ દ્વારા જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા અહેવાલોને સમિતિએ અત્યંત ગંભીરતાથી લીધા છે. કરોડો ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને આ મામલે ૨૪ કલાકની અંદર જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) દ્વારા દાન ગણતરીની પ્રક્રિયામાં સામેલ તમામ કર્મચારીઓ અને અધિકારીઓને શો-કોઝ (કારણદર્શક) નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. તટસ્થ અને તથ્યો આધારિત તપાસ માટે એક વિશેષ તપાસ સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જયારે હિન્દુ સંગઠન ‘ભૈરવ સેના’ના સ્થાપક અધ્યક્ષ સંદીપ ખત્રીએ 3 જુલાઈના રોજ BKTCના સીઈઓ સોહન સિંહ રંગડને એક ફરિયાદ પત્ર મોકલ્યો. આ પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ૨ જુલાઈના રોજ સવારે આશરે ૮:૩૦ વાગ્યે બદ્રીનાથ ધામમાં દાનની ગણતરી દરમિયાન ચોરીની ઘટના બની હતી, જે ત્યાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં પણ કેદ થઈ છે. ફરિયાદમાં એવો પણ દાવો કરાયો છે કે BKTC અધ્યક્ષના કથિત અંગત સચિવે દાનની રકમમાંથી આ ચોરી કરી છે. આ મામલે FIR નોંધવાની માગ કરવામાં આવી છે.
મંદિર સમિતિના રેકોર્ડ અનુસાર, પ્રમોદ નૌટિયાલ વર્ષ ૨૦૧૪થી પર્સનલ આસિસ્ટન્ટ (PA) તરીકે ફરજ બજાવી રહ્યા છે. એપ્રિલ ૨૦૨૬માં તત્કાલીન સીઈઓ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી (રોસ્ટર) મુજબ, તેમનું નામ થાળી એટલે કે મંદિરમાં આવતા દાનની ગણતરી કરતી સમિતિના સભ્યોમાં સામેલ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી એ વાતોને સખત શબ્દોમાં નકારી કાઢી છે જેમાં આરોપી કર્મચારી તેમનો અંગત સચિવ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘મારો કોઈ પર્સનલ સેક્રેટરી નથી. જે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે તે બદ્રી-કેદાર મંદિર સમિતિનો જ એક નિયમિત કર્મચારી છે.




