કોઈ કારનો પીછો કરતો હોવાની શંકાએ જયએ તળાવમાં ઝંપલાવ્યું : વહેલી સવારે લાશ મળી
કાવતરું ઘડી મિત્રોએ જ મોતને ઘાટ ઉતારી દીધાની શંકાએ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સઘન પૂછતાછ
- Advertisement -
રાજકોટના કુખ્યાત બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજનના માર્ગે ચાલતો તેનો પુત્ર જેનીશ મહાજનની ટોળકીના જ એક સાગરીત જય ખાંભરાનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે મોડી રાત્રે સાથે નીકળેલા પાંચ મિત્રો પૈકી જયની તળાવમાંથી લાશ મળી આવતા અને તે પડી ગયો હોવાનું ખુદ જેનીશ આણી ટોળકીએ પોલીસને જણાવતા ચારેય શખ્સોને સકંજામાં લઇ બનાવના મૂળ સુધી પહોંચવા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
મોડી રાત્રે અંદાજે 3 વાગ્યાના અરસામાં પરા પીપળીયા વિસ્તારમાંથી એક કારમાં પાંચ શખ્સો સવાર થઈને નીકળ્યા હતા. આ કારમાં કુખ્યાત જેનીશ મહાજન અને તેનો સાગરીત જય ખાંભરા પણ હતા આ શખ્સોને એવો ભય હતો કે કોઈ અજાણ્યા શખ્સો અથવા દુશ્મન તેમની કારનો પીછો કરી રહી છે. પીછો કરનારાઓથી બચવા અને જીવ બચાવવા માટે કાર ફૂલ સ્પીડમાં હંકારી હતી આ પાંચેય શખ્સો કારને એઈમ્સ હોસ્પિટલની પાછળના અવાવરુ વિસ્તાર તરફ લઈ ગયા હતા રાત્રીના અંધારામાં એઈમ્સ પાછળ પહોંચેલી આ ટોળકીમાંથી એક શખ્સ જય ખાંભરા અચાનક તળાવના ઊંડા પાણીમાં પડી ગયો હોવાની વાત વહેતી થઈ હતી ઘટના અંગે પોલીસને જાણ કરાતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને પાણીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જો કે જેનીશ સહિતના શખ્સોની કબૂલાત શંકાસ્પદ લાગતી હોય આ કોઈ આયોજનબદ્ધ કાવતરું છે કે કેમ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોડી રાત્રે જ ચાર શખ્સોને રાતોરાત રાઉન્ડઅપ કરી સઘન પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, ખરેખર તેમનો કોઈ પીછો કરી રહ્યું હતું કે પછી આખી કહાની જય ખાંભરાને મોતના ઘાટ ઉતારવા અથવા તેને ગાયબ કરવા માટે ઉપજાવી કાઢવામાં આવી હતી બીજી તરફ સર્ચ ઓપરેશન બાદ વહેલી સવારે તળાવમાંથી રાજકોટના જય ખાંભરાનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશ બહાર કઢાતા જ ઘટનાસ્થળે હાજર તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ભેદી રીતે ગુમ થયેલા સાગરીતનો મૃતદેહ મળ્યા બાદ આ કેસ હવે સંપૂર્ણપણે શંકાસ્પદ મોતમાં ફેરવાઈ ગયો છે પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે ફોરેન્સિક પીએમના રિપોર્ટ બાદ જ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે પ્રાથમિક તપાસમાં ગોંડલ રોડ નજીક પંચશીલ સોસાયટીમાં રહેતો જય પ્રભાતભાઈ ખાંભલા નામનો યુવાન ઓટોમોબાઈલ શો રૂમમાં કામ કરે છે. તે ગત સપ્તાહે ઘરેથી તેના મિત્રો કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનનો પુત્ર નામીચો જેનિસ, અજય ઉર્ફે સદામ, ભાવિન પટેલ અને ઋત્વિક પરમાર સાથે રાજસ્થાન જવાનું કહી નીકળ્યો હતો બાદ ગત સોમવારે જય જે શો રૂમમાં કામ કરે છે તે શો રૂમના મેનેજરે કોલ કરીને જય પરાપીપળીયાના તળાવમાં ડૂબી ગ્યો છે તેવો તેના મિત્રોનો ફોન આવ્યો હતો તેવી જાણ પરીવારને કરી હતી. જેથી પરિજનો તાત્કાલિક પરાપીપળીયા તળાવે પહોંચ્યા હતા.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર સોડા બોટલોનો ઘા કરવાના ગુનામાં જય સામેલ હતો
ગત તા.16 જાન્યુઆરીના રોજ 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ગાંધીગ્રામ પોલીસ મથક પર સોડા બોટલોનો ઘા કરી ખાખીને પડકાર ફેંકવામાં આવ્યો હતો. જે ગુનામાં પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં અજય ઉર્ફે સદામ મહેતા, વિશાલ ગોહિલ, જેનીસ ઉર્ફે માજન માંડલિયા, કરણ પરમારની સાથે મૃતક જય ખાંભરા પણ ધરપકડ કરવામાં આવી હતી.




