નામચીન હિલ પેડલર સુધાના પુત્રને એમડી પીવાની ટેવ હોય મહિનામાં બીજી ખેપ મારવા ગયા હતા
52,560નું મેફેડ્રોન, 4 મોબાઈલ, 5 લાખની કાર સહિત કુલ 5,72,560નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
રાજકોટના યુવાધનને નશાના રવાડે ચડતા અટકાવવાની સૂચના અન્વયે પેટ્રોલિંગમાં રહેલ શહેર એસઓજીએ રવિવારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર નવાગામ (બામણબોર) પાસે વોચ ગોઠવી રાજસ્થાનથી મેફેડ્રોન લઈને આવતા રાજકોટના ચાર હિસ્ટ્રીશીટરને 17.520 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી લીધા હતા ડ્રગ ઉપરાંત સ્વિફટ કાર અને ચાર મોબાઇલ સહિત 5.72 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે પ્રાથમિક તપાસમાં આરોપી હિતેષ ધામેલિયા કુખ્યાત મહિલા પેડલર સુધા ધામેલિયાનો પુત્ર હોય અને તેને મેફેડ્રોન પીવાની ટેવ હોવાથી ચારેય મિત્રો રાજસ્થાન ફરવાના બહાને ગયા હતા અને ત્યાંથી હિતેષે સાંચાર રોડ પર આવેલી મહાદેવ ગેસ્ટહાઉસ નજીક એક શખ્સ પાસેથી મેફેડ્રોન ખરીદ્યું હતું. મહિનામાં આ બીજી વખત તે ડ્રગ્સ લેવા રાજસ્થાન ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઇમ બી બી બસિયાની સૂચના અન્વયે એસઓજી પીઆઈ એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ મહેન્દ્રસિંહ જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનોપસિંહ ઝાલા, હરદેવસિંહ અને યોગરાજસિંહને બાતમી મળી હતી કે, કાળા રંગની સ્વિફ્ટ કારમાં ચાર શખ્સ રાજસ્થાનથી મેફેડ્રોન લઈને રાજકોટ તરફ આવી રહ્યા છે. જેના આધારે એરપોર્ટ પોલીસ સ્ટેશનની ચેકપોસ્ટ સામે નવાગામ બામણબોર ગામના જૂના રસ્તા પાસે વોચ ગોઠવી સવારે કારને રોકી તપાસ કરતાં અંદરથી 17.520 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું પોલીસે કારમાં બેઠેલા મનહરપુરના વિનય રાજુભાઈ ઉકેડિયા, રૈયાધાર સ્લમ ક્વાર્ટરના હિતેષ ઉર્ફે હિતો સુનિલભાઈ ધામેલિયા, રૈયાધારના ભવદીપ ઉર્ફે હાંડો પરેશભાઈ ડાભી અને મનહરપુરના વિશાલ રાજુભાઈ ગોહિલની ધરપકડ કરી ડ્રગ, કાર, મોબાઈલ સહીત 5.72 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે હિતેષ ડ્રગ પેડલર સુધાનો પુત્ર હોય તે મેફેડ્રોન પીવાની ટેવ ધરાવતો હોવાનું અને ચારેય મિત્રો રાજસ્થાન ફરવા ગયા ત્યારે સાંચાર રોડ પર મહાદેવ ગેસ્ટહાઉસ નજીક એક અજાણ્યા શખ્સ પાસેથી મેફેડ્રોન ખરીદ્યાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
પકડાયેલા ચારેય આરોપીનો ગુનાહિત ઇતિહાસ
વિનય ઉકેડિયા સામે હત્યા, ધમકી, મારામારી, પ્રોહિબિશન સહીત 10 ગુના
હિતેષ ધામેલિયા સામે NDPS એક્ટ, આર્મ્સ એક્ટ, મારામારીના 6 ગુના
ભવદીપ ઉર્ફે હાંડો ડાભી સામે પ્રોહિબિશન, મારામારી, સહિત 18 ગુના
વિશાલ ગોહિલ સામે મારામારી અને પ્રોહિબિશનના 3 ગુના




