ભેળસેળિયા તત્વોની ખેર નથીઃ રાજકોટ ફૂડ વિભાગનો સપાટો
લાયસન્સ વગર પીરસાઈ રહ્યું હતું શંકાસ્પદ પનીર, મોરબી રોડ આવેલી પ્રકાશભાઈ હરસોડાની પેઢી સીલ, 10 હજારનો દંડ ફટકારાયો
- Advertisement -
પનીર માનવ વપરાશ માટે યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવા માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવવામાં આવ્યું
રાજકોટ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા તત્વો સામે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લાલ આંખ કરી છે અને ફૂડ વિભાગનો કડક સપાટો જોવા મળ્યો છે. ફૂડ વિભાગની ટીમે બાતમીના આધારે રાજકોટ-૩ માં મોરબી રોડ પુલ નજીક, સેટેલાઇટ ચોક પાસે અને આશુતોષ માર્બલની બાજુમાં આવેલા એક ખાદ્ય એકમ પર આકસ્મિક દરોડો પાડ્યો હતો. આ તપાસ દરમિયાન ફૂડ વિભાગની ટીમે સેટેલાઇટ ચોક પાસે આવેલી પ્રકાશભાઈ પ્રવિણભાઈ હરસોડાના પનીરના ઉત્પાદન અને વેચાણ કેન્દ્ર પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
- Advertisement -
આ દરોડા દરમિયાન ફૂડ સેફ્ટીના નિયમોના લીરેલીરા ઊડતા જોવા મળ્યા હતા, જેમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી હતી કે આટલા મોટા પાયે ધમધમતું આ કેન્દ્ર કોઈપણ પ્રકારનું ફૂડ લાયસન્સ ધરાવતું નહોતું. સ્થળ પરથી તંત્રને અંદાજે ૫૦૦ કિલોગ્રામ જેટલો શંકાસ્પદ લૂઝ પનીરનો મોટો જથ્થો મળી આવતા અધિકારીઓએ તેને તાત્કાલિક અસરથી સીઝ કર્યો હતો અને આ પનીર માનવ વપરાશ માટે યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવા માટે પનીરનું સેમ્પલ લઈને લેબોરેટરી ટેસ્ટિંગ અર્થે મોકલી આપ્યું હતું. ફૂડ લાઇસન્સ ન હોવા બદલ તેમજ નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ પેઢી વિરુદ્ધ રૂા. ૧૦,૦૦૦ નો દંડ કરવાની કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે ઉપરોક્ત પેઢીને સ્થળ પર જ સીલ મારી દીધું છે અને માલિકને કાયદાકીય સુધારણા માટેની ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ ફટકારી છે. તંત્રની આ આકરી અને સળંગ કાર્યવાહીને પગલે અન્ય બિનઆરોગ્યપ્રદ ચીજોનું વેચાણ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.




