થોડા-થોડા સમયના અંતરે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદી ઝાપટાં વરસ્યા
વરસાદે રાજકોટવાસીઓને અસહ્ય બફારામાંથી મોટી રાહત અપાવી
- Advertisement -
અંતે મેઘરાજાએ કૃપા કરી છે. લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આણીને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી પવન સાથે મેઘરાજાએ આગમન કરતાં જ સમગ્ર રાજકોટ પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે ગરમીથી તોબા પોકારી ઉઠેલા રાજકોટિયન્સે લાંબા સમય પછી વરસેલા આ વરસાદને પગલે રાહતનો શ્વાસ લીધો છે અને લોકોમાં ભારે ઉત્સાહ તેમજ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં આજે સવારથી જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા છે અને થોડા-થોડા સમયના અંતરે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. આ અગાઉ ગઈકાલે બુધવારે સાંજના સમયે પણ રાજકોટના અમુક વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટાં પડ્યા હતા. ગઈકાલ સાંજથી શરૂ થયેલા આ વરસાદી માહોલના કારણે વાતાવરણ પલટાયું છે અને ગરમીનું જોર ઘટતાં સમગ્ર શહેરમાં આહલાદક ઠંડક પ્રસરી જવા પામી છે.ચાલુ ચોમાસાની સિઝનમાં રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોન વાઇઝ મુજબ રાજકોટમાં માંડ એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે સવારે પણ શહેરના મુખ્ય ગણાતા એવા યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, અને રેસકોર્સ સહિતના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ તૂટી પડ્યો હતો. જો કે, વરસાદના આ પ્રારંભિક રાઉન્ડ બાદ મેઘરાજાએ સંતાકૂકડી શરૂ કરી હોય તેમ વાદળો વચ્ચેથી તડકો પણ નીકળ્યો હતો. સવારથી જ થોડા-થોડા સમયના અંતરે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે, તો ક્યાંક ધૂપ-છાંવનો માહોલ જોવા મળી રહ્યો છે.




